અમદાવાદ: મહિલાઓ (Women) મોટેભાગે જાહેરમાં ટોઈલેટ (Toilet) જવાનું પસંદ કરતી નથી. ઘણીબઘી સમસ્યાઓ તેઓને ટોઈલેટ અંગે સતાવતી હોય છે. આ માટે ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad) શહેરમાં સ્ત્રીઓનું સમસ્યાને દૂર કરવા સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. વર્તમાન બજેટમાં સ્ત્રીઓની આ સમસ્યાને દૂર કરવા માટે જોગવાઈ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાં 10 કરોડના ખર્ચે અલગ તેમજ સારી સગવડ સાથેના 21 પિંક ટોઈલેટ બનાવશે. શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. પરંતુ પુરુષ અને મહિલાઓના ટોઈલેટના બ્લોક અલગ હોવા છતાં ત્યાંનો મુખ્ય દરવાજો એક હોવાથી મહત્તમ મહિલાઓ પે એન્ડ યુઝ ટોઈલેટનો ઉપયોગ ટાળતી હોવાનું જાણવા મળ્યું છે.
- પિંક ટોઈલેટમાં 5 ટોઈલેટ વેસ્ટર્ન સ્ટાઈલના લગાવાશે.
- ચેન્જિંગ અને બેબી ફીડિંગ માટે પણ અલગ રૂમ બનાવાશે.
- દિવ્યાંગ મહિલાઓ તથા બાળકીઓની સુવિધા માટે રેમ્પ સહિત ઓછી ઊંચાઈના ટોઈલેટ લગાવાશે.
- પિંક ટોઈલેટમાં કેરટેકર તરીકે પણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે.
મળતી માહિતી મુજબ મહિલાઓ માટેના અલાયદા પિંક ટોઈલેટમાં કેરટેકર તરીકે પણ મહિલાઓને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ આ ટોયલેટમાં કોઈ પુરુષ પ્રવેશ કરે નહિ તેની સૂચના આપતા બોર્ડ લગાવાશે. આ ઉપરાંત આ ટોઈલેટમાં મહિલાઓ માટે 5 ટોઈલેટ વેસ્ટર્ન સ્ટાઈલના લગાવાશે, ચેન્જિંગ અને બેબી ફીડિંગ માટે પણ અલગ રૂમ બનાવાશે, દરેક ટોઈલેટમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન મૂકાશે, દિવ્યાંગ મહિલાઓ તથા બાળકીઓની સુવિધા માટે રેમ્પ સહિત ઓછી ઊંચાઈના ટોઈલેટ લગાવાશે. આ ઉપરાંત પિંક ટોઈલેટમાં સ્વચ્છતા પર ભાર મૂકાશે અને દુર્ગંધ ફેલાય નહીં તે માટે એક્ઝોસ્ટ ફેન પણ લગાવાશે. તેમજ ત્યાં હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વિડ સાબુ સહિતની જરૂરી સુવિધા હશે. શહેરમાં મહિલાઓ બહાર કોઈ કામે નીકળે ત્યારે ટોયલેટની ભારે અગવડ પડતી હોવાની રજૂઆતો મહિલા કોર્પોરેટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી થઈ હતી. જેના પગલે અમદાવાદમાં જાહેર સ્થળો ઉપર મહિલાઓને શૌચાલયની પડતી મુશ્કેલી અંગે વિવિધ ફરીયાદ અને રજૂઆતો મળી હતી.
એએમસીના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદના 21 સ્થળોએ પિંક ટોયલેટ બનાવવા માટે રૂ.5 કરોડનો ખર્ચ થશે, તેમજ 5 વર્ષ માટેના તેના ઓપરેશન અને મેન્ટેનન્સ અંગે પણ સાડા ચાર કરોડથી વધુની રકમનો ખર્ચ થશે.