અમદાવાદ: (Ahmedabad) માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડનારાં કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયા બાદ મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરાયો હતો. કોર્ટ તેના એક અઠવાડિયાના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને 15 એપ્રિલના રોજ ફરી કોર્ટમાં રજૂ કરાશે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવેલા કિરણે હાઈ સિક્યૂરિટી (Security) સાથે કાશ્મીર ફરવાની મજા માણી હતી. કાશ્મીરમાં સેલિબ્રિટીની જેમ ફરતો કિરણ પટેલ (Kiran Patel) શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (Crime Branch) ઘૂંટણીયે બેઠો હતો.
મહાઠગ કિરણ પટેલનો જમ્મુ-કાશ્મીરથી કબ્જો લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને શનિવારે મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કિરણ પટેલને મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે કોર્ટ રૂમ નંબર 11માં લાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહાઠગ કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ એક અઠવાડિયાના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કિરણ પટેલને 15 એપ્રિલના રોજ ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડનારાં કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો.
કિરણ પટેલ પર આરોપ છે કે તે PMOના અધિકારી તરીકે ઓળખ આપતો હતો. રાજકીય વગ ધરાવતો હોવાનું તેમજ એ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવતો હતો. લોકો સાથે છેતરપિંડી કરવાનો પણ તેની ઉપર આરોપ છે. ઉપરાંત તે તેના નામની આગળ ડોક્ટર લખાવતો હતો કે પોતે કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવતો હતો તે અંગે પણ તપાસ કરાશે. લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપતમાં કિરણ પટેલ સામેલ હોવાની અનેક વિગતો બહાર આવી રહી છે. કિરણ પટેલને ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યાએ એમની વિરૂદ્ધ નેગોસિએબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયા છે.