સાપુતારા : આહવાથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આહવા (Ahva) તાલુકાનાં પીપલઘોડી ગામમાં પતિ બે દિવસથી કામ (work) પર નહીં જતા પત્ની સાથે બોલાચાલી થતા પત્નીએ પતિને કુહાડીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી હતી.
- આહવાનાં ગામમાં કામ પર નહીં જતા પતિની સાથે બોલાચાલી થતા પત્નીએ ધમકી આપી
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં રહેતા રાજુ લાસુભાઈ ગાવિતની પત્ની કમળીબેને પતિને ખેતીનું કામ કરવા કેમ નથી જતા? ત્યારે પતિએ ખેતી કરવી નથી, તારે શું છે? તેમ કહેતા પત્ની એકદમ ઉશ્કેરાઇ ગઈ હતી અને અપશબ્દો બોલી પતિને માર માર્યો હતો. ઉપરાંત પત્નીએ ઘરમાંથી કુહાડી લઇ આવી પતિને ગળાના ભાગે ઘા ઝીંક્યા હતા. જે બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે પત્નીએ આજે તો બચી ગયો છે પરંતુ બીજી વખત જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી અને સુરતથી વાહનો ચોરી કરતા ત્રણ ઝડપાયા
વલસાડ : વલસાડના ગ્રીનપાર્કમાં રહેતા 3 યુવાન ચોરીના વાહનો પર ફરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળતાં વલસાડ એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધરી આ ત્રણ યુવાનને એક મોપેડ અને એક બાઇક સાથે પકડી પાડ્યા હતા. તેમને પકડતાં ચીખલીથી ચોરાયેલી એક્ટિવા અને સુરત સરદાર માર્કેટમાંથી ચોરાયેલા પલ્સરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એસઓજીએ બાતમીના પગલે વલસાડના ગ્રીનપાર્કમાં તપાસ હાથ ધરી અહીં રહેતા સાબીર સાહીદ ભીંડે (ઘાંચી ઉવ.23, મૂળ રહે. ગણદેવી), મોહમદ આમીન હુસૈન શેખ (ઉવ.22 રહે.ગ્રીનપાર્ક 3 અલી કોમ્પલેક્ષ, વલસાડ) અને અમન આસિફ હુસેન શેખ (ઉવ.21 રહે.ગ્રીનપાર્ક 3, કરીમનગર સોસાયટી પાસે, વલસાડ)ને પકડ્યા હતા. પોલીસે તેમની પાસેથી એક એક્ટિવા અને એક બજાજ પલ્સરના કાગળો માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. તેમણે એક્ટિવા ચીખલીથી અને પલ્સર સુરતથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતુ. જેના પગલે પોલીસે આ ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ત્રણ પૈકીના મોહમદ આમીન હુસેન શેખનો ગુનાહિત ઇતિહાસ છે. હુસેન વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે મારામારીની બે અને ચોરીની એક ફરિયાદ નોંધાઇ હતી. તે રીઢો ગુનેગાર બનવાના રસ્તે જઇ રહ્યો હતો. ત્યારે પોલીસે તેને વધુ એક વખત ચોરીની બાઇક સાથે પકડી પાડ્યો હતો.