અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ સહિત રાજ્યભરમાં ભીડભાળવાળી જગ્યાઓમાં લોકોની નજર ચૂકવીને મોબાઇલ ફોનની (Mobile Phone) ચોરી કરતી ઝારખંડ ગેંગના બે સાગરિતોની અમદાવાદના જમાલપુર ફૂલબજાર પાસેથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓ પાસેથી ચોરીના અંદાજે રૂપિયા 20.60 લાખની કિંમતના 58 ફોન પોલીસે જપ્ત કર્યા હતાં. આ બંને આરોપી હાલ સુરતમાં રહેતા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
- ગુજરાતમાંથી મોબાઇલ ફોન ચોરી નેપાળ અને બાંગ્લાદેશમાં વેચી દેવાનું નેટવર્ક ઝડપાયું
- અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સુરતમાં રહેતા મૂળ મૂળ ઝારખંડના બે આરોપી પાસે 58 મોબાઇલ જપ્ત કર્યા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના જમાલપુર ફૂલબજાર વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરતા આરોપી અવિનાશકુમાર રાજુ મહાતો (ઉં.વ.19, હાલ રહે, સુરત રેલવે ફાટક પાસે. મૂળ વતન તેલઝાડી, ઝારખંડ) અને શ્યામકુમાર સંજય રામકુરમી ( રહે, સુરત રેલ્વે સ્ટેશન પાસે, મૂળ રહે, રાજમલ, ઝારખંડ)ની ધરપકડ કરી તેમના થેલામાંથી ચોરીના 58 મોબાઈલ ફોન અંદાજે કિંમત રૂપિયા 20.60 લાખ જપ્ત કર્યા હતા.
બંને આરોપીઓની પૂછપરછ કરતા આ બંને આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. બંને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મોબાઈલ ચોરી કરી ઝારખંડ ખાતે રહેતા શેખર મહાતો પાસે ફોનનું લોક ખોલાવડાવીને બાંગ્લાદેશ તથા નેપાળમાં વેચી દેતા હતા. હાલમાં આ બંને આરોપીઓ સુરત રેલવે સ્ટેશન પાસે રૂમ ભાડે રાખીને રહે છે. આ બંને આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, રાજકોટ, સહિત અનેક શહેરોમાંથી મોબાઇલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાંથી અત્યાર સુધીમાં આરોપીઓએ 58 મોબાઇલની ચોરી કરી છે. જેમાં 29 આઈફોન, 9 વનપ્લસ, 5 વીવો, રેડમી,સેમસંગ, 2 ઓપો કપંનીના ફોનનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.