ગુજરાતમાં (Gujarat) એવાં અનેક ગામો (Village) છે, જે સરકારી યોજનાઓની સાથે સાથે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યાં છે. જેમાં બારડોલી તાલુકાના આફવા ગામનો પણ સમાવેશ થાય છે. બારડોલી તાલુકામાં બારડોલી (Bardoli) વાંકાનેર રોડ પર આવેલું આફવા ગામ પહેલાથી આદર્શ ગામ તરીકે નામના પામ્યું છે. સરકારી સહાય ઉપરાંત ગામમાં વસતા એનઆરઆઇઓના સહયોગથી ગામે વિકાસની નવી દિશા કંડારી છે. ગામમાં વસતા હળપતિ સમાજના લોકો મુખ્યત્વે ખેતમજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. જ્યારે પાટીદાર સમાજના મોટા ભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે અને જે અહીં વસે છે, તેઓ ખેતી સાથે જોડાયેલા છે.
અન્ય જાતિઓમાં માહ્યાવંશી સમાજના લોકો પણ વસવાટ કરતા આવ્યા છે. ગામમાં મહદ્ અંશે શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ખેતી માટે નહેરનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ખેડૂતો સિંચાઇ માટે નહેરના પાણીનો ઉપયોગ કરે છે. બારડોલી ઉપરાંત મહુવા અને મઢી સુગર ફેક્ટરી નજીક હોય ગામના ખેડૂતો મોટા ભાગે શેરડીની ખેતી પસંદ કરે છે. નાનકડું ગામ હોવાથી ગામમાં કોઈ મોટી સમસ્યા નથી. ગામમાં એકંદરે તમામ જાતિના લોકો સુલેહ શાંતિથી રહે છે.
9 ફળિયાંમાં વહેંચાયેલા ગામનો કુલ રકબો 555.53 હેક્ટર્સ છે. ગામને ઇસરોલી, ગોટાસા, બમરોલી અને ખલી ગામની સીમા અડે છે. બારડોલી નગરની તદ્દન નજીક આવેલું હોવાથી અહીંના લોકો મુખ્યત્વે બારડોલી પર આધાર રાખતા હોય છે. ગામ બારડોલી–વાલોડ રાજ્ય ધોરી માર્ગ પર વસેલું હોવાથી અહીં પરિવહનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસો અહીં સમયસર મળતી હોવાથી ગામના ગરીબ અને જરૂરતમંદ લોકો માટે મુસાફરી સરળ બને છે. આફવા ગોતાસા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ ગામનો વહીવટ કરવામાં આવે છે.
મુંબઈ રાજ્ય સમયથી જ આફવા આદર્શ ગામ રહ્યું છે
બારડોલી-વાંકાનેર રોડ પર બારડોલીથી લગભગ પાંચ કિ.મી.ના અંતરે આવેલું આફવા ગામ વર્ષોથી એક આદર્શ ગામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરતું રહ્યું છે. ગામનો પાટીદાર સમાજના મોટા ભાગના લોકો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાથી તેઓ ગામના વિકાસમાં મોટો ફાળો આપી રહ્યા છે. ગામના પાટીદાર ફળિયામાં જતાં જ જાણે વિદેશની ધરતી પર આવી ગયા હોય તેવો અનુભવ થશે. તમામ ફળિયાંમાં રસ્તા, પાણીની સુવિધા, ગટર લાઈન અને અન્ય માળખાકીય સગવડો ઉપલબ્ધ છે. ગામના આગેવાન અને માજી સરપંચ લલ્લુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુંબઈ (ગુજરાત મહારાષ્ટ્ર સંયુક્ત રાજ્ય)ના સમયથી જ આફવા ગામ આદર્શ ગામ રહ્યું છે. તે સમયે પણ ગામને આદર્શ ગામનું શિલ્ડ મળ્યું હતું. આજે પણ આદર્શ ગામની બિરુદ જાળવી રાખ્યું છે. તમામ ગ્રામજનોના સહયોગથી જ આ શક્ય બન્યું છે.
વસતીવિષયક માહિતી (2011 મુજબ)
કુલ ઘર 495
કુલ વસત 2202
પુરુષ 1058
સ્ત્રી 1144
અનુસૂચિત જાતિ 140
અનુસૂચિત જનજાતિ 1288
સાક્ષરતા દર
કુલ 73.17%
પુરુષ 77.41%
સ્ત્રી 69.26%
ગામનાં ફળિયાં
પટેલ ફળિયું માહ્યાવંશી ફળિયું નિશાળ ફળિયું પાદર ફળિયું નવું ફળિયું દસ ગાળા ફળિયું નહેર ફળિયું અક્કલ ટેકરી ફળિયું વલ્લભનગર
ગ્રામ પંચાયત બોડી
1 દમયંતીબેન હસમુખભાઈ ઢોડિયા – સરપંચ
2 પિનલબેન સમીરભાઈ પટેલ – ઉપસરપંચ
3 ભારતીબેન શૈલેષભાઈ પટેલ
4 સુધાબેન અશ્વિનભાઈ હળપતિ
5 હિરેનભાઈ જીવણભાઈ પરમાર
6 રાણીબેન ભીખુભાઈ ઢોડિયા
7 ભાવનાબેન જીવણભાઈ નાયકા
8 હસુભાઈ ભીખાભાઈ ઢોડિયા
9 અમિતાબેન ગામીત – તલાટી કમ મંત્રી
પાટીદાર સમાજના 80 ટકા લોકો વિદેશમાં સ્થાયી
ગામમાં સૌથી વધુ વસતી હળપતિ સમાજની છે. ઉપરાંત પાટીદાર સમાજ અને માહ્યાવંશી સમાજના લોકો પણ શાંતિપૂર્વક રહે છે. પાટીદાર સમાજ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો છે. 80 ટકા લોકો વિદેશમાં વસવાટ કરે છે. ખાસ કરીને યુએસએમાં ગામના લોકો મોટી સંખ્યામાં રહે છે અને ત્યાં જ પોતાના બિઝનેસ અને નોકરી-ધંધામાં વ્યસ્ત થયા છે. તેઓ વતનનું ઋણ અદા કરવા માટે દર વર્ષે કઈને કઈ સહયોગ આપતા રહે છે. તેમના સહયોગથી પાટીદાર ફળિયાનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. વર્ષ 2015-16થી ફળિયાનું બ્યુટિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અંડર ગ્રાઉન્ડ વીજતાર, કેબલ અને ઇન્ટરનેટના તાર, ઉપરાંત વૃક્ષચ્છાદિત ફળિયું બનાવવામાં આવ્યું હતું. પાટીદાર ફળિયામાં ક્યાય પણ વીજતાર લટકતા જોવા મળતા નથી. જે એનઆરઆઇ અને સ્થાનિક પાટીદારોના સહયોગથી શક્ય બન્યું છે. જ્યારે હળપતિ સમાજના લોકો ખેત મજૂરીની સાથે સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ગામમાં તેઓ બકરી, ગાય, ભેંસ જેવાં પશુઓ પાળી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. માહ્યાવંશી સમાજના લોકો મોટા ભાગે નોકરિયાત તેમજ ખેતી સાથે સંકળાયેલા છે.
રસ્તા છે ચોખ્ખાચણાક
ગામ હોય ત્યાં ઉકરડો એવી કહેવત આપણે ત્યાં વર્ષો પહેલાં જોવા મળતી હતી. પરંતુ હવે ગામડાં પણ વિકસિત થવા માંડ્યાં છે. વડાપ્રધાને સફાઈ અભિયાનની મુહિમ લગાવતાં હવે ગામડાંમાં સ્વચ્છતાં જોવા મળી રહી છે. પરંતુ આફવા ગામના બુદ્ધિજીવીઓની વર્ષો પહેલાં જ દુરંદેશી નજર હતી. જેના પ્રતાપે આજે કોઈપણ ગામની તુલનામાં આ ગામ આગળ પડતું જોવા મળે છે. ગામમાં સફાઈની વાત કરીએ તો શહેરને પણ શરમાવે તેવી છે. ગામના રસ્તા અને તમામ ઘર આંગણા ચોખ્ખાચણાક જોવા મળે છે. ગામની ફરતે ગામના લોકોએ રિંગ રોડનું નિર્માણ કર્યુ છે. જેથી ભારે વાહનો ગામની બહાર બારોબાર સરળતાથી નીકળી શકે. આ ઉપરાંત સીસી રોડ અને પેવર બ્લોકને કારણે ગામની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
પાંચ વર્ષ પહેલાં કરવામાં આવ્યું રિનોવેશન
લગભગ 2015-16માં પાટીદાર ફળિયામાં રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું. પાટીદાર ફળિયાના લોકોએ કોઈપણ જાતની સરકારી સહાય વગર શહેરને પણ શરમાવે તેવી સુવિધા ઉપલબ્ધ બનાવી છે. એનઆરઆઇ અને સ્થાનિક લોકોના આર્થિક સહોયોગથી આ શક્ય બન્યું હતું. ફળિયામાં ક્યાંય પણ વીજળી, કેબલ ટીવી કે ઇન્ટરનેટના વાયરો લટકતા જોવા મળતા નથી. તમામ વાયરો અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે ગામની સુંદરતામાં વધારો થયો છે. અંદાજિત ચાર કરોડથી વધુના ખર્ચે ગામનું રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રિનોવેશન બાદ ગામના પાટીદાર ફળિયામાં ઝગમગાટ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોના સહયોગથી વિવિધ સુવિધા ઉપલબ્ધ
ગામના આગેવાન નરેશ પટેલ જણાવે છે કે, અમારું ગામ વર્ષોથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એનઆરઆઇ અને ગ્રામજનોના સહયોગથી જ આ કાર્ય શક્ય બન્યું છે. સમાજ દ્વારા એક લગ્ન હૉલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લગ્નથી માંડી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગામની શાળાનું બિલ્ડિંગ પણ ગામના દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મિનરલ વોટર પ્લાન્ટ અને પાણીની પરબ પણ લોકોની તરસ છીપાવી રહી છે. પહેલાના સમયમાં વટેમાર્ગુઓ માટે પાણીની પરબ માંડવામાં આવતી હતી, તેના પરથી ગામના એનઆરઆઇના સહયોગથી આધુનિક પરબડી ઊભી કરી દેવામાં આવી છે. જેનો ગ્રામજનોની સાથે સાથે વટેમાર્ગુઓ પણ ઉપયોગ કરતા આવ્યા છે.
સહકારી પ્રવૃત્તિનો પણ વિકાસ
સરકારી પ્રવૃત્તિ થકી ગુજરાત વિકાસની દિશામાં આજે પણ આગળ છે. આ પ્રવૃત્તિ થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે. ત્યારે આફવામાં 80 ટકા પાટીદારો ભલે વિદેશમાં સ્થાયી થયા હોય, પણ અહીં રહેતા લોકો ખેતીવાડી સંભાળી રહ્યા છે. ગામમાં સહકારી પ્રવૃત્તિનો પણ સારો એવો વિકાસ થયો છે. ત્રણ જેટલી સહકારી મંડળી હાલ ગામમાં કાર્યરત છે. આ અંગે વાતો કરતા ગામના વડીલ અને પિયત મંડળીના સ્થાપક પ્રમુખ કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં સ્થાયી થયેલા પરિવારો પણ તેમની ખેતી અહીં રહેતા પરિવારોને સોંપી ગયા છે. ખેતી વ્યવસ્થિત રીતે થાય એ માટે ગામમાં સહકારી ધોરણે પિયત મંડળીની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી ગામમાં ખૂબ જ સરળતાથી ખેતીમાં સિંચાઇ શક્ય બની છે. આ ઉપરાંત ગામમાં સહકારી ધોરણે રાઈસ મિલ પણ ચાલે છે, જેનો ગામના અને આજુબાજુના ખેડૂતો પણ લાભ લઈ રહ્યા છે. રાઈસ મિલ ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપતી આવી છે. ગામમાં આફવા વિકાસ ખેતીપાકનું રૂપાંતર અને વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ નામની સહકારી સંસ્થા પણ આવેલી છે. ખેડૂત સભાસદોના કલ્યાણ માટે કામ કરતી આવી છે.
ગામની દૂધમંડળી પશુપાલકો માટે આશીર્વાદરૂપ
ગુજરાતમાં ઔદ્યોગિકરણનો વ્યાપ તો થયો પણ વધતી વસતીની સામે ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ પ્રગતિ કરી રહ્યો છે. ટેક્નોલોજીના આ યુગમાં આ ઉદ્યોગની અવગણના થઈ શકે તેમ નથી. આફવા ગામમાં આફવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે, જેમાં ગામના પશુપાલકો સવાર-સાંજ દૂધ ભરતા આવ્યા છે. જે દૂધ સીધું સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મંડળીના સંચાલકો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દૂધમંડળીને કારણે ગામના પશુપાલકોને દૂધ વેચવામાં સરળતા રહે છે અને સમયસર તેમનું વળતર પણ મળી રહે છે. આ વળતર પણ ગામમાં આવેલી બેન્કમાં જ જમા થતું હોય સભાસદોને ફાયદો થાય છે.
પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ
ભારત હાલમાં જ ચીનને વસતીની દૃષ્ટિએ વટાવી ગયું ને એમાં વિશ્વમાં સૌથી વધી યુવાનો ભારતમાં છે. ઘણા દેશો ઓછી વસતીને કારણે પણ પીડાય રહ્યા છે. તો સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રેશિયો પણ ચિંતાજનક જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા ઝુંબેશ ચલાવાતાં ધીમે ધીમે સ્ત્રી અને પુરુષના રેશિયામાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 2011ની વસતી ગણતરી મુજબ વાત કરવામાં આવે તો આફવા ગામની કુલ વસતી 2202 છે, જેમાં 1058 પુરુષ અને 1144 મહિલાઓનો સમાવેશ થાય છે. આફવામાં લિંગ અનુપાત મુજબ મહિલાઓની વસતી વધુ જોવા મળી છે. જે રાજ્ય અને સુરત જિલ્લાની સરખામણીમાં ખૂબ જ સારી અને પ્રસંશનીય કહી શકાય. આફવા ગામનો સેક્સ રેશિયો 1081 છે, જે ગુજરાતના સરેરાશ સેક્સ રેશિયો 919 કરતાં ઊંચો છે. પુરુષો કરતાં મહિલાની વધુ વસતી ધરાવતાં ગામો બારડોલી તાલુકામાં ખૂબ જ ઓછાં છે, જેમાં આફવા ગામનો સમાવેશ થાય છે. જો કે, મહિલાની વધુ વસતીની સામે તેમનો સાક્ષરતા દર પુરુષના મુકાબલામાં ઓછો જોવા મળ્યો છે. કુલ સાક્ષરતા દર 73.17 છે, જેમાં પુરુષનો 77.41 ટકા અને સ્ત્રી સાક્ષરતા દર 69.26 ટકા રહ્યો છે. એક તરફ રાજ્ય અને સુરત જિલ્લાનો સેક્સ રેશિયો ઘટી રહ્યો છે, ત્યારે આફવા ગામના સેક્સ રેશિયોમાં નોંધાયેલો વધારો અન્ય ગામ અને શહેરો માટે પ્રેરણારૂપ છે.
સાંજ-સવાર સ્પીકરમાં વાગે છે મધુર સંગીત
મોટી બીમારીમાં સંગીત થેરાપીનો આજકાલ ઉપયોગ થઈ રહ્યો છે. સંગીત થેરાપીથી માણસને માનસિક શાંતિ મળતી હોય છે. અને આજ કારણોસર પટેલ ફળિયામાં દરેક વીજળીના થાંભલા પર નાનાં-નાનાં સ્પીકર મૂકવામાં આવ્યાં છે, જેમાં સવાર-સાંજ ભજન ઉપરાંત હળવું સંગીત વગાડવામાં આવે છે. આવા સંગીતને કારણે ગામમાં હકારાત્મક અને ભક્તિમય વાતાવરણ થઈ જતું હોય છે. સવાર-સાંજ આરતી અને ધૂન વગાડવામાં આવે છે. સવાર-સાંજ સંગીત શરૂ થતાં જ વડીલો બહાર હીંચકે કે બાકડે ગોઠવાયને સંગીતની મજા માણતા હોય છે. આ સુવિધાને કારણે ગામનો માહોલ પોઝિટિવ રહે છે અને લોકોમાં એકતાની ભાવના સુદ્રઢ બને છે.
આંખને ટાઢક આપતાં વૃક્ષો
બારડોલી નગરને અડીને આવેલી આ ગામની સીમા ચાલુ થતાં જ ખેતરોમાં શેરડીનો પાકને કારણે લીલોતરી જ લીલોતરી નજર આવે છે. કેટલાંક ખેતરોમાં લીલુંછમ ડાંગર જાણે ભર ઉનાળામાં આંખને ઠંડક આપે છે. આમ તો ગામ એટલે આજુબાજુ લીલોતરી હોય જ છે. પરંતુ ફળિયામાં પણ લીલોતરી જળવાઈ રહે એ માટે ગ્રામજનોના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણીનો પણ ખ્યાલ રખાયો છે. ગામમાં પ્રવેશતા જ આંખને ટાઢક મળે એવી રીતે રસ્તાની બંને બાજુ કતારબંધ વૃક્ષો અડીખમ ઊભાં છે. ગ્રામજનો વૃક્ષોની જાળવણી પણ કરી રહ્યા છે. ગામમાં વાવેલાં વૃક્ષો પર્યાવરણના જતનની સાથે સાથે ગામનો શોભામાં પણ વધારો કરી રહ્યાં છે.
દીપક પટેલે વિદેશની ધરતી પર ડંકો વગાડ્યો
આફવા ગામમાં એનઆરઆઇ અને સરદારના હુલામણા નામથી ઓળખાતા દીપક ઉર્ફે દિલીપ પટેલે વિદેશની ધરતી પર ડંકો વગાડ્યો છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા દીપકભાઈ પટેલ અમેરિકા જઈને ડેની પટેલના નામથી જાણીતા થયા. તેમણે ત્યાં જઈને નાનકડી નોકરી કર્યા બાદ ધીમે ધીમે મોટેલ હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું અને તેઓ હોટેલના માલિકની સાથે સાથે સમગ્ર અમેરિકા ટોપ ગણાતી બેસ્ટ વેસ્ટર્ન હોટલના ચેરમેન પડે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં ભારતીયો સાથે મળી અમેરિકન પ્રાઈડ બેન્કની પણ સ્થાપના કરી અને તેના પણ ચેરમેન રહી ચૂક્યા હતા. હાલ તેઓ અમેરિકામાં જ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને વતન સાથે એટલો તો લગાવ છે કે તેઓ વર્ષમાં 3થી 4 વાર આફવા આવે છે. તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ સારો ઘરોબો ધરાવે છે. અમેરિકામાં ભારતીયોમાં તેમની સારી એવી પકડ રહેલી છે. સાથે સાથે બારડોલીના સ્થાનિક રાજકરણમાં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા આવ્યા છે.
પાદરે બનાવેલી જલધારા લોકોની તરસ છીપાવે છે
પહેલાના જમાનામાં ગામના પાદરે વટેમાર્ગુઓ માટે પાણીનાં માટલાં મૂકી પરબ બનાવવામાં આવતી હતી. હવે જેમ જેમ જમાનો બદલાયો તેમ તેમ પરબમાં પણ બદલાવ આવ્યો છે. આફવા ગામમાં અત્યાધુનિક પરબ બનાવવામાં આવી છે. ઠંડું અને મિનરલ વોટર લોકોને મળી રહે એ માટે ગામમાં વિશેષ જલધારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોના સહયોગથી ગામના પાદરે આ જલધારા બનાવવામાં આવી છે. જેનો વટેમાર્ગુઓ ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત ગ્રામજનોને માટે મિનરલ વોટરની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બપોરની ધગધગતી ગરમીમાં કામેથી આવતા મજૂર વર્ગ આ જલધારાનું પાણી પીને ટાઢક અનુભવે છે.
ગામની શાળામાં ગુણોત્સવ માટે મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા
ગામમાં આવેલી પ્રાથમિક શાળાનું મકાન ગ્રામજનો અને એનઆરઆઇઓના સહયોગથી બનાવવામાં આવ્યું છે. ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવું સરકારી પ્રાથમિક શાળાનું મકાન જોઈને અહીં આવતા સરકારી અધિકારીઓ પણ મોંમાં આંગળાં નાંખી દે છે. જાન્યુઆરી-2017માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આફવા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ગુણોત્સવ-2017 અંતર્ગત તેમણે શાળાનાં બાળકોનું મૂલ્યાંકન કર્યુ હતું. તેમણે શાળાના પ્રાર્થના સંમેલનમાં હાજરી આપી ધોરણ-1થી 8નાં બાળકોનું તબક્કાવાર મૂલ્યાંકન કર્યુ હતું. મુખ્યમંત્રી ગામમાં પધાર્યા હોય તે સમયે ગામના લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો અને તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. ગામની સુવિધા જોઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખુશ થઈ ગયા હતા. તેમણે અન્ય ગામોને પણ પ્રેરણા લેવા અપીલ કરી હતી.
સરકારી યોજનાથી થઈ રહ્યો છે વિકાસ
સરકારી સહાય પણ ગામના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના હેઠળ ગામમાં રસ્તા, પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ બની છે. નળ સે જળ યોજના હેઠળ ગામમાં પીવાના શુદ્ધ પાણીની પણ સુવિધા લોકો સુધી પહોંચી છે. ગામનાં વિવિધ ફળિયાંમાં પેવર બ્લોક, સીસી રોડ, ગટરલાઇન સહિતનાં કામો કરવામાં આવી રહ્યાં છે. કેટલાંક ફળિયામાં કામ પૂરાં થયાં છે, તો કેટલાંક કામો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત વિવિધ યોજના હેઠળ આવાસના લાભો પણ ગ્રામજનોને મળી રહ્યા છે. ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો સારો એવો અમલ થઈ રહ્યો છે.