બાળક દુનિયામાં જન્મ લે છે ત્યારે તે કોઈ પણ સંબંધ પોતાની પસંદગી થી નથી મેળવતો, તેણે કુદરતી રીતે મળેલા સંબંધો સ્વિકારવાના હોય છે પછી તે માતા-પિતા હોય, ભાઈ-બહેન હોય, કાકા, મામા, વિ. પણ બાળક જેમ જેમ મોટુ થતું જાય ત્યારે એક સંબંધ તે પોતાની જાતે પસંદ કરી શકે છે અને તે છે દોસ્તી- ફ્રેન્ડશીપ, દોસ્તી એક એવો સંબંધ છે જે વ્યક્તિને ડિપ્રેસ નથી થવા દેતો, એક સારા અને સાચા દોસ્તનો સાથ હોય તો વ્યક્તિને અકાળે વૃદ્ધત્વ નથી આવતું. ઘણો મોટો પરિવાર હોવા છતાં એક દોસ્તની જગ્યા આપણા જીવનમાં કોઈ લઈ નથી શકતું. એવું કહેવાય છે કે ‘‘Count your age by friends and not by years’’ દોસ્તીની કોઈ ઉંમર નથી હોતી અને સારી દોસ્તી તમને લાંબો સમય યુવાન રાખે છે સમવયસ્ક લોકો સાથે મિત્રતા તો સામાન્યપણે હોય જ છે પણ મિત્રતાને ઉંમરનો તો ક્યાં બાધ નડે જ છે. રવિવારે 7 August એ જ્યારે friendship Day તરીકે ઉજવાવા જઈ રહ્યો છે ત્યારે આપણે એવા મિત્રોની વાતો કરવા જઈ રહ્યા છે જેઓ વચ્ચે 15 થી 20 કે તેથી પણ વધારે ઉંમરનો તફાવત છે. કેવી હોય છે આ ફ્રેન્ડસ વચ્ચેની અન્ડરસ્ટેંડીંગ, શું તેઓ દરેક બાબતે ચર્ચા કરી શકે છે, શું તેઓ એકબીજાનો સપોર્ટ સીસ્ટમ બની શકે છે, ચાલો જાણીએ એ લોકોના જ શબ્દોમાં…
આપણાથી નાની ઉંમરના લોકો સાથે મિત્રતાનો અલગ આનંદ હોય છે: ભરત કાજીવાલા
ભરતભાઈ 49 વર્ષના છે. તેઓ હેમંતભાઈ અને ઋત્વી સાથે જીમના લીધે મિત્ર બન્યા. તેઓ કહે છે હેમંતભાઈ તો મારી ઉંમરના છે એટલે ફ્રેન્ડશિપ રાખવામાં બીજી કોઈ મર્યાદા નથી આવતી પરંતુ ઋત્વી ઉંમરમાં ઘણી નાની હોવા છતાં ખૂબ મિલનસાર સ્વભાવની છે. આપણાથી નાના સાથે ફ્રેન્ડશિપ હોય તો એનો પણ એક આનંદ હોય છે. પણ સાથે લોકો શું વિચારશે એવો ખચકાટ પણ મનમાં હોય છે. જીમ, પાર્ટીઝમાં અમારે મળવાનું થતું હોય ત્યારે કોઈ વાર ડ્રેસીંગ સેન્સ બાબતે અમારા વિચારો અલગ પડે તો હું એને સારી ભાવનાથી સલાહ આપું કે આવું ડ્રેસીંગ ના શોભે. આ કારણે કોઈ વાર એને ખોટું પણ લાગ્યું છે મારાથી- અમારી નેચરલી ફ્રેન્ડશિપ થઈ અને સ્વભાવ અને મન મળવાને કારણે આજે અમારી પર્સનલ ફ્રેન્ડશિપ ન રહીને અમે ફેમિલી ફ્રેન્ડસ બની ગયા છે. અમે એકબીજાને કંઈ પણ કહી શકીએ છે. ઋત્વીને ફોટા પાડવાનો ખૂબ શોખ છે એટલે એની સાથે અમને બધાને ખૂબ આનંદ આવે છે.
નાની ઉંમર હોવાથી એનો એટીટ્યુડ અમારા કરતા વધારે કેઝ્યુઅલ હોય છે: હેમંત પટેલ
હેમંતભાઈની ઉંમર 50 વર્ષ છે. તેઓ કહે છે ઋત્વી અને ભરતભાઈ સાથેની મિત્રતામાં એ ફર્ક પડે છે કે ભરતભાઈ સાથે વિચારો મળી જાય અને સરખા હોય શકે પરંતુ ઋત્વી એની ઉંમરના હિસાબે થોડો કેઝ્યુઅલ એટીટ્યુડ રાખે છે. પરંતુ સામાન્ય પણે અમને સાથે ખૂબ મજા આવે છે. મારે જો ઋત્વીને કંઈ સલાહ આપવી હોય તો એ મારાથી ઘણી નાની હોવાથી હું ડાયરેક્ટલી એને કશું કહેવાનું ટાળું અને બીજા પાસે કહેવડાવી દઉં જેથી મનદુ:ખ ન થાય. એ અમારાથી એ રીતે અલગ છે કે અને સેલ્ફી પાડવાનું ખૂબ પસંદ છે. કોઈ પણ દોસ્તીમાં સચ્ચાઈ હોવી ખૂબ જ જરૂરી છે એવું હું માનું છું.
ઉંમરનો તફાવત હોવાથી ડ્રેસીંગ સેન્સ અલગ પડે છે : ઋત્વી ડુમસવાલા
ઋત્વીની ઉંમર 31 વર્ષની છે. તે કહે છે કે તેની ભરતભાઈ અને હેમંતભાઈ સાથેની મુલાકાત જીમમાં વિકી બેનના લીધે થઈ. રોજ મળવાના લીધે અમે ખૂબ ગાઢ મિત્રો બન્યા. ઋત્વી કહે છે કે આમ તો તમે સામાન્ય પણે સમવયસ્કે સાથે જ મિત્ર હોવ અને તમારા વિચારો મળતાં જ હોય પરંતુ વધારે ઉંમરનો તફાવત હોય તો થોડું થીકીંગ અલગ હોય શકે છે. પરંતુ અમારી મિત્રતામાં ઉંમરનો કોઈ બાધ નથી. એ લોકો મારી સાથે મસ્તી કરી શકે અને હું કંઈપણ સલાહ લેવાની હોય તો બિલકુલ હું એ લોકોને બિંધાસ પુછી શકું. અમારી 4-5 વર્ષની દોસ્તી છે અને તે હવે ઘણી જ ગાઢ થઈ ગઈ છે.
મોટી ઉંમરના મિત્રો પાસેથી હંમેશા કંઈને કંઈ નોલેજ મેળવ્યા જ કરીએ છીએ: રૂપા ગાંધી
રૂપાબેન 55 વર્ષના છે. તેઓ હંસાબેન સાથેની મિત્રતાની શરૂઆત કેવી રીતે થઈ તેના જવાબમાં કહે છે કે એ લોકો પોતાના ઘરનું રીનોવેશન કરાવતા હોવાથી અમારી સોસાયટીમાં થોડો સમય માટે રહેવા આવ્યા હતા અને અમે રોજ સાથે ઓટલા પર બેસતા અને મિત્રતા થઈ ગઈ. રૂપાબેન કહે છે કે મોટી ઉંમરના મિત્રો પાસેથી જે અનુભવો અને જીવનના પાઠ શીખવા મળે એ આપણી ઉંમરના મિત્રો પાસેથી શીખવા ન મળે. મને એવું લાગે કે ફેમિલી એ ફેમિલી હોય અને ફ્રેન્ડની જગ્યા કોઈ ન લઈ શકે. અમે ગાર્ડનમાં, મંદિરમાં, રેસ્ટોરન્ટમાં, મુવીઝમાં બધે સાથે જઈએ છે. એ લોકોને આ ઉંમરે આપણી સાથે મજા આવે એ અહેસાસ પણ આપણને ખૂબ આનંદ આપે છે. મોટી ઉંમરના લોકો સાથે દોસ્તી રાખવી જ જોઈએ જેથી આપણને એમાંથી કંઈને કંઈ શીખવા તો મળે જ છે.
નાની ઉંમરની મિત્ર સાથે વાતો કરીને નવી પેઢી સાથે સારી રીતે એડજસ્ટ થઈ જ શકીએ છીએ : હંસા મહેતા
હંસાબેન 72 વર્ષના છે. તેઓ કહે છે કે મારા અને રૂપા વચ્ચે 15 થી વધારે વર્ષનો ઉંમરનો તફાવત છે પણ મને ક્યારેય એવું લાગ્યું નથી, અમે એકબીજાને મનની કોઈ પણ વાત કહી શકીએ છે. સાથે ઘણું હરીએ-ફરીએ છે અને ખૂબ મોજ કરીએ છે. અમારી દોસ્તીને ઉંમરનો બાધ નથી નડ્યો ઉલ્ટું જે વાત ફેમિલી સાથે ન કરીએ તે પણ એકબીજાને દિલ ખોલીને કરી શકીએ. હંસાબેન કહે છે હું એને વડીલ તરીકે સલાહ પણ આપું છું અને પછીની જનરેશન વિશે મારે કઈ જાણવું હોય તો પણ હું એને પૂછી લઉં. હું એવું પણ માનું છું કે નાની ઉંમરની ફ્રેન્ડ હોઈ તો એ લાભ મળે કે આપણાથી નાની પેઢીની, વાતો જાણીને એ લોકો સાથે સારી રીતે એડજસ્ટ થઈ શકીએ છે અને એ આજના જમાનામાં ખૂબ જરૂરી છે.
ફ્રેન્ડ વગર જીવન નકામું : બીનલ ગાંધી
અડાજણ વિસ્તારમાં રહેતી બીનલ ગાંધી અને બોમ્બે માર્કેટ વિસ્તારમાં રહેતી સીમા વરસાણી આ ફ્રેન્ડશીપ ડે પર પોતાની ફ્રેન્ડશીપની 12મી વર્ષગાંઠ ઉજવશે. બંને પીપલોદમાં એક શોપિંગ મૉલમાં મળ્યા હતાં. થોડીક જ મિનિટની વાતચીત માં આત્મીયતા બંધાઈ અને ફ્રેન્ડ બની ગયા. યોગાનુંયોગ છેલ્લા 5 વર્ષથી બંને એક જ ઓફિસ ઓન્લીવેબ ડોટ ઇનમાં જોબ કરે છે. બીનલે જણાવ્યું કે અમારી બંને વચ્ચે 12 વર્ષનો એજ ડીફરન્સ છે એવું ક્યારેય ફિલ નથી થયું. અમે બંને સાથે ડુમસ, ઉભરાટ એકલાં ફરવા નીકળી પડીએ છીએ. ફિલ્મ જોવા જઈએ છીએ. ઓફિસમાં મને માથું દુખે કે તાવ જેવું લાગે તો સીમા મને તરત ડોક્ટર પાસે લઈ જાય. .સીમા મને તેની સિક્રેટ વાતો પણ શેર કરે છે અને સલાહ પણ માંગે છે અને હું તેને મોટી બેનની જેમ શીખામણ પણ આપું છું. સીમાના થોડાંક મહિના પછી મેરેજ છે. ત્યારે મને એવું લાગે છે કે સીમા મેરેજ પછી જોબ છોડીને જતી રહેશે ત્યારે જે મને ખાલીપો લાગશે તે કદાચ કોઈ નહીં ભરી શકે.
લગ્ન બાદ નોકરી છોડવાની વાતથી રડી પડ્યાં : સીમા વરસાણી
સીમાએ જણાવ્યું કે મને સેલ્ફી લેવાનો ખુબ શોખ છે જ્યારે મારી અને બીનલ દીદીની ફ્રેન્ડશીપ થઈ હતી ત્યારે તેમને ફોટો પાડવાનો બિલકુલ નહીં ગમતું પણ મારી ફ્રેન્ડશીપ પછી આ શોખ તેમને પણ જાગ્યો. મારા મેરેજ થયા બાદ હું નૌકરી છોડી દઈશ એ વાત થી બીનલ દીદી રડવા લાગ્યાં હતાં. અમારી વચ્ચે ક્યારેક જ મતભેદ થાય અને અબોલા થાય પણ તરત જ સાથે જમવા બેસી જઈએ અને અબોલા તૂટી જાય. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે બીનલ દીદી ફ્રેન્ડ મટીને સલાહકાર બની જાય છે પણ તેમની સલાહ મારા ફાયદા માટે જ હોય છે.
સમીર મહેતા- જ્યાં હિસાબ છે ત્યાં દોસ્તી નથી: સમીર મહેતા
સમીરભાઈ 69 વર્ષના છે તેઓ કહે છે હું 24 વર્ષ પહેલાં આનંદભાઈ પાસે તેઓ ટ્રાવેલ એજન્ટ હોવાથી ટિકીટ બુકીંગ માટે ગયો હતો. ‘‘Difference of age’’ અમારી વચ્ચે 23 વર્ષનો ભલે હોય પણ ‘‘Difference of under standing’’ ક્યારેય નથી જણાયું. આનંદને મારા અનુભવોનો લાભ મળે છે અને મને એની યુવાનીનો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આનંદ મને પૂછે અને હું એને સોલ્યુશન આપું તેમજ જ્યારે મને ક્યાંક ઉંમરને કારણે ડિપ્રેશન જેવું લાગે તો આનંદ સાથે વાત કરીને એવું લાગે કે ના, હું હજી યંગ જ છું. હું મારો દિકરો મનન અને આનંદની ઉંમરમાં 2 વર્ષનો તફાવત છે અને હું બંને સાથે ફ્રેન્ડલી રીલેશનશીપ રાખી શકું છું. અમે સાથે ફરવા પણ જઈએ છે અમારા ફેમિલી પણ એકબીજા સાથે હળી-મળી ગયા છે અને અમે સાથે ખૂબ મોજ કરીએ છે. સમીરભાઈ કહે છે કે ફ્રેન્ડશીંપમાં Let-go કરવાની ભાવના ખૂબ જરૂરી છે. જ્યાં હિસાબ છે ત્યાં દોસ્તી નથી.
ફ્રેન્ડશિપમાં ઉપયોગ ન કરવો પરંતુ ઈન્વેસ્ટ કરવું : આનંદ શાહ
આનંદભાઈની ઉંમર 46 વર્ષની છે. તેઓ કહે છે મારા અને સમીરભાઈના વિચારો ખૂબ મળે છે જેમકે કોઈનું ખોટું કરવું નહિં અને સંબંધોમાં ગેરલાભ ઉઠાવવો નહીં. અને આજ અમારી મિત્રતાનો પાયો છે. સમીરભાઈ મારા ફ્રેન્ડ પણ છે અને વડીલ પણ છે. અમે સાથે ફરવા પણ જઈએ છે અને એમણે મારા કહ્યા વગર મારા મનની વાત સમજીને મને એકવાર જરૂરિયાતે આર્થિક સહાય પણ કરી હતી. અમારી મિત્રતા 14 વર્ષ જુની છે અને એ શરૂઆતથી જ મારા બેસ્ટ ફ્રેન્ડ પણ રહ્યા છે ને મેન્ટર પણ રહ્યા છે. સમીરભાઈ મને હકથી ક્યારેય પણ કંઈ પણ કહી શકે છે. આનંદભાઈ એવું માને છે ફ્રેન્ડશીપમાં ક્યારેય સામેવાળી વ્યક્તિનો યુઝ ન કરવો પરંતુ તેમાં ઈન્વેસ્ટ કરવું. ને ફાયદા-ગેરફાયદાથી મિત્રતા ન થઈ શકે.