અમદાવાદ: શુક્રવારે અમદાવાદ (Ahmedabad) ખાતેના જગન્નાથ મંદિરે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો (Rathyatra) પ્રારંભ કરાવ્યો હતો, આ સાથે જ મુખ્યમંત્રીએ વર્ષોની પરંપરાને પણ તૂટવા દીધી નહતી. આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના (Corona) પોઝિટિવ થયા હોવાથી પહિંદ વિધિ કોણ કરશે, તેવી અટકણો એ જોર પકડ્યું હતું. પરંતુ ગઈકાલે ફરી વખત મુખ્યમંત્રીનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાથી શુક્રવારે સવારે પરંપરાગત રીતે સવારે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથના માર્ગને સાફ કરીને પહિંદ વિધિ કરી વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 20મી વખત મંગળા આરતી કરી
ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાના પાવન પર્વની શરૂઆતમાં સવારે ચાર વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલદેવજીની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ સમયે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંગળા આરતી બાદ ૪-૩૦ વાગ્યે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય રણછોડ, માખણચોર’, ‘જય જગન્નાથ’નાં નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભાવિક ભકતો મંગળા આરતીનો લાભ લેવા અને ભગવાન જગન્નાથના આશીવાદ મેળવવા વહેલી સવારના ૩ વાગ્યાથી મંદિરની બહાર લાઈન લગાવીને ઉભા હતા. અમિત શાહે 20 વખત મંગળા આરતી કરી હતી. અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ચોથી વખત મંગળા આરતી ઉતારી હતી.
‘જય રણછોડ માખણ ચોર’ના જયઘોષ સાથે અમદાવાદમાં અભૂતપૂર્વ રથયાત્રા
અમદાવાદ: અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી શુક્રવારે ધાર્મિક પરંપરા અને ઉત્સાહપૂર્વક જય જગન્નાથ, ‘જય રણછોડ માખણ ચોર’ના નારા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ૧૪૫ની રથયાત્રાનો સવારે પ્રારંભ થયો હતો. રથયાત્રા પરંપરાગત માર્ગો પરથી પસાર થઈ હતી ને રાત્રે ૮-૩૦ વાગે નીજ મંદિરે પરત આવી હતી. રથયાત્રાના માર્ગ પર ભગવાનના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પોલીસના લોખંડી કવચ વચ્ચે રથયાત્રા કોમી એખલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
જમાલપુર ખાતેના સુપ્રસિદ્ધ જગદીશ મંદિરે આજે વહેલી પરોઢિયે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તથા મંદિરના મંહત દિલીપદાસ મહારાજ દ્વારા ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી બાદ ભગવાવને પ્રિય ખિચડી પ્રસાદનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શણગારેલા ત્રણેય રથો પર વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઇ હતી અને જય રણછોડ માણખચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. સવારે સાત વાગ્યે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના મુખ્ય રથના આગળના માર્ગને સોનાની સાવરણી વડે સાફ કરી ‘પહિંદ વિધિ’ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રથયાત્રામાં શણગારેલી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, સુશોભિત ગજરાજા, ભજન મંડળીઓ, અબાલ વૃદ્ધો સહિત લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો જાડાયા હતા. રથયાત્રામાં જાતજાતના વિષયો સાથે રંગબેરંગી શણગારેલી ૧૦૧ ટ્રકો રથયાત્રામાં જાડાઈ હતી, આ રથયાત્રામાં ધાર્મિક આસ્થાની સાથે સાથે સામાજિક – દેશભક્તિનો સંદેશ પણ ટેબ્લો દ્વારા આપાવામાં આવ્યો હતો.
હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યુ : મુસ્લિમ બિરાદરોએ પવિત્ર કુરાનનું પઠન કર્યુ
રથયાત્રા ખમાસા સર્કલ થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી આગળથી પસાર થઇ ત્યારે અમદાવાદ શહેરના મેયર, વિવિધ સમિતિઓના ચેરમેન, કોર્પોરેટરો, અધિકારીઓ તથા તાજીયા કમીટીના સભ્યો, મુસ્લિમ અગ્રણીઓએ, મનપાના અધિકારીઓ, પ્રધાનમંડળના સભ્યો સહિત અનેક આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું. તેવી જ રીતે શાહપુરમાં રથયાત્રા આવી પહોચતાં રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ તથા મોટી સંખ્યાંમાં મુસ્લીમ બિરાદરોએ ભગવાન જગન્નાથના દર્શન કરી, મંહત દિલીપદાસ મહારાજના આર્શીવચન મેળવ્યાં હતા. આ વખતે રથયાત્રા શહેરના સંવેદનશીલ ગણાતા જાર્ડન રોડ, પ્રેમદરવાજા પાસે પોલીસના કાફલા વચ્ચે રથયાત્રા પસાર થઇ ત્યારે મુસ્લીમ બિરાદરોએ પણ રથયાત્રાને નિહાળી હતી અને પ્રસાદ લીધો હતો. દરિયાપુર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પણ રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થઇ હતી. પ્રેમદરવાજાથી શાહપુર સુધીના વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રથયાત્રા શાતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર કુરાનનું પઠન કરવામાં આવ્યું હતું. શાહપુર અડ્ડા પાસે મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું. રથયાત્રા સાંજે પિતળિયા બંબા થઇ પાનકોર નાકા, માણેકચોક થઇ મોડી સાંજે ૮-૩૦ વાગે નીજ મંદિરે પહોંચી હતી.