કપરાડા: અમદાવાદથી નાસિક જતી ખાનગી કંપનીની લક્ઝરી બસ દક્ષિણ ગુજરાતના કપરાડાના દીક્ષલ ઘાટમાં પલટી ખાઈ જતા 14 મુસાફરોને ઈજા પહોંચી છે જ્યારે એક પ્રવાસીનું મોત થયું છે. સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું અને 108માં ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. મુસાફરોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
પહાડી વિસ્તારોમાં વાહનોના અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, ત્યારે આવી જ એક ઘટના કપરાડાના દીક્ષણ ઘાટ પર બની છે. અમદાવાદથી એક ખાનગી લક્ઝરી બસ નવસારી જઈ રહી હતી ત્યારે બસ ઘાટમાં પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં વડોદરાના વાઘોડિયાના 42 વર્ષીય પ્રકાશ પરમાર નામના યાત્રીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કોઈને બચવાની તક મળી નહોતી. બસમાં બેઠેલા મુસાફરો બસની સાથે ગોળ ચકરડી ફરી ગયા હતા. પલટી મારવાના લીધે બસના બધા જ કાચ તૂટી ગયા હતા. બસનું બોનેટ પણ તૂટી ગયું હતું. બસ ચકચનાચૂર થઈ ગઈ હતી.
સાપુતારાના ઘાટ પર સ્ટીયરીંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ
સાપુતારા : આજે સાપુતારાના ઘાટ પર પણ અકસ્માતની ઘટના બની હતી. અહીં નાનાપાડા ગામ નજીક એક ટ્રક ઘાટમાં પલટી મારી ગઈ હતી. ટ્રકમાં મુકેલો કાચનો જથ્થો રસ્તા પર વેરવિખેર થયો હતો જેના લીધે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર આજે શ્રીરામપુરથી કાચનાં બોટલનો જથ્થો ભરી ટ્રક (એમએચ-17-બીડી-5751) સુરત તરફ જઈ રહી હતી ત્યારે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં આહેરડી નાનાપાડા ગામ નજીક ડ્રાઈવરે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. તેથી ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. તેના પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની સાકરપાતળ પી.એચ.સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનાં બનાવમાં કાચની બોટલનો જથ્થો ફૂટીને વેરવિખેર થઈ જતા મોટું નુકસાન થયું હતું.