National

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની પ્લેન ક્રેશ થયું, વિદ્યાર્થીઓએ પાયલોટનો જીવ બચાવ્યો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાનું તાલીમાર્થી માઈક્રોલાઈટ વિમાન ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું અને શહેરની મધ્યમાં એક તળાવમાં જઈ પડ્યુ હતું. તેને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માત કેપી કોલેજની પાછળના તળાવમાં થયો હતો, જ્યાં વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટેકઓફ દરમિયાન વિમાન સામાન્ય સ્થિતિમાં હતું પરંતુ થોડીવાર પછી તે સંતુલન ગુમાવી બેઠું અને ઝડપથી તળાવમાં પડી ગયું. ક્રેશનો અવાજ સાંભળીને સેંકડો સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શી પદમ સિંહે જણાવ્યું, અમે સ્કૂલ કેમ્પસમાં હતા ત્યારે અમને રોકેટ જેવો અવાજ સંભળાયો. અમે ઘટનાસ્થળે દોડી ગયા અને કેટલાક લોકોને કળણમાં ફસાયેલા જોયા. અમે તળાવમાં કૂદી પડ્યા અને ત્રણ લોકોને બહાર કાઢ્યા. બચાવ ટીમ જે હવે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તે તળાવમાંથી વિમાનને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતીય વાયુસેના તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, માઇક્રોલાઇટ વિમાન નિયમિત તાલીમ ઉડાન ભરી રહ્યું હતું. તેમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. બંને પાઇલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જેના કારણે વહીવટીતંત્ર અને વાયુસેનાને રાહત થઈ છે.

ઘટનાની માહિતી મળતાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. તળાવની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને બચાવ કામગીરી ચાલુ છે. વિમાનને તળાવમાંથી બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેથી ટેકનિકલ તપાસ કરી શકાય. વાયુસેના અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.

શરૂઆતમાં ટેકનિકલ ખામી અથવા સંતુલન ગુમાવવાની શંકા છે. જોકે તપાસ પૂર્ણ થયા પછી જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે તાલીમ ઉડાન દરમિયાન સલામતીના ધોરણોનું કડક પાલન કરવામાં આવે છે અને આ અકસ્માતના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top