Gujarat

જય હો દારૂબંધીની, અમદાવાદમાં મહેફિલમાં છાક્ટા બનેલાનું ફાયરિંગ, છ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના બોપલ વિસ્તારમાં એક જમીન દલાલની ઓફિસમાં દારૂની (Alcoholo) મહેફિલ ચાલી રહી હતી, ત્યારે દારૂના નશામાં ચક્ચૂર એક શખ્સે સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસ (Police) આવી જતાં બે લોકો ધાબું કુદીને નાસવા જતા પગમાં ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના બોપલ ચાર રસ્તા પાસે સેલિબ્રેશન સિટી સેન્ટરના પાંચમા માળે જમીન દલાલની ભાડે રાખેલી ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂના નશામાં મસ્ત બની જતા મહાવીરસિંહે સ્ટાર્ટ રિવોલ્વર અને યુએસ બનાવટની પિસ્તોલમાંથી સાત રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ આવી પહોંચતા દારૂની મહેફિલ માણી રહેલા ઋતુરાજ અને કેદાર નામના બે શખ્સો ધાબુ કૂદીને નાસવા જતા હતા, તે દરમિયાન બંનેના પગના ભાગે ઇજાઓ થઈ હતી.

પોલીસે દારૂની મહેફીલ માણી રહેલા મહાવીરસિંહ, હતુભા જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, સુરજ ભરવાડ, કેદાર પટવા, મહેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી, 32 નંગ બિયર અને એક દારૂની બોટલ તેમજ સ્ટાર્ટ રિવોલ્વર અને યુએસ બનાવટની પિસ્તોલ જપ્ત કરી હતી. પોલીસે દારૂની મહેફિલ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની મહેફિલમાં પોલીસે જપ્ત કરેલો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? દારૂ કોની પરમીટથી લાવવામાં આવ્યો હતો? તે અંગે તપાસ શરૂ કરી છે. તેમજ મહેફિલમાં ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું? તે અંગે પૂછપરછ હાથ ધરી તમામના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top