દેલાડઃ કૃષિ (Agriculture), ઊર્જા (water-power) અને પેટ્રોકેમિકલ્સ (Petrochemicals) રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ (olpad) તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ કુંકણી ગામ ખાતે રૂ.૧૨ લાખ, સેગવાછામા ગામે રૂ.૧૦.૫૦ લાખ અને બરબોધન ગામે રૂ.૩૨.૫૦ લાખ મળી કુલ રૂ.૫૫ લાખનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ કુંકણી ગામમાં આંગણવાડી, નંદઘર, મંદિરમાં પ્રોટેક્શન વોલ, ગટર લાઈન, વોશિંગ ઘાટ, આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત અને સેગવાછામા ગામે જૂની આંગણવાડીના આગળના ભાગે પેવર બ્લોક તથા નવા કૂવાથી બળિયા દાદાના મંદિર સુધી ડામર રોડનું ખાતમુહૂર્ત અને બરબોધન ગામે પેવર બ્લોક, ગટર લાઈન અને ડામર રોડ જેવાં કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ખેતરોમાં જંતુનાશક દવા ડ્રોન (Drones) મારફતે છંટાય તેવા અનેક ખેડૂતલક્ષી વિકાસ કામો પણ આગામી સમયમાં કરવાનું આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગામમાં નવા ચુંટાયેલા સરપંચો અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે એ અંગે ભાર મૂક્યો હતો.
નવસારીના સુપા(કુરેલ)માં આઈ હોસ્પિટલ અને કોલેજનું ખામુહૂર્ત કરાયું
નવસારી : નવસારીના પૂર્ણા નદી કિનારે આવેલા સુપા(કુરેલ) ગામે રવિવારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા પૂર્ણા નદીના કિનારે ભવ્ય આઈ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવા માટે ૧૨ વીંઘા જમીનમાં પ્રમુખ ડો. ભાવિનભાઈ પટેલ તેમજ ટીમ દ્વારા વિશિષ્ટ આઈ ફાઉન્ડેશન હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર તેમજ રીસર્ચ સેન્ટર કોલેજ અને અંધ વ્યક્તિ માટે જીવનના પ્રવાહમાં પોઝિટિવ જીવન જીવે તે માટેની ટ્રેનિંગ અને આંખને લગતા તમામ ઓપરેશન જિલ્લામાં જ થઇ જાય તે હેતુથી સ્વતંત્ર સેનાની ઉજમબેનના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ડો. ભાવિન પટેલે સંકુલ વિષે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ સંકુલ બનાવ્યા બાદ ગુજરાત રાજ્ય તેમજ આજુબાજુના રાજ્યના લોકોને ચેન્નઈ તેમજ અન્ય જગ્યાએ જવાની જરૂર નહી પડે. તે હવે નવસારી જિલ્લાના સુપા ગામમાં જ સુવિધા મળશે અને આ સંકુલમાં સ્વામી વિવેકાનંદના વિચારોને પ્રદર્શિત કરતું ભવ્ય મંદિર બનશે. આ પ્રસંગે સુપા ગામના ડેપ્યુટી સરપંચ પ્રતિક નાયક તેમજ રાકેશ દેસાઈ કોસમાડા જમીનના માલિક તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના તમામ હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંકુલથી સુપા ગામ તેમજ સમગ્ર વિસ્તારને ખુબ ખુબ લાભ મળશે.