મુંબઇમાં 26/11 એ થયેલા આતંકવાદી હુમલા પર ‘હોટલ મુંબઇ’, ‘ધ એટેક ઓફ 26/11’(નાના પાટેકર), ‘ફેન્ટમ’ ફિલ્મો બની ચુકી છે અને હવે અદિવી શેષ સ્ટારર ‘મેજર’ રજૂ થશે. મૂળ તે તેલુગુમાં બની છે અને હિન્દી, મલયાલમમાં પણ સમાંતરે રજૂ થશે. આ વખતે એ 26/11ના આતંકવાદી હુમલાથી વધુ એ હુમલા દરમ્યાન શહીદ થયેલા મેજર સંદીપ ઉન્ની કૃષ્ણનનું પાત્ર કેન્દ્રમાં છે, જેમને પછી અશોક ચક્ર એનાયત કરાયેલો. સાઉથના નિર્માતાઓ ફિલ્મમાં મનોરંજક મસાલો ભરવા માટે જાણીતા છે. તેઓ ટેકનોલોજીની પણ ખૂબ મદદ લે છે અને માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુટેશન માટે પણ જાણીતા છે. એટલે ફરી પાછા એક સાઉથની ફિલ્મ માટે તૈયાર રહેવું જોઇએ. છેલ્લા મહિનાઓ જે સાઉથની ફિલ્મો રજૂ થઇ તે સફળ ભલે રહી પણ તે ફિલ્મના હીરો હિન્દી ફિલ્મોના હીરો તરીકે સ્થાન પામ્યા નથી. તેઓ જે ફિલ્મ સાથે આવ્યા અને એ ફિલ્મ થિયેટરોમાં રહી ત્યાં સુધી હિન્દીના પ્રેક્ષકો સામે રહ્યા. ફિલ્મ થિયેટરમાંથી ગઇ તેની સાથે ગયા. ‘મેજર’ ફિલ્મમાં અદિવી શેષ મુખ્ય ભૂમિકામાં છે અને તેનું પણ એવું જ થશે.
અદિવી ખૂબ સારો કે ખરાબ અભિનેતા છે, એવું કહેવાનો અહીં કોઇ અર્થ જ નથી. સાઉથની ફિલ્મો ડબ્ડ થઇને હિન્દીમાં રજૂ થાય અને સફળ જાય તો તેનો ફાયદો એ ફિલ્મોના નિર્માતાઓને થતો હોય છે એટલો હીરોને નથી થતો. ફિલ્મોનું માર્કેટિંગ થાય છે, તેના સ્ટાર્સનું નહીં. હિન્દી ફિલ્મો માટે કામ કરતા મિડીયા માટે એ સ્ટાર્સ અજાણ્યો જ રહી જાય છે. તે સ્ટાર્સ ફિલ્મ પૂરતાં મુંબઇ આવે છે અને તે અપૂરતું હોય છે. પ્રભાસથી માંડી રામચરણ, એન.ટી. રામારાવ જુનિયર, યશ સહિતના સ્ટાર્સે આમ જ કર્યું છે. તેઓ મુંબઇ અને હિન્દી ફિલ્મોદ્યોગ માટે આગંતુક સ્ટાર્સ જ છે. કમલ હાસનથી માંડી ચિરંજીવી, રજનીકાંત હિન્દી ફિલ્મોમાં વધુ સફળ ન રહી શકયા તેનું કારણ જ આ છે. અદિવી શેષ માત્ર અભિનેતા નથી, દિગ્દર્શક, પટકથાકાર પણ છે. 2010થી તે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તે હૈદ્રાબાદમાં જન્મ્યો છે અને બર્કલે, કેલિફોર્નિયામાં મોટો થયો છે અને સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીનો તે અંડર ગ્રેજયુએટ છે. 2002માં ‘સોંથમ’ નામની ફિલ્મમાં તેણે નાની ભૂમિકા કરેલી અને 2010ની ‘કર્મા’માં તે દિગ્દર્શક – લેખક તરીકે પણ દેખાયો.
તેમાં તેની હીરોઇન અમેરિકાની જેડ ટેલર હતી. સાઉથની ફિલ્મોમાં ભારતના કોઇપણ પ્રદેશની અભિનેત્રી ચાલી જાય છે તેમ વિદેશની પણ ચાલી જાય છે. ખેર! એ ફિલ્મ પછી તે ‘પંજા’, ‘બલુપુ’, ‘કિસ’, ‘રન રાજા રન’, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’, ‘ડોંગાટા’ અને રાજામૌલીની ‘બાહુબલી’માં પણ આવ્યો છે. જો કે તેની કુલ ફિલ્મોની સંખ્યા 18 જ છે પણ તેની સ્ટાર તરીકેની ધાક છે. અદિવી પોતાની ઇમેજ સાથે પ્રયોગો કરતો રહે છે. એટલે માત્ર એકશન નહીં અન્ય પ્રકારની ફિલ્મોમાં પણ કામ કરે છે. સાઉથના નિર્માતાઓ હોલિવુડના ટેકનિશયન, મ્યુઝિક ડાયરેકટરની પણ મદદ લે છે અને એવું અદિવીની ફિલ્મોમાં બન્યું છે. એક બીજી વાત કે તેની ‘સક્ષયા’ ફિલ્મ હિન્દીમાં ‘બાગી-2’ રૂપે બની છે. તેની ‘ગુદાચરી’ ફિલ્મ તેલુગુની ન્યુ વેવ ફિલ્મ ગણાય છે. એ ફિલ્મમાં શોભિતા ધૂપેલિયા હતી જે ‘મેજર’માં પણ છે. આ બધું છતાં અને ‘મેજર’ ધારો કે સફળ રહે તે છતાં અદિવી હિન્દી ફિલ્મના સ્ટાર તરીકે ઓળખ નહીં પામશે કારણ કે હિન્દી ડબીંગ બીજા કરતા હોય તેવું ચાલે નહીં.