અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ અને અસદુદ્દીન અવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની ઓફિસમાં (Office) બંધ બારણે બેઠક યોજાઈ હોવાની વાત વહેતી થઈ હતી, સાથે જ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે આ બેઠક રાજકીય ન હોવાનું બંને પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે.
અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને પ્રભારી ધર્મેન્દ્ર શાહ સહિત ભાજપના કેટલાક આગેવાનો એઆઈએમઆઈએમના કાર્યાલયમાં પ્રમુખ સાબીર કાબલીવાલા સાથે બેઠક યોજી હતી. ભાજપ અને એઆઈએમઆઈએમ વચ્ચે યોજાયેલી બેઠકની વાત વાયુવેગે ફેલાઈ હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં તેના ફોટો પણ વાયરલ થયા હતા. જેને કારણે અનેક ચર્ચાઓ અને અટકણોનો દોર શરૂ થયો હતો. આ બંને પાર્ટીઓ વચ્ચે શું સોદાબાજી થઈ અથવા શું ડીલ કરવામાં આવી તે અંગેની અટકણોએ જોર પકડ્યું હતું.
બીજી તરફ ભાજપ અને એઆઈએમઆઈએમ વચ્ચેની બેઠક બાબતમાં અમદાવાદના મેયર કિરીટ પરમાર જણાવ્યું હતું કે આ બેઠક કોઈ રાજકીય એજન્ડા માટે નહોતી મળી. પીરાણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મુદ્દે બેઠક મળી હતી. ઘણા વખતથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બંધ હોવાથી અનેક ફેક્ટરીઓ બંધ છે, તે શરૂ કરવામાં આવે તે અંગે ચર્ચા થઈ હતી. એઆઈએમઆઈએમ પ્રમુખ સાબીર કાબલીવાલાએ પણ આ બેઠક રાજકીય ન હોવાનું જણાવ્યું હતું અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનના મુદ્દે અગાઉ મેયરને રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આપે “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” તેમ કહી સવાલ ઉઠાવ્યા
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા એ પણ આ બેઠક અંગે ટ્વિટ કરી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ તેમ કહી સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એ પણ ભાજપ અને એઆઈએમઆઈએમ વચ્ચેની બેઠકોને લઈ સવાલ ઉઠાવતા સિક્રેટ સેટિંગ બંને વચ્ચે શું ડીલ થઈ તે ભાજપ સ્પષ્ટ કરે તેમ કહી સવાલો ઉઠાવ્યા હતા.