Charchapatra

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા અર્થે અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ

જાહેર રસ્તા ઉપર થૂંકવાથી રોગચાળાનો ફેલાવાનો ભય રહેલો છે. લોકોને જાહેર રસ્તા પર થૂંકતાં અટકાવવા માટે અને અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત (રસ્તા પર) શહેરના તમામ જાહેર રસ્તા ઉપર થૂંકનારાં લોકો પાસેથી રૂપિયા પચાસથી લઇ એકસો રૂપિયા સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવાશે. ઉપરાંત લોકો જાહેર રસ્તા ઉપર થૂંકતાં બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ ફરજ ઉપર મૂકવામાં આવશે.

આગામી સમયમાં શહેરના રસ્તા પર લોકોને થૂંકતા, કચરો ફેંકી ગંદકી કરતાં અટકાવવા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવામાં આવશે. છેલ્લા અહેવાલ મુજબ એક જ દિવસમાં 135 લોકોને દંડ કરાયો છે અને હવેથી રોડ ઉપર થૂંકનારાના ઘરે ઇ-મેમો મોકલી દંડની વસુલાત કરાશે. અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તે સ્તુત્ય અને આવકારદાયક છે અને ગુજરાતની અન્ય તમામ મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓને માટે અનુકરણીય પણ છે જ.

પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માલદીવ મામલે વિપક્ષની સમજ સામે પ્રશ્નાર્થ
વડા પ્રધાન મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા અને ત્યાંના સુંદર દરિયા કાંઠાની છબીઓ સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેશનાં લોકોને પ્રવાસ માટે લક્ષદ્વીપ જવા માટે આગ્રહ કર્યો. આમાં વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસે, બીચ પર વડા પ્રધાનની સહેલની ટીકા કરતાં કહ્યું કે તેઓ લક્ષદ્વીપને બદલે મણિપુર કેમ ન ગયા? આપણા દેશના વડા પ્રધાનની મૌન હરકતને અને તેમની ગંભીરતાને ભારતના વિપક્ષી નેતાઓ સમજી શકયા નહિ એ માલદીવની સરકારને સમજાઇ ગયું. માલદીવમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને માલદીવમાંથી ભારતીય સૈન્યને પાછું બોલાવી લેવા કહ્યું છે. તેમણે આઉટ ઇન્ડિયાના સૂત્ર સાથે ચૂંટણી લડી હતી. તેમનું ભારત વિરોધી વલણ જગજાહેર છે.

ચૂંટાયા પછી તેઓ સૌ પ્રથમ ચીનની મુલાકાતે ગયા અનેક બાબતોમાં આપણી પર નિર્ભર માલદીવના આવા વલણ સામે મુત્સદ્દીગીરીથી કામ લેવાના ભાગરૂપે મોદીએ દેશનાં લોકો સમક્ષ પ્રવાસમાં માલદીવને બદલે લક્ષદ્વીપને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો. મોદીની લક્ષદ્વીપની મુલાકાત યોજનાપૂર્વકની અને ગણતરીપૂર્વકનું પગલું હતું. તેની દૂરગામી અસરોને સમજવી જરૂરી છે.

માલદીવનો મામલો એ દેશના આંતરિક રાજકારણનો હિસ્સો નથી. એ બે દેશ વચ્ચેના સંબંધનો મામલો છે અને આવી સ્થિતિમાં વિપક્ષોએ રાષ્ટ્રીય હિતોની તરફેણમાં ઊભા રહેવું જોઇએ. આટલી સાદી સમજ તો વિપક્ષોમાં હોવી જ જોઇએ. કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઇએ. આ વિષયે દેશની જનતાએ માલદીવનો જે બહિષ્કાર કર્યો તે જોતાં વિપક્ષી નેતાઓને સમજાયું નહિ અને કોઇએ ભારતના અપમાન બદલ માલદીવની સરકારની ટીકા કરતું નિવેદન આપ્યું નહિ તે આશ્ચર્યની વાત છે કે વિપક્ષો લોકલાગણીને સમજી શકતા નથી અને લોકોની સાથે પણ રહી શકતા નથી.
મહુવા              – જશવંત વહીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top