National

વિમાનમાં પેશાબ કરવાના મામલામાં એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હી: વિમાનમાં સાથી મહિલા પ્રવાસી પર દારૂના નશામાં પેશાબ કરવાના મામલામાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ પીડિતાને સમયસર ન્યાય અપાવવામાં નિષ્ફળ રહેલી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DGCAના નાગરિક ઉડ્ડયન નિયમોના ઉલ્લંઘન બદલ એર ઈન્ડિયાને રૂપિયા 30 લાખની માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ફ્લાઈટ ઉડાડી રહેલાં પાઈલટ ઈન કમાન્ડનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

એરક્રાફ્ટ રૂલ્સ 1937 ના નિયમ 141 અને લાગુ DGCA ના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે પાઇલટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત એર ઈન્ડિયાની ફ્લાઈટ સર્વિસમાં ડાયરેક્ટર ને 3 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

DGCAએ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરતા એર ઈન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે. આ કેસમાં પીડિત મહિલાએ એર ઈન્ડિયા પર સમયસર પગલાં ન લેવાનો અને સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ DGCAએ એર ઈન્ડિયાને કારણ દર્શક નોટિસ ઈશ્યૂ કરી હતી. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શા માટે તમારી સામે કાર્યવાહી ન કરવામાં આવે? તમે તમારી જવાબદારી યોગ્ય રીતે પૂર્ણ કરી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પીડિતાએ એરઈન્ડિયાની ફ્લાઈટના ક્રૂ મેમ્બર સામે પણ ફરિયાદ કરી હતી
પેશાબ મામલામાં પીડિત મહિલા મુસાફરે એરઈન્ડિયાના ક્રૂ મેમ્બર સામે પણ ફરિયાદ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં લખ્યું હતું કે, પોતે ફ્લાઈટ નં. AI102માં મારા બિઝનેસ ક્લાસની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત પેસેન્જરે તેની સીટ પર આવી પેશાબ કર્યો હતો. પીડિતાએ AI કેબિન ક્રૂને આ ઘટના પ્રત્યે અસંવેદનશીલ ગણાવ્યું હતું. પીડિતાએ ફરિયાદમાં લખ્યું હતું કે ક્રૂ મેમ્બરે આરોપી પેસેન્જરને બદલવા માટે માત્ર પાયજામા અને ચપ્પલની જોડી આપી હતી, પરંતુ આ કૃત્ય બદલ પુરુષ મુસાફર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરાઈ
26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે IPC 354,294,509,510 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટમાં આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે તેમના અસીલે પેશાબ કર્યો નથી, પરંતુ પીડિતાએ પોતે જ પેશાબ કર્યો હતો.

Most Popular

To Top