Comments

ઉંમર અટકવાનું નામ લેતી નથી..!

તરસ ક્યાં મટે છે,  છેવટના શ્વાસ સુધી
મર્યા પછી પાવું પડે છે ગંગાજળ અહીં
ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢિયા તાવની ટાઢ અંદરથી આવે, એમ ડિસેમ્બર મહિનો આવે ને મને ધ્રુજારી છૂટવા માંડે કે, એક વર્ષ ઓછું થઇ ગયું. બાકી, પૂરા નવ મહિને પૃથ્વીસ્થ થયેલો હોવા છતાં, કેલેન્ડરના DEAD-END (ડિસેમ્બર મહિનામાં) પ્રગટેલો, એટલી જ મારી ભૂલ..! બાકી, DECEMBER CLOSINGમાં, હું વધ્યા-ઘટ્યા માલની માફક ઠલવાયેલો જીવ નથી. ભલે ચાલતી ગાડીએ ચઢી બેસીને, DECEMBERનો છેલ્લો ડબ્બો પકડનાર પ્રવાસી હોઉં, પણ મોટા-મોટા માણસના QUTA માં આવેલો જીવ છું.

યાદ હોય તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલબિહારી બાજપાઈ અને મહાન ગાયક રફીસાહેબ વગેરે પણ, આ જ મહિનામાં મારી જ તારીખે પૃથ્વી ઉપર ENTRY લીધેલી. થયું એવું કે, મહાત્મા ગાંધીજીના અવસાન પછી, દેશ સાવ શૂન્યમનસ્ક થઇ ગયેલો અને બંદાનો નંબર લાગી ગયો. અત્યાર સુધીમાં ૭૬ તો ખેંચી કાઢ્યા હવે ૨૪ ખૂટે છે..!  ઉંમર જો આડી નહિ ફાટે તો, સેન્ચુરી, નહિ તો ક્લીન બોલ્ડ..! ધત્ત્ત તેરીકી…!  ઉંમર બહુ નફફટ છે મામૂ..! પૃથ્વી ઉપર પડી રહેવાની ઈચ્છા તો કોને નહિ થાય..? પણ એના કપાળમાં કાંદા ફોડું, ઉંમર એવી નીતિ નિયમવાળી કે, સહેજ પણ બાંધછોડ નહીં કરે. જાહેર રજાના દિવસો બાદ આપતી હોય તો પણ થોડીક ઉંમર લાંબી થાય..! પણ માપવાની બાબતમાં ઉંમરની ફૂટપટ્ટી ક્યારેય થાપ ખાતી નથી.

અટકવાનું નામ નહિ લે, એનું નામ જ ઉંમર..! વિકાસનાં શૌર્ય ગીતો તો બહુ સાંભળ્યાં, પણ ઉંમરને અટકાવે એવો કોઈ વૈજ્ઞાનિક હજી પાક્યો નથી. ઉપરવાળો PLAY નું બટન દબાવે, એટલે જિંદગી શરૂ થાય ને, STOP નું બટન દબાવે એટલે વાર્તા પૂરી..! જીવતરની સાથે જ ઉંમર પીછો કરતી હોય. પછી માણસ શું ધૂળ જીવે..? માત્ર શ્વાસના પોટલા જ ભરે ને ખાલી કરે..! ક્યારેક તો કુદરતની કરામતને જાણી વિચારોના વંટોળે ચઢી જવાય મામૂ..! વિચાર એ ઉંમરનો પોષક અને ભાઈબંધ છે.

વિચારો આવ્યા પણ કરે ને ઉંમરની વૃદ્ધિ પ્રમાણે બદલાયા પણ કરે. વિચારો અનિવાર્ય છે.  આવવા જ જોઈએ. વિચાર છે, એ જ્ઞાની પણ આવે ને તોફાની પણ આવે..! કેવા આવે એ મહત્ત્વનું નથી, આવે એ અગત્યનું છે.  વિચારોનો ‘ટ્રાફિક’ બંધ ના રહેવો જોઈએ..! બાકી, અમુક તો વિચારોમાં પણ ‘માઈનસ બેલેન્સ’ જેવા. બગાસું ખાઈ લીધા પછી, હોઠના ‘શટર’ બંધ કરવાનું પણ નહિ વિચારે..! ખુલ્લી તલવાર લઈને જંગે ચઢ્યો હોય એમ, મોંઢું ખુલ્લું રાખીને જે ઘૂમરી મારતો હોય..!

ઉંમર ઉપર ભગવાન સિવાય ભલા ભૂપનો કાબૂ નથી. EXPAIRY DATE આવે એટલે ચાલતી જ પકડવાની. એમાં કોઈનું નહિ ચાલે. જે લોકો ઉંમરને નાકે આવી ગયેલા હોય એમને તો ઘરના બાંધેલા પાડા પણ યમરાજના લાગે..! ગભરાટ થવા માંડે કે, યમરાજ આવી ગયા કે શું? સુરજ ડૂબે એટલે ઉંમરનો એક દિવસ અલોપ..! મોંઘવારીના આંકની જેમ ઉંમર કૂદકે ને ભૂસકે વધવા જ માંડે. અટકવાનું નામ નહિ લે એનું નામ ઉંમર ..! ઉમરનું ANALYSIS કરીએ તો, બચપણથી યુવાની સુધીની ઉંમર રેશમી અને સુંવાળી લાગે, યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી ઢાકાની મલમલ જેવી લાગે ને જેવી વૃદ્ધાવસ્થા આવે એટલે માજરપાટ જેવી ખરબચડી લાગવા માંડે.

માત્ર બાળપણથી યુવાની સુધી કરેલો ઉંમરનો ભોગવટો જ રળિયામણો..! જેવી વૃદ્ધાવસ્થા આવે એટલે ફર્નીચર વગરના મોઢાથી વટાણા ચૂસતા હોય એમ આકરું લાગવા માંડે..! એને ઉંમર નહિ, ઉમ્મારો કહેવાય..! ઉંમર ઘડિયાળના ત્રણ કાંટા જેવી છે મામૂ..! બાળપણ સેકંડ કાંટા જેવું, યુવાની મિનીટના કાંટા જેવી અને વૃદ્ધાવસ્થા કલાકના કાંટા જેવી..! એ ધીમી ગતિના સમાચાર આપે, પણ સત્યથી વેગળા નહિ આપે. પણ, પચાસ પછી જો ‘ઉછળકૂદ’ કરવા ગયા તો, ઘૂંટણ છોલાઈ જાય ને આજુબાજુ યમરાજના પાડા પણ ચરતા થઇ જાય..! બાકી મઝા તો બાળપણની ઉંમરમાં..!  જગજીતસિંહજીએ એટલે તો ગાયું છે કે….

યે દૌલત ભી લે લો યે શૌહર્ત ભી લે લો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટાદો બચપનકા સાવન
યે કાગઝકી કસ્તી યે બારીશકા પાની….

‘આપણે તો લીલાલહેર’ જેવી કાઢેલી ઉંમર ઓસરી જાય ને ઘાટ-ઘાટનાં ચઢાણ ચઢવાના આવે ત્યારે ઉંમર ઘરડી થવા માંડે. એમાં યુવાની કાળમાં હૃદયની બખોલમાં એકાદ ‘ચમની’ જો ફસાયેલી હોય તો, ‘હાર્ટ સર્જરી’ કરાવતાં પણ ધ્રુજારી છૂટે..!  ‘બાયપાસ’ જ કરવી પડે..!  ઉંમર અને ભગવાન દેખાતા નથી, પણ ઘણું બધું દેખાડી જાય દાદૂ ..! હાથમાંથી રેતી સરી પડે એમ, ઉંમર સરી જાય, છતાં ખબર નહિ પડે એનું નામ જિંદગી. જિંદગી એટલે કેવી જિંદગી..? એક મોટા સમુદ્રમાં એક નાનકડી માછલીએ મોટી માછલીને પૂછ્યું કે, “મારે સમુદ્ર જોવો છે.”ત્યારે પીઢ માછલીએ કહ્યું કે, ‘બેટા, આપણે જેમાં અત્યારે તરીએ છીએ, એ જ સમુદ્ર છે બેટા..! આ સાંભળી નાની માછલી મૂંઝાઈ ગઈ ને ભોળપણથી કહે ‘ના, આ ક્યાં સમુદ્ર છે?  આ તો પાણી છે!’ ઉંમરનું પણ એવું જ છે, એ દેખાતી નથી, પણ જેનો ભોગવટો કરીએ એ જ ઉંમર છે..!

લાસ્ટ બોલ
ચમનિયાને યુવાનીની ઉંમરના દિવસ જતા હતા ત્યારની વાત છે. એકાદ ચમનીએ,ચમનિયાને  HANDSOME લખવાને બદલે,  CUTE લખેલું. ચમનિયાનું અંગ્રેજી એટલું કાચું કે, અંગ્રેજીની પરીક્ષા ૧૮ વખત આપેલી છતાં નાપાસ થયેલો. CUTE ને એણે ‘કુત્તે’ વાંચ્યું. જેને કારણે બગડેલી બાજી હજી સુધરી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top