કેન્દ્રિય કેબિનેટે મહિલાઓની લગ્નની ઉંમર 21 કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. પુરુષ અને સ્ત્રીની લગ્નની ઉંમર હવે સમાન થઈ જશે. દેશમાં એક રૂઢિગત માન્યતા છે કે “ સ્ત્રીઓ સરખી ઉંમરના પુરુષો કરતાં વધુ પરિપક્વ છે એટલે એને જલ્દી લગ્ન કરવાની પરવાનગી અપાય છે. “ આ વિકૃત માનસિકતા બદલવાની જરૂર છે. જે કદાચ આ કાયદાથી બદલાશે! ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્ન દેશમાં બેરોકટોક થાય છે. એટલું જ નહીં, જુનવાણી વિચારધારાવાળા સમાજમાં કે કેટલીક ચોક્કસ જ્ઞાતિઓમાં હજી પણ ‘ દીકરી સાપનો ભારો’ એમ સમજીને બાળ લગ્ન કરાવી દેવામાં આવે છે.
આ કુપ્રથાને કારણે મહિલાઓ (છોકરીઓ ) પ્રસૂતિ સમયે જ મૃત્યુનો ભોગ બને છે .નાની ઉંમરમાં કે જલ્દી લગ્ન થઈ જવાથી મહિલાઓએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લગ્નની ઉતાવળમાં અભ્યાસ ખાસ કરીને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ અધૂરું રહી જાય છે. નાની ઉંમરમાં માતૃત્વ ધારણ કરતું બાળક કુપોષણનો ભોગ બને છે. એન એફ એચ એસ- ફાઈવનો રિપોર્ટ તો એમ કહે છે કે ,”બાળકોમાં ઠીંગણાં, દુબળાં હોવા અને બાળ મૃત્યુનો ભોગ થવાનું મુખ્ય કારણ કુપોષણ , નાની વયે માતૃત્વ અને અજ્ઞાનતા છે.” લગ્નની વય 21 વર્ષની થાય તો સ્ત્રીઓ આત્મનિર્ભર બનશે, એમનો આત્મવિશ્વાસ વધશે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વિરોધ કરનાર શું સાબિત કરવા માગે છે? પોતને નારી વિરોધી કે પછી વિરોધ-વિવાદ કરી મીડિયામાં ચમકતાં રહેવા માગે છે!? કુરિવાજો અને જુનવાણી વિચારોને વળગી રહેનારા અજ્ઞાની અને ધર્મના નામે વિરોધ કરનારાઓથી સાવધ રહેવું પડશે.
સુરત – અરુણ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.