રાજપીપળા: શૂલપાણેશ્વર ટ્રસ્ટ (Shoolpaneshwar Trust) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સત્તામંડળે ગોરા ઘાટ (Gora ghat) ખાતે થઈ રહેલી નર્મદા (Narmada) મહા આરતી (Maha Arti) માટે ભક્તો અને પ્રવાસીઓ યજમાન બનશે એવો નિર્ણય કરી એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા છે. આગામી સમયમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ધ્વજારોહણ, સંકલ્પ પૂજાનો ચાર્જ (Charge) આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ (website) પર મૂકવામાં આવશે.
બીજી બાજુ આ બાબતે ધાર્મિક સંગઠનોમાં એક જાતની નારાજગી જોવા મળી રહી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના નર્મદા જિલ્લાના મહામંત્રી સ્વામી ધર્માનંદ મહારાજ જણાવ્યું હતું કે, સરકારે ધાર્મિક બાબતે ધ્યાન રાખવું જોઇએ. શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે પૂજા પાઠના રાખેલા ભાવ ખૂબ વધારે છે. સ્થાનિકો માટે ખાસ વિચારણા કરી મફત પૂજા પાઠ રાખવામાં આવે.
નર્મદા આરતીમાં ભક્તોના યજમાન પદ માટે નક્કી કરેલા 2500 રૂપિયા રેટ ઘટાડવા લોકમાંગ
બીજી બાજુ વર્ષોથી શૂલપાણેશ્વર મંદિરે આવતા હિમાંશુ રાવલે જણાવ્યું હતું કે, ધાર્મિક બાબત માટે જે રેટ રખાયો છે તે ખરેખર વધારે કહેવાય. મહાદેવની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, અમે વર્ષોથી પૂજા કરીએ છીએ. આરતીના યજમાન માટેનો 2500 રૂપિયા રેટ ખરેખર ખૂબ જ ખોટું છે. આ બાબતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું. લોકોની માંગ છે કે, નર્મદા આરતીના યજમાન પદનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે એ માટે રેટ 2500થી ઘટાડી 200થી 500 રૂપિયા થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે અન્ય ધાર્મિક સ્થળો પર આટલા બધા રેટ હોતા નથી. કાશીની ગંગા આરતીના યજમાન પદનો રેટ 250થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી આપવા હોય તો સ્વેચ્છાએ આપવાના હોય છે. ત્યારે કાશીની ગંગા આરતી કરતા નર્મદા આરતીના યજમાન પદનો આટલો બધો રેટ કેમ એ પ્રશ્ન ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યો છે.
શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ છે તો આ મંદિર નર્મદા ડેમના ઉપરવાસમાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મણીબેલી ગામ પાસે આવેલું હતું. આ મંદિરે ચૈત્ર મહિનામાં ભરાતા મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવતા હતા. પરંતુ નર્મદા ડેમ બનવાના કારણે 1992માં ડુબાણમાં ગયા બાદ આ મંદિરનું શિવલિંગ ત્યાંથી ખસેડાય તેમ ન હતું. ત્યારે મંદિરના મહંત રવિશંકર મહારાજે પોતાના પિતા જે શિવલિંગની પૂજાપાઠ કરતા હતા. એ શિવલિંગની સ્થાપના ગોરા નવનિર્મિત શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવી હતી. તેઓ વંશ પરંપરાગત રીતે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે.