સુરત: (Surat) જો તમે સુરત આવવા કે સુરતથી બહાર જવા માટે એરઈન્ડિયાની (Air India) ફ્લાઈટ (Flight) બુક (Book) કરાવી હોય તો જરા ચેક કરી લેજો. તમારી ટિકીટ (Ticket) કેન્સલ (Cancel) થઈ હોઈ શકે છે. એરઈન્ડિયાનો ચાર્જ ટાટા એ સંભાળ્યા બાદ સુરત માટે ખૂબ જ મોટા આઘાતજનક સમાચાર આવ્યા છે. એરઈન્ડિયાએ રાતોરાત સુરત એરપોર્ટ પર આવતી-જતી 32 જેટલી ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે.
સુરત એરપોર્ટના (Surat Airport) સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એર ઈન્ડિયાએ ટેકનીકલ (Technical) કારણનું બહાનું કાઢીને આજે તા. 23 ફેબ્રુઆરીથી લઈને તા. 9મી માર્ચ સુધીની સુરત એરપોર્ટ પર આવતી જતી કુલ 5 જુદા જુદા સેક્ટરની 32 જેટલી ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. એરઈન્ડિયાએ રાતોરાત લીધેલા આ નિર્ણયના લીધે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. સૌથી કફોડી હાલત આજે અને આવતીકાલની ટિકીટ બુકિંગ કરાવનારા મુસાફરોની થઈ છે. મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે, સુરત એરપોર્ટ પર આવતી અને સુરત એરપોર્ટથી અન્ય શહેરમાં ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઈટોને ટેકનિકલ કારણોસર કેન્સલ કરવામાં આવી છે.
આ ફ્લાઈટ પાંચ જુદા જુદા સેક્ટરની છે
એરઇન્ડિયાએ તા. 23 અને 29 ફેબ્રુઆરી, 2,7 અને 9મી માર્ચની સુરતથી કોલકત્તા-ભૂવનેશ્વરની ફ્લાઈટ કેન્સલ કરી છે. તા. 23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9 માર્ચની સુરત દિલ્હીની ફલાઈટ રદ કરી છે. તા. 27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત-ગોવા, સુરત-હૈદરાબાદ, સુરત-દિલ્હીની ફ્લાઈટ રદ થઈ છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ રદ કરવા એરઈન્ડિયા દ્વારા જે કારણ આપવામાં આવ્યું છે તે કોઈના ગળે ઉતરે તેવું નથી. માત્ર ટેકનિકલ કારણોથી 32 ફ્લાઈટ રદ કરવી એ ચોંકાવનારી બાબત છે. મુસાફરોએ આ સમયગાળા દરમિયાન બુક કરાવેલી ટિકીટ આ સાથે આપોઆપ કેન્સલ થઈ ગઈ હોઈ હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.