Business

કાપડના વેપારીઓ પછી હવે મિલમાલિકોને જોબવર્ક મળતું ઓછું થયું, એક અઠવાડિયામાં આટલું કામ ઘટી ગયુંં

સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ ચેઇનને અસર થઇ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૨ ટકાના જીએસટી દરને લીધે મિલમાલિકોને જોબવર્ક મળતું ઓછું થયું છે. કેટલાક વેપારીઓએ ચાલુ મહિનાના પ્રારંભમાં મોકલાવેલું ગ્રે કાપડ પ્રિન્ટ નહીં કરવા જણાવ્યું હતું. આથી ૭ દિવસમાં ૩૦ ટકા જોબવર્કમાં ઘટાડો નોંધાયો છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, ૧ જાન્યુઆરીથી ૧૨ ટકાનો જીએસટીનો નવો સ્લેબ લાગુ થવા જઇ રહ્યો છે. તેના લીધે કાપડના વેપારીઓએ ગ્રે કાપડની ખરીદી પર કાપ મૂક્યો છે. તેની અસર મિલો પર પડી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જોબવર્કમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થયો છે. બીજી તરફ દિવાળી પછી લગ્નસરાંની સિઝનને જોતાં વધુ કામ મળશે તેવી ગણતરી હતી. પરંતુ ૧૨ ટકાના નવા ટેક્સ સ્લેબને લીધે વિવર, ટ્રેડર્સ અને પ્રોસેસર્સની આખી વેલ્યુ ચેઇનને અસર થઇ છે. ટ્રેડર્સ ૩૧ ડિસેમ્બર પહેલાં ૫ ટકાના જીએસટી દરવાળો જૂનો સ્ટોક ક્લિયર કરવા માંગે છે. તેથી તેઓ મિલોને જરૂરિયાત જેટલા પ્રોગ્રામ આપી રહ્યા છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને લીધે પોંગલની સિઝન ખરાબ થઇ છે.

નોંધનીય છે કે જીએસટીના ટેક્સ સ્લેબમાં ફેરફારના પગલે સમગ્ર કાપડ ઉદ્યોગમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. મુઠ્ઠીભર લોકોને લાભ કરાવવા માટે ચોક્કસ લોકોના ઈશારે જીએસટીના દર 12 ટકા કરવામાં આવ્યા છે. સુરતના વીવર્સ, ટ્રેડર્સે નવા ટેક્સ સ્લેબનો વિરોધ કર્યો છે અને સરકાર પીછેહઠ નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top