નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે નવી દિલ્હીના (new Delhi ) કરીઅપ્પા ગ્રાઉન્ડ (Kariappa Ground) ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલી (NCC) નું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ ગાર્ડ ઓફ ઓનર સાથે NCC ટુકડીઓના માર્ચપાસની સમીક્ષા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પંજાબી પાઘડીમાં જાવો મળ્યા હતા. તેમણે કાળા રંગના ચશ્મા પણ પહેર્યા હતા. આ અગાઉ, બુધવારે 73મો ગણતંત્ર દિવસના અવસરે મોદીએ બ્રહ્મકમલથી સજ્જ ઉત્તરાખંડની ટોપી અને મણિપુરની પરંપરાગત સ્ટોલ ‘લેંગયાન’ પહેર્યું હતું. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેતા પહેલા મોદી બંને રાજ્યોના પરંપરાગત વસ્ત્રોના અભિન્ન અંગ તરીકે પરંપરાગત કુર્તા પાયજામાં પહેરીને રાષ્ટ્રીય સમર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતાં.
એનસીસી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ સમયે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જ્યારે યુવા દેશ આવા ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બને છે ત્યારે તેની ઉજવણીમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. એવો જ ઉત્સાહ હું અત્યારે કરિઅપ્પા ગ્રાઉન્ડમાં જોઈ રહ્યો છું.
હું પણ NCCનો સક્રિય કેડેટ રહ્યો છું -મોદીએ કહ્યું
તેમણે કહ્યું કે મને ગર્વ છે કે હું પણ તમારી જેમ NCCનો સક્રિય કેડેટ રહ્યો છું. NCCમાં મેં જે તાલીમ લીધી, જે શીખવા મળ્યું, તેનાથી આજે મને દેશ પ્રત્યેની મારી જવાબદારીઓ નિભાવવામાં ખૂબ જ શક્તિ મળે છે. હવે દેશની દીકરીઓ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. સેનામાં મહિલાઓને મોટી જવાબદારીઓ મળી રહી છે. દેશની દીકરીઓ એરફોર્સમાં ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. આવી સ્થિતિમાં અમારો પ્રયાસ હોવો જોઈએ કે વધુને વધુ દીકરીઓને NCCમાં સામેલ કરવામાં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જે પણ યુવક-યુવતીઓ NCCમાં છે, NSSમાં છે, તેમાંથી મોટાભાગનાનો જન્મ આ સદીમાં જ થયો છે. તમારે ભારતને 2047 સુધી લઈ જવાનું છે. એટલા માટે તમારા પ્રયત્નો, તમારા સંકલ્પો, એ સંકલ્પોની પરિપૂર્ણતા એ જ ભારતની સિદ્ધિ હશે, ભારતની સફળતા હશે.
‘તમે પોતે કેડેટ તરીકે ડ્રગ્સથી મુક્ત હોવો જોઈએ’
મોદીએ કહ્યું, “જે શાળા-કોલેજમાં NCC, NSS છે ત્યાં ડ્રગ્સ કેવી રીતે પહોંચી શકે. કેમ્પસને પણ ડ્રગ્સથી મુક્ત રાખો. તમારા સાથીઓ કે જેઓ NCC-NSSમાં નથી તેમને પણ મદદ કરો. આ ખરાબ આદત છોડો.”
NCC કેમ્પમાં 17 રાજ્યોના કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.દર વર્ષે 28 જાન્યુઆરીએ NCC રેલીનું આયોજન કરવામાં આવે છે. આ NCC કેમ્પમાં દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 500 સપોર્ટ સ્ટાફ અને 380 ગર્લ કેડેટ્સ સહિત 1,000 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ NCC કેડેટ્સને લશ્કરી કાર્યવાહી, સ્લેધરિંગ, માઇક્રોલાઇટ ફ્લાઇંગ, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની કુશળતા દર્શાવતા જોયા હતા. શ્રેષ્ઠ કેડેટ્સને વડાપ્રધાનના હસ્તે મેડલ એનાયત કરવામાં આવશે.