પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે (11 ફેબ્રુઆરી, 2025) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિક્ષિત AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી. સમિટમાં ભાગ લેતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે AI ટેકનોલોજી અન્ય ટેકનોલોજીઓથી ઘણી અલગ છે અને તેના વિશે સાવધ રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે AI માં દુનિયા બદલવાની તાકત છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે ભારત AI અપનાવવામાં તેમજ ડેટા ગોપનીયતા માટે તકનીકી-કાનૂની આધાર બનાવવામાં અગ્રેસર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI એક્શન સમિટને સંબોધિત કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યુ કે આપણે ઓપન સોર્સ સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો કરે છે. આપણે પક્ષપાતથી મુક્ત ગુણવત્તાયુક્ત ડેટા સેન્ટર બનાવવા જોઈએ, આપણે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવું જોઈએ અને લોકો-કેન્દ્રિત એપ્લિકેશનો બનાવવી જોઈએ. આપણે સાયબર સુરક્ષા, ખોટી માહિતી અને ડીપફેક્સ સંબંધિત ચિંતાઓને દૂર કરવી જોઈએ. અસરકારક અને ઉપયોગી બનવા માટે આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટેકનોલોજી સ્થાનિક ઇકોસિસ્ટમમાં મૂળ ધરાવે છે.
પીએમએ કહ્યું- AI સમાજને એક નવો આકાર આપી રહ્યું છે
મોદીએ સમિટની શરૂઆત AI સંબંધિત ઉદાહરણ આપીને કરી. તેમણે કહ્યું- હું એક સરળ ઉદાહરણ આપીને આ કરવા માંગુ છું. જો તમે તમારો મેડિકલ રિપોર્ટ AI એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ જો તમે તે જ એપને ડાબા હાથથી લખતી વ્યક્તિનું ચિત્ર દોરવાનું કહો છો, તો એપ મોટે ભાગે કોઈને જમણા હાથથી લખતા બતાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે AI પહેલાથી જ આપણી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં AI માનવતા માટે કોડ લખી રહ્યું છે.
તેમણે કહ્યું, “કૃત્રિમ બુદ્ધિ (AI) ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ પામી રહી છે. તેનો ઉપયોગ વધુ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. ભારત પોતાના અનુભવ અને કુશળતાને શેર કરવા માટે તૈયાર છે જેથી ખાતરી કરી શકાય કે AIનું ભવિષ્ય બધા માટે સારું છે. ભારત AI અપનાવવામાં અને ડેટા ગોપનીયતા માટે ટેક્નો-કાનૂની આધાર બનાવવામાં પણ અગ્રેસર છે. અમે જાહેર ભલા માટે AI એપ્લિકેશનો વિકસાવી રહ્યા છીએ. ભારતે ખૂબ જ ઓછા ખર્ચે તેના 1.4 અબજથી વધુ લોકો માટે સફળતાપૂર્વક ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓ બનાવી છે. AI સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા માટે આપણને વૈશ્વિક ધોરણોની જરૂર છે.”
મેક્રોને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું
તમને જણાવી દઈએ કે આ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પેરિસના એલિસી પેલેસમાં આયોજિત સ્વાગત રાત્રિભોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. મોદીએ સોમવારે ‘X’ પર લખ્યું હતું, “પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.” પીએમ મોદી ડિનરમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેસને પણ મળ્યા હતા. વેસ પણ AI સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સમાં છે. અમેરિકાની મુલાકાત પહેલા ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના નેતૃત્વ સાથે મોદીનો આ પહેલો વાર્તાલાપ હતો.
