રાજકોટ અમદાવાદ હાઈવે (Rajkot Ahmedabad Highway) પર ચોટીલા અને સાયલા વચ્ચે ગુરુવારે સવારે જીવલેણ અકસ્માત (Accident) સર્જાયો હતો. એક કાર પર કોલસા ભરેલું ડમ્પર પલટી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં ચાર લોકો સવાર હતાં જેઓ લગ્નપ્રસંગમાં (Marriage) જઈ રહ્યાં હતા. આ દુર્ઘટનાને પગલે સસરા અને જમાઈનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. તો બીજી તરફ બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ (Hospital)ખસેડવામાં આવ્યા હતા. ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ગોઝારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. ગંભીર અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં (Traffic Jam) દૃશ્યો સર્જાયાં હતાં. પોલીસને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ જામનગરનો એક પરિવાર નડિયાદ ખાતે લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. તે સમયે ચોટીલા અને સાયલા વચ્ચે વણકી ગામના પાટિયા પાસે એક ડમ્પર કાર પર પલ્ટી ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં ફસાયેલી એક મહિલા અને એક બાળકને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંનેને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
દુર્ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના બાદ ચોટીલા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ હાઈવે પર અકસ્માત સર્જાતા વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.