અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરમાંથી (Urea Fertilizer) કેમિકલ બનાવવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ મામલે પોલીસે કેમિકલ ફેક્ટરીના મેનેજરની (Manager) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુરિયા ખાતરથી કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં દોરી બનાવવાની ફેકટરીમાં વેંચતા હતા. આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હતા. છેલ્લા 7 વર્ષથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો લાવીને કેમિકલ (Chemical) બનાવીને જુદા જુદા રાજ્યોમાં કેમિકલ સપ્લાય (Supply) કરતા હોવાનો ખુલાસો થયો છે.
- કૌભાંડમાં સંડોવાયેલા દાણીલીમડાની રાજસ્વી ફેક્ટરીના મેનેજર જયેશની ધરપકડ કરવામાં આવી
- યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેકટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રાજસ્વી ફેક્ટરીમાં સબસીડીના ભાવે મળતા યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે દરોડો પાડી યુરિયા ખાતરની 276 થેલીઓ જપ્ત કરી હતી. સાથે જ આ ગેરકાયદેસર કેમિકલ બનાવવાનાં કૌભાંડમાં ફેક્ટરીના મેનેજર જયેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ફેક્ટરીમાં યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવામાં આવતું હતું, અને અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું.
પોલીસે ફેક્ટરીના માલિકની શોધખોળ શરૂ કરી છે. યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેકટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે. જેની ધરપકડ ને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત રાધનપુરમાંથી યુરિયા ખાતર કોની પાસેથી લાવતા હતા તે અંગેની તપાસ આદરી છે. ઉપરાંત અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ શરૂ કરી.