Entertainment

કામ ન કરવાના અહાના પાસે કોઈ બહાના નથી

હવે મનોરંજનના કોઈ માધ્યમ વચ્ચે એરટાઈટ કમ્પાર્ટમેન્ટ રહ્યું નથી. કોઈ પોતાને સ્પેશ્યાલાઈઝ્ડ ઝોનથી ઓળખવવામાં શાણપણ નથી જોતું. તમે એક મિડિયાથી નામ કમાઓ તો તરત બીજા મિડિયાવાળાનું તેડું આવશે. તક મળે છે તાકાતથી. અહાના કુમરા વિશે એવું જ કહી શકો. તેણે અમિતાભ બચ્ચન સાથેની ‘યુદ્ધ’થી TV પર પ્રવેશ કરેલો. અલબત્ત તે પહેલા તે 3 શોર્ટ ફિલ્મ અને નસીરૂદ્દીન શાહ સાથેની ‘સોના સ્પા’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી ચૂકી હતી, પણ અમિતાભ સાથે એક નાની એડ કરો તો પણ જાણીતા થાવ અને અહાનાને તો TV સિરીયલ કરવા મળી.

જો કે તમે તેની ફિલ્મોની યાદી જુઓ, તો તેમાં શોર્ટ ફિલ્મોની સંખ્યા વધારે છે. ‘લિપસ્ટિક અંડર માયર બુરખા’ની લીના, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ની પ્રિયંકા ગાંધી અને હોટસ્ટાર પર રજૂ થયેલી ‘ખુદા હાફિઝ’ અને ઈરોસ નાવની ‘બાવરી છોરી’ની રાધિકા પણ તેના જમા પક્ષે છે. આ ફિલ્મોને કારણે જ તે અત્યારે ‘શમશેરા’માં છે અને રેવતી દિગ્દર્શિત ‘સલમા વેન્કી’માં  તે કાજોલ સાથે કામ કરી રહી છે. ફિલ્મોની પસંદગીમાં તે આટલી સભાન છે. તે મોટી વાત કહેવાય અને એટલે જ તેની પાસે વધારે અપેક્ષા રાખી શકો.

અહાનાએ પોતાની ઓળખ ઊભી કરવા વેબ સિરીઝને મહત્વનું માધ્યમ માન્યું છે. તેથી ‘ઓફિશિઅલ ચુકયાગીરી’થી અત્યાર સુધીમાં એવી ઘણી સિરીઝો કરી, જે તેના વિષય અને કલાકારોના કારણે ચર્ચામાં હતી. તે ચાહે ‘ઈન્સાઈડ એજ’ હોય કે જેમાં તેણે શહાના વશિષ્ઠની ભૂમિકા કરેલી યા ‘રંગબાઝ’ હોય જેમાં તે બબિતા શર્મા હતી. તે પોતાને નવા નવા પાત્રોમં ઘડતી રહી છે. એટલે ‘બોમ્બર્સ’ની સંજના કે ‘બેતાલ’ની ડીન્સી અહલુવાલિયા યા ‘ફોર્બિડન લવ’ની પ્રિયાને ‘કોલ માય એજન્ટ : બોલિવુડ’ની અમલ અહેમદ હોય – તે પોતાના કામ પર જાણે નજર રાખી રહી છે.

અમિતાભ સાથે કામ કરવાનું આવેલું તો તેણે કહેલું કે હું જરા પણ નર્વસ નથી. તેમાં તે અમિતાભની દીકરી તરૂણી બની હતી. હા, અમિતાભ સાથે કામ કરવાની તક મળી તેનાથી તે જરૂર ખુશ થયેલી પણ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’માં અનુપમ ખેર સાથે યા ‘સોના સ્પા’માં નસીર સાથે કામ કરવા મળ્યું તેથી પણ તે ઘણું શીખી છે. બાકી, તે બહુ બધુ ગણતરીપૂર્વક કામ કરતી નથી. સારા કામની શોધ તેને હંમેશા રહે છે. ફિલ્મ યા વેબ સિરીઝ કે શોર્ટ ફિલ્મમાં ભેદ નથી કરતી. સારા પાત્રો જ મહત્વના છે.  લખનૌમાં જન્મેલી અહાના સુભાષ ઘાઈની વ્હિસલીંગ વૂડસ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. શરૂમાં જાહેરાત અને શોર્ટ ફિલ્મ વડે તે આગળ વધી અને ‘સાયબેરીયા’ નામની શોર્ટ ફિલ્મે તેને અભિનયનો એક ઈન્ટરનેશનલ એવોર્ડ પણ અપાવ્યો છે. •

Most Popular

To Top