અમદાવાદ : અમદાવાદથી (Ahmedabad) ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા દંપતિને ઇરાનમાં (Iran) બંધક બનાવવામાં આવ્યું હતું. આ દંપતિનો હેમખેમ છુટકારો થયા બાદ આજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. બંનેનું મેડિકલ ચેકઅપ કરાવાતા હાલમાં બંનેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દંપતિ હાલ તેમના કાકાના ઘરે છે. નિશા પટેલે કહ્યું હતું કે અહીં અમે સલામત રીતે પહોંચી ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) તથા હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ.
મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસની ફરિયાદ મુજબ મૂળ મહેસાણાના અને હાલમાં અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલ અમેરિકા જવા માગતા હતા. આથી આ દંપતિએ પીન્ટુ ગોસ્વામી અને અભય રાવલ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે તેઓ હૈદરાબાદ અને ત્યાંથી દુબઈ થઈ ઈરાન પહોંચ્યા હતા. દુબઈ સુધી આ દંપતિ પરિવારના સંપર્કમાં હતું. પરંતુ ઈરાન પહોંચ્યા બાદ દંપતિનો સંપર્ક ખોરવાઈ ગયો હતો.
દરમિયાનમાં આ દંપતિનું ઈરાનમાં અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી ખંડણી માગવામાં આવી હતી, અને યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો હતો. પંકજ પટેલને ઈરાનમાં કેટલાક લોકોએ બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. વીડિયોમાં યુવક તાત્કાલિક પૈસા મોકલી આપવા માટે માગણી કરતો હતો. યુવક પંકજ પટેલને બાંધીને તેના શરીર ઉપર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. દરમિયાનમાં રાજ્ય સરકારની મદદથી બંધક બનાવવામાં આવેલા દપંતીને મુક્ત કરાવવામાં આવતા આ દંપતિને ઈરાનથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું.