અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની (Elder couple) હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનું રહસ્ય અકબંધ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા (Murder) લૂંટના (Loot) ઇરાદે કરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રન્નાપાર્ક પાસે પારસમણી ફ્લેટમાં રહેતા દયાનંદ સાનભાર ઉં.વ. 90 અને તેમની પત્ની વિજયાલક્ષ્મી સાનભાર ઉં.વ. 80 છેલ્લા ઘણા વર્ષોથી અહીં ફ્લેટમાં રહે છે. આ વૃદ્ધ દંપતિ ઘણા વર્ષોથી પોતાની પૈત્રી સાથે રહે છે. દિકરો છે તે અલગ રહે છે.
- વૃદ્ધ દંપતી ઘરમાં એકલા હોવાથી મેડિકલ સ્ટોરનો એક કર્મચારી રાત્રે 8 વાગ્યાની આસપાસ દવા આપવા માટે તેમના ઘરે ગયો હતો
- દયાનંદભાઈ બેડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા હતા જ્યારે વિજયાલક્ષ્મી બહેન ખુરશીમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા
- લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અને હત્યારાઓ જાણભેદુ હોવાની પોલીસને આશંકા
વૃદ્ધ દંપતી ઘરમાં એકલા હોવાથી મેડિકલ સ્ટોરનો એક કર્મચારી રાત્રે 8 વાગ્યાની આસપાસ દવા આપવા માટે તેમના ઘરે ગયો હતો, જો કે દરવાજો ખુલ્લો હતો, આથી મેડિકલ સ્ટોરમાં કર્મચારીએ બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ આસપાસના લોકોને જાણ થતાં ઘરમાં જોતા દયાનંદભાઈ બેડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જ્યારે વિજયાલક્ષ્મી બહેન ખુરશીમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. આ બંને વૃદ્ધ દંપતીની કોઈક અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દંપતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા જણાય છે. સાથે જ આ હત્યા પાછળ કોઈ જાણભેદુ કે પ્રોફેશનલ કિલર હોવાની પણ પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
બીજી તરફ આ આ હત્યા રહસ્ય ઉપજાવે તેવી છે કારણ કે લૂંટના ઇરાદે હત્યા થઈ હોય તો વૃદ્ધાના શરીર પરના ધરેણા અકબંધ છે, તેમજ ઘરમાંથી કોઈ ચોરી થઇ હોવાનું પણ હજુ જાણવા મળ્યું નથી. તિજોરી ખુલ્લી હોવા છતાં તેમા રોકડા રૂપિયા પણ અકબંધ છે. પોલીસે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ દંપતિના હત્યારાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.