યુપીના કાનપુર ખાતે પાન મસાલા પ્રોડકટના વેપારી તથા ટ્રાન્સપોર્ટર સામે અમદાવાદના કેન્દ્રિય જીએસટી ઈન્ટેલીજન્સના અધિકારીઓની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરીને કરોડોની જીએસટીની ચોરી શોધી કાઢી છે, એટલું જ નહીં 150 કરો઼ડ રોકડા મળી આવતા તે જપ્ત કરી લીધા છે. અમદાવાદના ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિન્સની ટીમ દ્વારા કાનપુરમાં ત્રિમૂર્તિ ફ્રેગરન્સ તથા ગણપતિ રોડ કેરિયર્સ સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ખાસ કરીને આ પાન મસાલના ઉત્પાદક દ્વારા એક ટ્રકની અંદર 50 હજારનો માલ ભર્યો હોય તેવું ઈન્વોઈસ તૈયાર કરાતું હતું. જ્યારે આખી ટ્રક માલથી ભરેલી રહેતી હતી.
50 હજારના ઈન્વોઈસના કારણે ઈ વે બિલ બનાવતા નહોતા. આ વેપાર કૅશમાં થતો હતો. કાનપુરમાં ફેકટરીની બહારથી જ જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા 4 ટ્રકો જપ્ત કરાઈ હતી. જેમાં કોઈ ઈન્વોઈસ કે ઈ વે બિલ પણ નહોતું. ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડા પાડવામાં આવતા 200 જેટલા નકલી ઈન્વોઈસ મળી આવ્યા હતા. ટ્રાન્સપોર્ટના ત્યાંથી 1 કરોડની કૅશ મળી આવતા તે જપ્ત કરી લેવાઈ છે. પાન મસાલાના ઉત્પાદકના નિવાસ્થાને દરોડાની કાર્યવાહી દરમ્યાન 150 કરોડની કૅશ મળી આવતા તે જપ્ત કરી લેવાઈ છે. હાલમાં આ રોકડ ગણવાની કામગીરી ચાલુ છે.