Gujarat

વર્લ્ડ કપ ફાઈનલ: મેદાનમાં ઘૂસી વિરાટને ભેટ્યો ઓસ્ટ્રેલિયન યુવક, પહેર્યું હતું ‘ફ્રી પેલેસ્ટાઈન’ ટી-શર્ટ

અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં પેલેસ્ટાઈનના સમર્થક મેદાનમાં પહોંચી જતા હોબાળો મચી ગયો હતો. આ યુવક કેવી રીતે મેદાનની વચ્ચે પહોંચ્યો અને વિરાટ કોહલીને ગળે લગાવ્યો તે કોઈ સમજી શક્યું ન હતું. આ યુવકે ‘ફ્રી પેલેસ્ટાઈન’ ટી-શર્ટ પહેરેલી હતી અને તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ હતો. તે મેદાનમાં પહોંચતા જ સુરક્ષાકર્મીઓએ તેને બહાર કાઢ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે આ 24 વર્ષના યુવકનું નામ વેઈન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે.

દર્શક ગેલેરીમાં હાજર એક યુવક ટી-શર્ટ અને પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને મેદાનમાં પ્રવેશ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો અને યુવક કોહલી પાસે જઈને તેને ભેટી પડ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેદાનમાં હાજર હતા. જ્યારે તે મેદાનમાં પ્રવેશ્યો ત્યારે રમત થોડીવાર માટે બંધ થઈ ગઈ હતી.

ગ્રાઉન્ડ પર તૈનાત સુરક્ષાકર્મીઓ યુવકને બહાર લાવતા જ અમદાવાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ સ્ટેડિયમમાંથી તેને સીધો ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે અહીં તેની પૂછપરછ કરી તો ઘણા ખુલાસા સામે આવ્યા. તેણે પોલીસને જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. આ સાથે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વેઈન જોન્સનની માતા ફિલિપાઈન્સની છે જ્યારે તેના પિતા ચીનના છે. વેઈનના હાથ પર પણ લાલ રંગ હતો જે તેણે પેલેસ્ટાઈનની સ્થિતિ દર્શાવવા માટે લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે મેચ પહેલા જ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં આટલી મોટી ભૂલ ઘણા સવાલો ઉભા કરી રહી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આ યુવકે ભારતીય ટીમની જર્સી પહેરી હતી. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે વેઈન જોન્સન આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યો છે અને તેની સામે ઓસ્ટ્રેલિયામાં કેસ પણ નોંધાયેલા છે અને તેને કોર્ટ દ્વારા સજા પણ થઈ ચૂકી છે.

Most Popular

To Top