અમદાવાદ: અમદાવાદ(Ahmedabad )માં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Serial bomb blast case)માં શુક્રવારના રોજ સ્પેશિયલ કોર્ટે 49 આરોપીઓ સામે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 38 દોષીતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સ્પેશ્યિલ કોર્ટે સજા સંભળાવ્યાના ગણતરીના કલાકોમાં જ દોષિતોને બચાવવા એક વ્યક્તિ મેદાને પડ્યો છે. આ વ્યક્તિ અક્ષરધામ પર હુમલો કરનાર આતંકવાદીઓને પણ સુપ્રીમમાંથી છોડાવી લાવ્યો હતો.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને લઈ જમિયત ઉલેમા- એ -હિંદ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ, ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકરાવાની જાહેરાત કરી
આ આરોપીની સજા ફટકારતા તેઓની વ્હારે જમિયત ઉલેમા- એ -હિંદ (Jamiat Ulema-e-Hind)નો અધ્યક્ષ મૌલાના અરશદ મદની (Maulana Arshad Madani)આવ્યો છે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. મૌલાના અરશદ મદનીએ આ ચુકાદાને લઈ નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમને આશા છે કે કોર્ટ અમને ન્યાય અપાવશે.
- જમીયત-ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ બોમ્બ બ્લાસ્ટ કેસના ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી
- અરશદ મદની અગાઉ અક્ષરધામ પર હુમલાના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી છોડાવી ચૂક્યો છે
- મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, સ્પેશ્યિલ કોર્ટનો ચૂકાદો અવિશ્વાસથી ભરેલો છે
અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. માત્ર 70 જ મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થતા આખું શહેર લોહી લુહાણ થઇ ગયું હતું. આ ઘટનામાં 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમજ 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે 19 જ દિવસમાં 99 આતંકવાદીની ઓળખ થઇ હતી. જે પૈકી 88 આતંકવાદીને પોલીસે ઝડપી પડયા હતા. 14 વર્ષ જેટલા લાંબા સમય બાદ આ કેસમાં ચુકાદો સામે આવ્યો હતો. જેમાં 28 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મુકાયા હતા.
શુક્રવારના રોજ અમદાવાદની સ્પેશિયલ કોર્ટે આ મામલે 49 આરોપીઓ સામે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીઓની કોર્ટે ફટકારેલી સજાને લઈ જમિયત ઉલેમા- એ -હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ નારાજગી દર્શાવી છે. અને આ ચુકાદાને તેઓએ હાઇકોર્ટમાં પડકારવાનું નિવેદન અપાવ્યું હતું. મૌલાના અરશદએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટનો આ ચૂકાદો અવિશ્વાસથી ભરેલો છે.
બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની તરફેણમાં
જમિયત ઉલેમા- એ -હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બવિસ્ફોટ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટનો આ ચુકાદો અવિશ્વાસથી ભરેલો છે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતને મોતની સજા અને 11 દોષિતને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે આ સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખશું.દેશના દિગ્ગજ વકીલો દોષિતોને ફાંસીથી બચાવવા માટે ખૂબ જ મજબૂતીથી કાયદાકીય લડાઈ લડીશુ. તેણે કહ્યું હતું અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે. અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમકોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મૂકવામાં આવેલા છે.
અગાઉ પણ આતંકવાદીઓને અપાવી છે સજામાંથી મુક્તિ
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અક્ષરધામ હુમલા કેસમાં કોર્ટે 7 આરોપી પૈકી 3 આરોપીઓને ફાંસીની સજા અને 4 આરોપીઓની આજીવ કેદની સજા ફટકારી હતી.ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. આ મામલે જમિયત ઉલમા-એ-હિંદે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકાયા હતા.સુપ્રીમ કોર્ટે નિર્દોષ લોકોને ખોટી રીતે બોમ્બ વિસ્ફોટમાં ફસાવવાના ષડયંત્ર કરવા બદલ ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે બોમ્બવિસ્ફોટ જેવા મોટાભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટો કઠોર ચુકાદા આપે છે. આરોપીને હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાંથી હંમેશા રાહત મળે છે. અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જશું. આ અગાઉના કેસોનો ઉલ્લેખ કરતા મૌલાના મદનીએ કહ્યું કે અગાઉ 11 આરોપીઓને નીચલી કોર્ટો અને હાઈકોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી હતી. ત્યાર બાદ જમિયત ઉલમા-એ-હિંદે સુપ્રીમકોર્ટમાં કેસ લડ્યા અને એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી. તેણે કહ્યું કે અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર હુમલા કેસમાં 7 લોકોને મોતની સજા અને 1 આરોપીને મુંબઈ સત્ર કોર્ટે મોતની સજા આપી હતી. જમીયત ઉલમા-એ-હિંદના પ્રયત્નોથી 7 આરોપી સન્માનપૂર્વક છૂટી ગયા હતા.આ ઉપરાંત 2 વ્યક્તિની સજાને 7 વર્ષની કરવામાં આવી હતી. તેણે કહ્યું કે મને આશા છે કે આ વખતે પણ અમદાવાદ વિસ્ફોટ કેસમાં આરોપીઓને સુપ્રીમકોર્ટથી ફાંસી તથા આજીવન કેદની સજાથી બચાવવા તથા મુક્ત થવામાં સફળતા મળશે.