અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) 5 દિવસીય દીક્ષા મહોત્સવ (Diksha Mahotsav) ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં આજે તા. 22 એપ્રિલના રોજ 35 દીક્ષાર્થીએ એક સાથે દીક્ષા લીધી છે. આ દીક્ષાર્થીઓમાં સૌથી વધુ ચર્ચા રૂપિયા 500 કરોડની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ અને તેમની પત્નીની છે.
આ બંનેએ 500 કરોડની સંપત્તિ સહિત દુનિયાની મોહમાયાનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી છે. ભાવેશ ભંડારી અને તેમના પત્નીએ પણ દીક્ષા લીધી છે. દીક્ષાના મહાનાયક આચાર્ય યોગતિલકસુરેશ્વરજી મહારાજા દ્વારા ભાવેશ ભંડારીને રજોહરણ અર્પણ કરાયું હતું.
દીક્ષા મહોત્સવમાં આજે તા. 22 એપ્રિલે ભાવેશ ભંડારી અને તેમની પત્ની સહિત 35 મુમુક્ષુઓ દીક્ષા લીધી છે. તે પૈકી 10 મુમુક્ષુ 18 વર્ષથી નાની વયના છે. દીક્ષાર્થીઓએ દીક્ષા લીધા બાદ ગુરુ ભગવાન પાસેથી આશીર્વાદ લઈ પ્રદક્ષિણા કરી હતી. તમામ સાધુએ મુમુક્ષુને અક્ષતથી વધાવ્યા હતા.
ત્યાર બાદ દીક્ષાર્થીઓનો લોચ કાર્યક્રમ યોજાયો હતો. વાળની એક લટ રાખવામાં આવે છે, જેને આચાર્ય ભગવંત ખેંચીને દૂર કરે છે. આ સાથે જ મુમુક્ષુઓને સાંસારિક મોહથી દૂર કરવામાં આવે છે. તમામ દીક્ષાર્થીઓએ દર્શનાર્થી અને સાંસારિક પરિવારને વંદન કર્યા હતા. દીક્ષા સમારોહમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન ઉપરાંત નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ 35 દીક્ષાર્થીની વડી દીક્ષા આગામી 9 જૂન 2024ના રોજ જેઠ સુદ ત્રીજાના દિવસે અમદાવાદમાં યોજાશે.
ભાવેશ ભંડારીનો અમદાવાદમાં રિઅલ એસ્ટેટનો વ્યાપાર
પત્ની જિનલ સાથે દીક્ષા લેનાર ભાવેશ ભંડારીનો અમદાવાદમાં રિઅલ એસ્ટેટનો મોટો બિઝનેસ છે. તેઓ રિઅલ એસ્ટેટ ડેવલપર છે. હાલમાં તેમની મિલકત 500 કરોડ જેટલી છે. પાછલા 10 વર્ષથી તેઓ યોગતિલકસૂરી મહારાજ સાથે જોડાયેલા છે અને તેમને પોતાના ગુરુ માને છે. દર વર્ષે તેમના ગુરુ ભગવંતના જન્મદિવસ પર તેમની ઉંમરના વર્ષ જેટલી ચાંદી આપતા હતા. દીક્ષા લેવા પૂર્વે આદંપતિએ 40 હજારથી વધુ જૈન પરિવોમાં મિઠાઈનું વિતરણ કર્યું હતું. અગાઉ આ દંપતીના સંતાનોએ પણ દીક્ષા લીધી છે.