ગત સદીમાં ૧૯૮૦ના દાયકામાં દુનિયાના મોટા ભાગના લોકોએ એઇડ્સનું નામ પ્રથમ વખત સાંભળ્યું હતું અને તે સમયે અમેરિકામાં અને ત્યારબાદ વિશ્વના અનેક દેશોમાં આ વાયરસ જન્ય રોગ ફેલાયો હતો.
મોટે ભાગે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંબંધો બાંધવાથી કે ચેપગ્રસ્ત લોહી લેવાથી થતો આ રોગ વિશ્વમાં અત્યાર સુધીમાં ૩૩૦ લાખ લોકોના ભોગ લઇ ચુક્યો હોવાનું માનવામાં આવે છે. આ રોગનો ખરેખર ઉદભવ ક્યારે થયો તે ચોક્કસ જાણવા મળ્યું નથી પરંતુ હાલમાં એક નિષ્ણાતે લખેલા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે છે પહેલા વિશ્વ યુદ્ધ વખતે આ રોગનો પ્રથમ કેસ એક સૈનિકમાં જોવા મળ્યો હતો.
પ્રોફેસર જેકસ પેપિન દ્વારા લખવામાં આવેલ ઓરિજિન્સ ઓફ એઇડ્સ નામના નવા પુસ્તકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે આફ્રિકાના કેમેરૂનના જંગલમાં ભૂલા પડીને ભૂખમરો વેઠતા અને એક ચિમ્પાન્ઝીનો શિકાર કરવાનો પ્રયાસ કરતા એક સૈનિકને આ રોગના વાયરસ એચઆઇવીનો ચેપ લાગ્યો હતો.
આ વાયરસ બાદમાં તે સમયે લોપોલ્ડવિલે તરીકે ઓળખાતા હાલના કિન્સાસા શહેરમાં અન્યોને લાગ્યો હતો અને બાદમાં અન્યત્ર ફેલાયો હતો. એઇડ્સના વાયરસ એચઆઇવી અંગે એક રાહતની બાબત એ છે કે તે ફ્લુ કે કોવિડ-૧૯ના વાયરસોની માફક શ્વસનના રજકણોથી ફેલાતો નથી.