અમદાવાદ: (Ahmedabad) ગુજરાત કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીના મુદ્દે શરૂઆતથી જ ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનો રૂપિયા લઈને ટિકિટ આપતા હોવાનો આક્ષેપ અવાર નવાર પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સોમવારે શહેર મહિલા કોંગ્રેસના (Cogress) ઉપપ્રમુખ સોનલ પટેલ અમદાવાદ મનપાની ચૂંટણીમાં (Election) ઇન્ડિયા કોલોની વોર્ડના 20 લાખમાં ટિકિટનો સોદો થયો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સાથે તેમણે રાજીનામાની પણ ચીમકી આપી હતી.
મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે પણ આક્ષેપ કર્યા હતા.
તેમણે એવું પણ કહ્યું હતું કે શૈલેષ પરમારના મળતીયા યશવંત યોગીનો ફોન આવ્યો હતો. મને યોગીએ એવું પુછયું હતું કે તમારી તૈયારી કેવી છે, તે વખતે મેં કહયું હતું કે મારી પાસે ૧૦ લાખ છે તે હું આપી શકીશ, પરંતુ સ્વાભાવિક રીતે જે વ્યકિત્ત ૧૦ લાખ કરતાં વધારે આપે એટલે કે ૨૦ લાખ આપે તેને જ ટિકીટ મળે.
સોનલ પટેલે કહ્યું હતું કે દસ લાખ જોઈતા હશે તો, હું આપીશ તેથી વધારે થશે તો પણ હું ગામડાની જમીન ગીરવે મૂકીને પણ પૈસા આપીશ, પરંતુ ટિકિટ મને મળવી જોઈએ. તેમ છતાં મને ટિકિટ ન આપીને અન્ય ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા લોકોને વીસ લાખમાં લઈને ટિકિટ આપવામાં આવી છે. યશવંત યોગીએ કહ્યું હતું કે આ તો સોનલબેનને ટિકીટ ના મળી તેનો રોષ છે હકીકતમાં મેં ૧૦ લાખ કે રૂપિયા માંગ્યા હોય તો તેના પુરાવા કે ઓડિયો રેકોર્ડિગ હોય તો તે રજુ કરવું જોઈએ, ખોટા આક્ષોપો ના કરવા જોઈએ.
સોનલબેન પટેલ વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે 2015ની ચૂંટણીમાં પણ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારે મારી ટિકિટ કાપવામાં મને નડ્યા હતા. આ વખતે પણ આ બંને ધારાસભ્યો એ મારી ટિકિટ કાપી છે. હિંમતસિંહ પટેલ એમ કહે છે, કે શહેરનો પૂર્વ પટ્ટો મારો અને શૈલેષ પરમાર એમ કહે છે કે શહેરનો પશ્ચિમ પટ્ટો મારો, તો શું આ એમના બાપની જાગીર છે ? કે તેઓ પૈસા લઈને ગમે તેને ટિકિટ આપે. હું છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને સક્રિય કાર્યકર છું, પરંતુ કોંગ્રેસમાં પૈસા લઈને ઘરમાં રોટલી કરતી મહિલાઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે.
તેમણે વધુમાં આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસમાં મહિલા પાંખનું કોઈ વજુદ નથી. જો મહિલાઓનું સાંભળવામાં આવતું જ ન હોય તો કોંગ્રેસે તેની મહિલા પાંખ બંધ કરી દેવી જોઈએ. કોંગ્રેસમાં ગમતી અને માનીતી ચાર – પાંચ મહિલાઓને જ ટિકિટ ફાળવવામાં આવે છે.
સોનલ પટેલના આક્ષેપો પાયાવિહોણા છે: શહેર કોંગ્રેસ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શીશીકાંત પટેલે સોનલ પટેલેના આક્ષેપો અંગે કહ્યું હતુ કે પૈસા લઈને ટીકીટ આપી હોવાની વાત ખોટી છે. તેમના આક્ષેપો પાયાવિહોણા અને બેબુનિયાદ છે.