રાજકોટ: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. લાપરવાહી દાખવનારા અધિકારીઓ સામે સસ્પેન્શનની તલવાર રાજ્ય સરકારે ઉગામી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ઘટના સ્થળની મુલાકાત લઈ જાત નિરિક્ષણ કર્યું હતું. આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સૂચનાઓ આપી હતી. જેને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલ ઓફિસરોમાં TP, એન્જિનિયરિંગ અને પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.
TRP પાસે કોઈ ઓક્યુપેશન સર્ટિફિકેટ નહોતું કે ફાયર NOC માટે અરજી કરી નહોતી. જરૂરી મંજૂરીઓ વિના ગેમ ઝોનશરૂ કરી દેવાની ગંભીર નિષ્કાળજી દાખવનાર પોલીસ, મનપા, માર્ગ મકાન વિભાગના 6 અધિકારીઓની જવાબદારી નક્કી કરી સખ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસે શહેરમાં ચાલતા અન્ય ગેમઝોન પર કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન રેસ વે એન્ટરપ્રાઈઝનું એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ કરવા ફાયરની એનઓસી વિના જ પોઝિટિવ અભિપ્રાય આપનાર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જ પોલીસ અધિકારી વી.આર. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને ફરજ મોકુફી દરમિયાન ડાંગ હેડકવાર્ટરમાં રિપોર્ટ કરવાનો રહેશે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉનપ્લાનિંગ શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાન ગૌતમ ડી જોશી, ટાઉનપ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા એમ.આર. સુમાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 7 ઓફિસર સસ્પેન્ડ કર્યા છે. ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપી સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. સીસીટીવી મેળવવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે આગ લાગવાનું કારણ વેલ્ડિંગના તણખા છે.