Editorial

અગ્નિવીર યોજનામાંથી છૂટા થયેલા યુવાનોના ભવિષ્યનું શું તે સરકારે સમજાવવું જોઇએ

કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં ‘અગ્નિપથ’ યોજના રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં ‘અગ્નિવીર’ જવાનોની ભરતી કરાશે. આ યોજનાનો આશય સૈન્ય પર વધતું પગાર અને પેન્શનનું ભારણ ઘટાડવાનો તેમજ આકર્ષક પે-સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ચાર વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ સમિતિએ આ ભરતી યોજનાને મંજૂરી આપ્યા પછી સંરક્ષણ મંત્રીએ નવી પહેલ અંગે વિગતો રજૂ કરી હતી. નવી પ્રક્રિયા આપણી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન લાવશે. જોકે, સૈનિકોની ભરતી માટેના ફિઝિકલ, મેડિકલ અને વ્યાવસાયિક માપદંડો તથા ધારાધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. હાલમાં, સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ પ્રારંભિક ૧૦ વર્ષની મુદત માટે યુવાનોની ભરતી થાય છે, જેને ૧૪ વર્ષ સુધી લંબાવી શકાય છે.

નવી ભરતી પ્રક્રિયા પાછળ સરકારનો આશય પગાર અને પેન્શનનો બોજ ઘટાડવાનો છે. સૈનિક તરીકેની ચાર વર્ષની કારકિર્દીમાં પહેલા વર્ષે અગ્નિવીરોને વાર્ષિક ૪.૭૬ લાખ રૂપિયાનું પેકેજ મળશે, જે ચોથુ વર્ષ પૂરું થતા સુધીમાં વધીને ૬.૯૨ લાખ થશે. એટલે કે અગ્નિવીરનો પહેલા વર્ષે માસિક પગાર રૂ. ૩૦,૦૦૦ હશે, જેમાંથી રૂ. ૨૧,૦૦૦ તેના હાથમાં આવશે. બાકીની રકમ એક અલગ ભંડોળમાં જમા થશે અને તેટલી જ રકમનું યોગદાન સરકાર આપશે. ત્યાર પછી બીજા, ત્રીજા અને ચોથા વર્ષે અગ્નિવીરોનો પગાર અનુક્રમે રૂ. ૩૩,૦૦૦, રૂ. ૩૬,૫૦૦ અને રૂ. ૪૦,૦૦૦ થઈ જશે. પ્રત્યેક અગ્નિવીરને સેવા નિધિ પેકેજ તરીકે રૂ. ૧૧.૭૧ લાખની રકમ મળશે, જે કરમુક્ત હશે. આ સ્કીમથી સૈન્યની સરેરાશ વય ઘટી જશે. હાલ આ વય ૩૨ વર્ષ હતી, જે ઘટીને ૨૪થી ૨૬ વર્ષ રહી જશે.

અગ્નિપથ સ્કીમ હેઠળ યુવાનોને સૈન્યમાં સારી કારકિર્દી મળશે. અગ્નિવીરોની ભરતી ચાર વર્ષ માટે થશે. આ વર્ષે ૯૦ દિવસમાં ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી કરાશે. આ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોમાંથી ૨૫ ટકા સૈનિકોની કાયમી સ્તરે સૈન્યમાં ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ અગ્નિવીરોને છ મહિનાની તાલીમ અપાશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના મુજબ યુવાનો અને યુવતીઓ બંનેને સૈન્યમાં ભરતી થવાની તક મળશે. અગ્નિવીરની અરજી માટેની વય ૧૭.૬ વર્ષથી ૨૧ વર્ષ સુધી રહેશે.

જોકે, અગ્નિવીરો માટે મેડિકલ અને ફિઝિકલ ફિટનેસના નિયમ અન્ય સૈનિકો જેવા જ રહેશે. આ યોજના હેઠળ ૧૦મુ અને ૧૨મુ ધોરણ પાસ યુવાનોને અગ્નિવીર તરીકે અલગ અલગ પદો પર ભરતીની તક અપાશે. જોકે, અગ્નિવીરોને ગ્રેજ્યુઈટી અને પેન્શનના લાભ નહીં મળે. તેમને આર્મ્ડ ફોર્સમાં કામગીરી દરમિયાન રૂ. ૪૮ લાખનું જીવન વીમા કવચ મળશે. સેવામાં ચાર વર્ષ પૂરા કર્યા પછી અગ્નિવીરોને ‘અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ’ આપવામાં આવશે, જે તેમને સૈન્યની સેવા પછી અન્ય નોકરી મેળવવામાં મદદરૂપ થશે. વધુમાં સૈન્યની જરૂરિયાત અને નીતિના આધારે અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સીસમાં કાયમી ભરતી માટે અરજી કરવાની તક અપાશે.

આ યોજનાની જાહેરાત થતાં જ દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો છે. કેન્દ્રની અગ્નિપથ સેના ભરતી યોજનાને લઇને બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત સાત રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ યોજનાના વિરોધમાં કેટલીક જગ્યાઓએ ટ્રેનોમાં આગચંપી, સાર્વજનિક અને પોલીસની ગાડીઓને આગ લગાવવાની તેમજ સાર્વજનિક સ્થળો પર તોડફોળની ઘટનાઓ પણ સામે આવી છે.

તો બીજી તરફ હરિયાણાના રોહતકમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે આપઘાત પણ કરી લીધો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે યુવાઓએ 4 વર્ષ માટે ભરતી કરવામાં આવતી આ યોજનાને બંધ કરી અગાઉની જેમ કાયમી નોકરીની માંગ કરી છે. જો કે, સરકારે કહ્યું કે, 4 વર્ષ બાદ પણ યુવાનો પાસે નોકરીની તક રહેશે. પરંતુ અટવાયેલી ભરતીની માંગને લઇને વિરોધ પ્રદર્શન હિંસક સ્વરૂપ લઈ રહ્યા છે. બીજી તરફ દેશભરમાં વિરોધ વધતાં સરકારે હવે નવી જાહેરાત કરી છે.દેશભરમાં સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ વધી રહ્યો છે.

આ દરમિયાન CAPF અને આસામ રાઇફલ્સમાં ‘અગ્નિવીર’ને 10% અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવાયો હતો. ગૃહમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. ગૃહ પ્રધાન કાર્યાલયે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જો કે તેમ છતાં આ વિરોધ સમી જાય તેવું હાલના તબક્કે તો લાગતું નથી. બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, પંજાબ અને હરિયાણાના યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાઇ છે. અહીં જ સૌથી વધુ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે, એક તો કોરોનાના કારણે સેનામાં છેલ્લા બે વર્ષથી એક પણ ભરતી કરવામાં આવી નથી. બેરોજગારો યુવાનો કે જેમણે સેનામાં જવાનું નક્કી કરી જ લીધું હતું તેઓ બે વર્ષથી ભરતીની રાહ જોઇ રહ્યાં હતા અને તેવામાં સરકારે ચાર વર્ષની નોકરીની સ્કીમ જાહેર કરી છે.

જે રીતે વિરોધ થઇ રહ્યો છે તે જોતાં સરકારે યુવાનોને પહેલા તો એ સમજાવવું જોઇએ કે નવી યોજના લાવવાની જરૂરિયાત શા માટે ઊભી થઇ? જો આ યોજનામાં ફાયદા હોય તો કેટલા ફાયદા છે તે સરકારે ગણાવવા જોઇએ. અને ચાર વર્ષ પછી 75 ટકા યુવાનો જેમને નોકરીમાંથી ના પાડી દેવામાં આવશે તેમના ભવિષ્યનું શું થશે?

Most Popular

To Top