Editorial

અતિક અહેમદની હત્યા પછી હવે મુખ્તાર અન્સારી રીતસરનો ફફડી રહ્યો છે

હાલમાં પ્રયાગરાજ અને પહેલાનું અલહાબાદ ઉત્તર પ્રદેશનું એક એવું અંગ છે કે તેના ઉલ્લેખ વગર આ પ્રદેશની કલ્પના પણ કરી શકાય તેમ નથી. હાલમાં પ્રયાગરાજ એટલા માટે ચર્ચામાં છે કારણ કે, અહીંના બાહુબલી નેતા અતિક અહેમદની સરેઆમ હત્યા થઇ ગઇ છે. રાજુ પાલની હત્યામાં સંડોવાયેલો અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં હતો. પરંતુ રાજુ પાલની હત્યાના મહત્વના એવા સાક્ષી ઉમેશ પાલની સરેઆમ હત્યા કરી નાંખવામાં આવી અને અને આ મુદ્દો એટલો ચગ્યો કે, અતિક અહેમદનો પુત્ર ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

આ વાતની શાહી સુકાઇ તે પહેલા જ પોલીસ જાપ્તામાં અતિક અહેમદ અને તેના ભાઇની પોલીસ જાપ્તામાં જ હત્યા કરી નાંખવામાં આવી. આ એન્કાઉન્ટર અને હત્યા પછી ઉત્તર પ્રદેશના માફિયા આદિત્યનાથ યોગીની સરકારથી રીતસર ફફડી રહ્યાં છે. આવો જ એક નેતા જે કૃષ્ણાનંદ રાયની હત્યામાં સંડોવાયેલો છે તેનું નામ મુખ્તાર અન્સારી છે. તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ એટલે કે પૂર્વાંચલનો બાહુબલી છે. જો કે, તે અતિક અહેમદની હત્યા પછી રીતસરનો ફફડી રહ્યો છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉત્તર પ્રદેશ સરકારે જે 62 ડોનનું લિસ્ટ તૈયાર કર્યું છે તેમાં તેનો નંબર સૌથી ઉપર છે. વાત સાચી હોય કે ખોટી પરંતુ આ બાહુબલી નેતા જેલમાં રીતસરનો ફફડી રહ્યો છે.

તેને એવું લાગે છે કે, હવે પછી તેનો જ નંબર છે. ઉત્તર પ્રદેશના બાહુબલી ધારાસભ્ય અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને તેમની પત્ની અફશા અન્સારીની જૂની મિલકતોના દસ્તાવેજો સરકારી વિભાગોમાંથી ગુમ થયા છે. મુખ્તાર અંસારી દ્વારા આ મિલકતો ક્યારે ખરીદવામાં આવી હતી અને કોના નામે આ મિલકતો ટ્રાન્સફર કરવામાં આવી છે અને પછી તેઓ મુખ્તાર અને તેની પત્નીના નામે કેવી રીતે પહોંચ્યા. સરકારી વિભાગોને આ માહિતી મળી રહી નથી. આ સંદર્ભે માહિતી આપવા જણાવાયું છે.

વાસ્તવમાં મુખ્તાર અંસારી અને તેની પત્નીની જમીન હુસૈનગંજ ગામમાં આવી છે, પરંતુ તે જમીનના દસ્તાવેજો સરકારી વિભાગો પાસે નથી. હકીકતમાં, આ કેસમાં એસપી આઝમગઢે લખનૌના જિલ્લા વહીવટીતંત્રને એક પત્ર લખ્યો છે, જેમાં લખ્યું છે કે મુખ્તાર અંસારીએ ગુનાની દુનિયામાંથી સંપત્તિ મેળવી છે. તેની પત્નીના નામે ઘણી જમીન છે. પંજાબની જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અને ઉત્તર પ્રદેશના નેતા મુખ્તાર અંસારીને VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. પંજાબ પોલીસના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અહેવાલો અનુસાર, મુખ્તાર અંસારીએ વીવીઆઇપી ટ્રીટમેન્ટ માટે અધિકારીઓને લાંચ પણ આપી છે.આ રિપોર્ટ બુધવારે પંજાબના સીએમ ભગવંત માન પાસે પહોંચ્યો છે.

હવે સરકાર આ મામલે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અંસારી જાન્યુઆરી 2019થી એપ્રિલ 2021 વચ્ચે પંજાબની રૂપનગર જેલમાં બંધ હતો. અહેવાલો અનુસાર, તેને જેલમાં રહેવા દરમિયાન વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી એટલુ જ નહીં પરંતુ પંજાબ પોલીસ દ્વારા જે કેસમાં તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યો હતો તેનુ ચાલાન પણ રજૂ કરવામાં આવ્યુ ન હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ પોલીસના કેટલાક અધિકારીઓ પણ આ મામલામાં જવાબદાર છે.2020માં, યુપી પોલીસે આરોપ લગાવ્યો હતો કે ગેંગસ્ટર મુખ્તાર અંસારીને રૂપનગર જેલમાં વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેના બદલામાં જેલ અધિકારીઓએ અંસારી પાસેથી લાંચ લીધી હતી.

આ આરોપોને ધ્યાનમાં રાખીને, સરકારની રચનાના બે મહિના પછી, આમ આદમી પાર્ટીએ મામલાની તપાસ માટે એડીજીપી આરએન ધોકેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. આ સમિતિએ બુધવારે સીએમ ભગવંત માનને રિપોર્ટ સોંપ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે અંસારીને મદદ કરનાર અધિકારીઓ વિરુદ્ધ કેસની ભલામણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ મામલે મોટી કાર્યવાહી થઈ શકે છે.

2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેંગસ્ટર અંસારીને જેલમાં વિશેષ સુવિધાઓ આપવાનો મુદ્દો પણ ગરમાયો હતો. કારણ કે જે સમયે અંસારી રૂપનગર જેલમાં બંધ હતો તે સમયે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકાર હતી અને સુખજિંદર સિંહ રંધાવા જેલ મંત્રી હતા. અંસારીનો કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો.જાન્યુઆરી 2019માં મોહાલી પોલીસ અંસારીને ઉત્તર પ્રદેશની જેલમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવી હતી. અંસારી પર મોહાલીના સેક્ટર-70માં બિલ્ડર પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ હતો. 24 જાન્યુઆરી, 2019ના રોજ, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને રોપર જેલમાં મોકલી આપવામાં આવ્યો.

Most Popular

To Top