અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ (Bridge) વારંવાર ક્ષતિગ્રસ્ત થતો હતો. જેના પગલે બ્રિજમાં વ્યાપક ભ્રષ્ટાચાર (Corruption) થયો હોવાનો આક્ષેપ થયો હતો. આથી અમદાવાદ મનપા (Ahmedabad Corporation) દ્વારા આ બ્રિજના તપાસ મામલે કમિટી નિમવામાં આવી હતી આ કમિટીએ બ્રિજને ઉતારી લેવાની ભલામણ કરી છે.
બીજી તરફ અમદાવાદ મનપા કમિશનર એમ થેન્નારસને હાટકેશ્વર બ્રિજને ઉતારી લેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ચાર ઇજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. શહેરના ભષ્ટ્રાચારથી વિવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મનપા દ્વારા નિમાયેલી કમિટીએ વચગાળાનો રિપોર્ટ કમિશનરને સોંપી દીધો છે. આ કમિટીની ભલામણ મુજબ આ બ્રિજને ઉતારી લેવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલાં લેવા પણ ભલામણ કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનને સોંપવામાં આવેલા રિપોર્ટમાં બાંધકામની ગુણવત્તા હલકી હોવાનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે. જેમાં કોન્ક્રીટની ગુણવત્તા હલકી હોવાનું જણાવાયું છે. આ પુલનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, તેમજ બંનેને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ પણ કરાશે. મનપાના ચાર ઈજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ નિવૃત્ત થયેલા અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે. બ્રિજના પીલરની ઉપરનો તમામ ભાગ તોડી પાડવામાં આવશે. બ્રિજ તોડવા અને નવો બનાવવાની કામગીરીનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.
અમદાવાદ અને સુરત મનપાના આઉટગ્રોથ વિસ્તારમાં 214 કરોડના વિકાસ કામોને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ અને સુરત મહાનગર પાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રજૂ કરેલી દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપીને રાજય સરકારે હવે 214 કરોડન ગ્રાન્ટ ફાળવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે અમદાવાદ મહાનગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો સંદર્ભે રૂપિયા ૧૩૮.૪૬ કરોડના ખર્ચે ડ્રેનેજ તથા પાણીનાં ૬ કામોની દરખાસ્તને અનુમોદન મળ્યું છે.આ ઉપરાંત સુરત મહાનગર પાલિકાના આઉટગ્રોથ વિસ્તારના ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ ના વિવિધ ૭૬ કામો માટે અંદાજીત ૭૫.૭૮ કરોડ રૂપિયા ના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં અને તેની વધારેલી હદ-આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી, ગટરવ્યવસ્થા, રોડરસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રીટલાઈટ વગેરે માળખાકીય સુવિધાનો વધારો કરીને માનવ વિકાસ સૂચકાંક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ રાખી છે.આ વર્ષે રાજ્યના શહેરી વિકાસ વિભાગના બજેટમાં શહેરી ક્ષેત્રો ની માળખાકીય સુવિધાઓ માટે ૩૭ ટકાનો માતબર વધારો પણ સૂચવવામાં આવ્યો છે.એટલું જ નહીં, મહાનગર પાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલી બનાવાયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂા. ૮૦૮૬ કરોડની જોગવાઈ સાથે ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.