National

અગ્નિપથના વિરોધ વચ્ચે સરકારની મોટી જાહેરાત: અગ્નિવીરોને મળશે 10% અનામત

નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલયે પણ અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે તેમના મંત્રાલય હેઠળની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. રક્ષા મંત્રાલયે ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા CAPF અને આસામ રાઇફલ્સની ભરતીમાં ચાર વર્ષની સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

રક્ષા મંત્રાલયનું ટ્વીટ
રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંત્રાલયની ભરતીમાં અગ્નિવીર માટે 10 ટકા અનામતના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. ત્યાર બાદ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા એવું પણ આપવામાં આવ્યું છે કે વિભાગ દ્વારા અગ્નિવીર માટે જે ભરતી કરવામાં આવશે તેમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અગ્નિવીરોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ સાથે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગની 16 કંપનીઓમાં નિમણૂકોમાં અનામત આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાહેર ઉપક્રમોને પણ અગ્નિવીર માટે 10 ટકા આરક્ષણની સિસ્ટમ લાગુ કરવા માટે જરૂરી સુધારા કરવા માટે કહેવામાં આવશે. અગાઉ, ગૃહ મંત્રાલયે પણ તેમના વિભાગની નોકરીઓમાં અગ્નિવીર માટે 10 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

ગૃહ મંત્રાલયની જાહેરાત
ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગ્નિપથ યોજના હેઠળ, CAPF અને આસામ રાઇફલ્સની ભરતીમાં ચાર વર્ષની સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે પ્રથમ બેચના અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. આ પછી, અગ્નિવીર માટે મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.

દેશભરમાં યોજનાનો વિરોધ
અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. બિહાર-બંગાળથી લઈને તેલંગાણા સુધી અગ્નિપથ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. બિહારમાં સતત ત્રીજા દિવસે હિંસક પ્રદર્શનો થયા. વિરોધીઓએ મસૌધીમાં રેલ્વે સ્ટેશનને સળગાવી દીધું હતું, જ્યારે યુપીના જૌનપુરમાં રોડવેઝની બસને આગ ચાંપી દીધી હતી.

Most Popular

To Top