ઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉંમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પૂરા નવ મહિને જન્મેલો હોવા છતાં, મારો જન્મ બારમા મહિનામાં એટલે કે, ડિસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલા મુસાફરના હાથમાં, છેલ્લો ડબ્બો આવી જાય એમ, મારા નસીબમાં એ સિવાયના ડબ્બાની ‘ચોઈસ’ નહિ હતી. માંડ-માંડ છેલ્લો ડબ્બો લાધેલો. વધ્યો-ઘટ્યો માલ ‘closing’ માં પધરાવી દીધો હોય એમ મારું અવતરણ ૨૫ મી ડિસેમ્બરે આ ધરતી ઉપર થયેલું. {‘અવતરણ’ જ કહેવાય ભોંચું..! ફેંકી દીધેલો કહીએ તો ‘ભગવત-દોષ’ લાગે..!} જેવી હરિની ઈચ્છા..! ઘટના એવી ઘટેલી કે, મહાત્મા ગાંધીજીનું અવસાન થતાં, દેશ સાવ શોકમગ્ન થઇ ગયેલો. દેવો પણ ચિંતાતુર થયેલા. મારું મામૂલી અનુમાન એવું કે, ધરતી ઉપર ‘હસાવવાવાળા’ ની સ્પેશ્યલ ભરતી નીકળી હોય, એમાં આ બંદાનો નંબર લાગ્યો હોવો જોઈએ..!
જે હશે તે, પૃથ્વી ઉપર આવ્યાનો આનંદ છે. પણ ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત પૃથ્વીસ્થોએ મારી ખાસ નોંધ લીધેલી નહિ. એમાં થોડો હું હતાશ પણ થયેલો. પછી ખબર પડી કે, છેલ્લો ડબ્બો પકડવામાં હું એકલો નથી. મહાન હસ્તીઓ ગણાવું તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારતરત્ન અટલબિહારી બાજપાઈ વગેરે પણ મારી જેમ આ જ મહિનાની આ જ તારીખે અવતરેલા. એ જાણીને, સાઉથ આફ્રિકાના જંગલમાં થેપલાં ખાતાં ગુજરાતીને કોઈ ગુજરાતી મળી જાય, એટલે પછી તો રાજીપાની હેડકીઓ આવી. બંદાને હિંમત આવી ગઈ કે, પ્રભુએ મોટા માથાના માનવીના ‘સ્પેશ્યલ’ કવોટામાં જ મને મોકલેલો છે. આવી સાંત્વનામાં ૭૩ વર્ષ તો ખેંચી કાઢ્યા, હવે શતાબ્દીમાં માત્ર ૨૭ ઘટે છે..! હસતા-હસાવતા એ પણ પૂરા થઇ જશે. બોલો અંબે માતકી જય..!
મને હજી ‘અંધ-ભ્રમણા’ છે કે, માનો કે ના માનો મોંઘવારી અને ઉંમર મા-જણી બહેનો હોવી જોઈએ. બંને વધે પણ, ઘટે નહિ..! બંને માણસના કાબૂ બહાર..! એમાં ટોલ-નાકા જેવું આવે જ નહિ. દેખાય નહિ, પણ દેખાડી જવામાં બંને પાવરધી. બાથ ભીડવાની તો હિંમત જ નહિ થાય, હાથમાં જ નહિ આવે ને જીદ્દી પણ એવી કે, સગા બાપનું પણ નહિ માને..! બાકી ઈચ્છા તો થાય, કે ઋષિ મુનિઓની માફક ૧૦૦૦-૨૦૦૦ વર્ષ આપણે પણ ખેંચી કાઢીએ..! પણ એ ની માને, એક દહાડો કાઢવામાં ઠેંગુ થઇ જઈએ, તો આખી જિંદગી કાઢવી સહેલી થોડી છે? ચામડીનું ચીમળાવું, ચશ્માના ડાબલા ચોંટી જવા, સાંભળવાના મશીનનું પ્રગટ થવું ને મોંઢામાં દાંતનું નવું ફર્નીચર વસાવવું, આ બધી ઉંમરની બાય પ્રોડક્ટ કહેવાય..!
ગલગોટા જેવો માણસ ઉંમર વધતાં, ક્યારે થુવરીયા જેવો થઇ જાય, એની ખબર સુદ્ધાં નહિ પડે. એમાં કોઈ ‘મારણ-કન્યા’ અંકલ કે આંટી કહી પાડે, ત્યારે તો જીવ કપાઈ જાય..! ખાતરી થઇ જાય કે, બોડી હવે અડધી કાંઠીએ પહોંચવા માંડી છે! ગમે તો નહિ પણ કહેવા જઈએ કોને..? ગરમ મસાલાવાળી ચાહ પીતા હોય એમ, કટાણે મોંઢે સહેવું પડે.! ઉંમરના એ અબાધિત અધિકાર છે કે, એ વધવાની તે વધવાની, અટકવાની નથી. પછી ભલે એ શરીર અકબરે આઝમનું હોય. ભલભલા આઝમનો એવો વીંટો વાળી નાંખે, કે ગયા પછી એની કબર પણ નહિ દેખાય..! દેખાવા કરતાં અનુભવવાની વધારે મળે. જાતે નહિ વધારી શકાય, જાતે નહિ ઘટાડી શકાય કે કોઈને ‘ઉંમર-દાન’ નહિ કરી શકાય, એનું નામ જ ઉંમર..! જન્મ્યા ત્યારથી ‘ ઉમર-કેદ’ થઇ હોય એમ, જેલર બનીને સાચવ્યા કરવાની. એનો ભોગવટો કરાય, પણ સર્વ હક્ક કર્તા પાસે નહિ, ‘ઉપરવાળા ‘કર્તાહર્તા’ પાસે જ હોય..! સાલી પોતાની ઉંમર હોવા છતાં, પોતીકી નહિ..! બેંકમાં ડીપોઝીટ ભલે આપણી હોય, પણ શરતો બેંકની જ પાળવાની, એમ ભગવાન રૂઠે તો ઉંમર ખૂટે ને બેંક રૂઠે તો ડીપોઝીટ ડૂબે.! જ્યાં સુધી ઉંમર ત્યાં સુધી ઉપાધિ, ને ઉંમર રૂઠી તો કાયમની સમાધિ..!
કાનો-માત્રા-રસ્વઈ-દીર્ઘઈ ને અનુસ્વાર વગરના શબ્દોના આ જ ધાંધિયા..! મફત-લગન-ઉમર-જગત-ભગત-વખત-તરત-સરસ અને મગજ જેવા શબ્દોને કોઈની શેહ-શરમ નહિ નડે. લખવા બેસીએ તો એક-એક શબ્દ ઉપર એક-એક મહાનિબંધ લખાય. જિંદગી માટે ગમે એટલાં મરી ફીટો, આડી ફાટવા વગર એ ગુજરતી જ નથી. કેવાં ને કેટલી જાતના કટપીસ જોડીએ, ત્યારે એ રૂપાળી નીવડે. વેઠનારો જ જાણે કે, કેટલી જગ્યાએથી ફાટેલી, ને કેટલી જગ્યાએથી રફૂઉઉઉ થયેલી છે. બિલકુલ શેરડીના સાંઠા જેવું..! બરાબ્બરની મૌજ આવી હોય ત્યારે જ, ગાંઠ આવે..! જોવાની વાત એ છે કે, એક પણ શરીર ઉપર ભગવાને, ઉંમરની ‘એક્સપાયરી ડેઇટ’ લખી મોકલી નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એમ માની, પૂર્વ તૈયારી સાથે જ પિછોડી ઓઢીને સૂવાનું..! નો વોરંટી નો ગેરંટી..! છતાં, ડચકાં ખાતાં-ખાતાં પણ જિંદગી જીવવાની એક મઝા છે મામૂ..?
લોનના હપ્તા ભરતા હોય એમ, હપ્તે-હપ્તે સુખ પણ આપે ને, દુ:ખના આંચકા પણ આપે..! મન મોર બનીને થનગનાટ કરે કે કકળાટ કરે, ‘દુનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા’ ની માફક જીવી જવાનું. ઉંમરને ‘એક્ષ્ટેન્શન’ મળતું નથી, એટલે ‘બુલેટ ટ્રેન’ આવે ત્યાં સુધી જીવવા દેજો, એવી કાકલૂદી તો કરવી જ નહિ..! માથાનું છાપરું ધોળું થઇ જાય, ચામડા ખરબચડા થવા માંડે, ખણખોદ કરવાના ફોરાં ફૂટવા માંડે, શબ્દો લપસવા માંડે, ને ‘ચલતી હૈ ચલને દો’ જેવી સ્વચ્છંદતા આવવા માંડે, તો માનવું કે ઉંમરની આખરી ઓવર હવે ચાલુ થઇ ગઈ છે. પછી ‘બ્યુટીક’ ના લપેડા એ બધાં ‘લપેટા’ જ કહેવાય. ઉકરડા ઉપર ફલાણા બાગનું પાટિયું લગાવવાથી, ઉકરડો ક્યારેય બગીચો બનતો નથી. સમજી જ જવાનું કે, હું હવે ભગવાનની આંખે ચઢી ગયેલો માણસ છું..! કોઈ શાયરે સરસ કહ્યું છે કે,
हजारों उलझनें राहों में और कोशिशें बेहिसाब,
इसी का नाम है ज़िन्दगी चलते रहिये जनाब।
ઉંમરની એક્સપાયરી ડેઈટ આવે, એટલે ભાડેનું મકાન ખાલી જ કરવું પડે, માટે સગાંવહાલાં કરતાં મિત્રોની સંખ્યા મોટી જ રાખવાની. નહિ તો વરરાજાએ જાતે જ દાળની ડોલ પકડીને જાનને જમાડવા નીકળવું પડે. જનમ આપનારો દીનદયાળ છે, પણ ‘ઉંમર-દયાળ’ નથી, કે જાવ બીજાં ૫૦-૬૦ વર્ષ કાઢી નાંખો, હું બેઠો છું એવું કહે! રાજા હોય કે, રગડાપેટીસવાળો, ઉંમર ક્યારેય કોઈનો પીછો છોડતી નથી. ચાલો ત્યારે મને પણ ૭૪ નો ચોક પૂરવાની ઉતાવળ છે, એટલે રજા લઉં..! બોલો અંબે માતકી જય..!
લાસ્ટ ધ બોલ
આ તો હસવા હસાવવાની વાત છે કે, મારે ‘સત્યનારાયણ ભગવાન’ ની કથા વંચાવવી હતી. મને નહિ ખબર કે એમાં પણ ‘વેપાર-વૃદ્ધિ’ થયેલી છે. એક ભાઈને પૂછ્યું કે, સત્ય નારાયણની કથા વંચાવવી હોય તો કેટલો ચાર્જ લાગે?
કઈ વંચાવવી છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ કલાસ કે થર્ડ ક્લાસ? ૧૦૧ વાળી, ૨૫૧ વાળી કે ૫૦૧ વાળી?
ઓહહહ..! આ બધામાં ડીફરન્સ શું?
૫૦૧ વાળી વંચાવો તો લીલાવતી-કલાવતી-વાણિયો-કઠિયારો બધાં આવે.
૨૫૧ વાળી વંચાવો તો લીલાવતી આવે, કલાવતી નહિ આવે ને વાણિયો આવે તો કઠિયારો નહિ આવે! ને ૧૦૧ વાળી વંચાવું તો?
તો એમાં કંઈ નક્કી નહિ, કોણ આવે ને કોણ જાય!
તારા કપાળમાં કાંદા ફોડું?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.