World

ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાનો હાહાકાર, અમેરિકાએ વ્યક્ત કરી આ આશંકા

નવી દિલ્હી: ચીનમાં (china) ફરી કોરોના વાયરસ (Corona virus) ફાટી નીકળ્યો છે. દિવસેને દિવસે ચીનમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી ફરી વિશ્વમાં લોકોને ડરાવી રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 85 થી 95 ટકાનો વધારો થયો છે. રોજ સેંકડો લોકો મૃત્યુ (Death) પામે છે. એવા ઘણા મૃત્યુ થયા છે કે હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે જગ્યા બચી નથી. મૃતદેહોને રૂમથી લઈને હોસ્પિટલની બહાર રાખવામાં આવી રહ્યા છે. અંતિમ સંસ્કાર માટે કબ્રસ્તાનમાં લાંબી કતારો જોવા મળી રહી છે. નિષ્ણાતોનો દાવો છે કે આગામી બેથી ત્રણ મહિનામાં ચીનમાં 80 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. અમેરિકાએ (America) પણ કોરોના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકાએ ચીનમાં કોરોનાના વધતા પ્રકોપ પર ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે ચિંતા વ્યક્ત કરતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે ચીનમાં કોવિડનો પ્રકોપ જે રીતે ફેલાઈ રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. નેડ પ્રાઈસે કહ્યું કે કોવિડ ઝીરો પ્રોટોકોલને કારણે ચીનમાં કોરોના અટકી ગયો હતો, પરંતુ પ્રોટોકોલ હટાવ્યા બાદ ચીનમાં જે સ્થિતિ છે તેના કારણે કોવિડ-19 નવા વેરિઅન્ટને જન્મ આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ચીનમાં ફેલાતા વાયરસમાં કોઈપણ સમયે પરિવર્તન થવાની સંભાવના છે અને આ પરિવર્તન સમગ્ર વિશ્વના લોકો માટે એક જોખમ ઊભું કરી શકે છે.

ચીનના શહેરોમાં કોરોના બેકાબૂ છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીની સરકાર ત્યાંની હકીકત વિશ્વથી છુપાવી રહી છે. ચીનની સરકાર શરૂઆતથી જ દાવો કરી રહી છે કે તેણે કોરોના મહામારીને પશ્ચિમી દેશો કરતા વધુ સારી રીતે હેન્ડલ કરી છે. સોમવારે પણ પોલીસ અને સુરક્ષાકર્મીઓએ પત્રકારોને બેઇજિંગના સ્મશાનગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. જો કે, વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ નેડ પ્રાઇસના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

પ્રોટોકોલની છૂટ આપ્યા બાદ હોબાળો
ચીનમાં કોરોના પ્રોટોકોલને લઈને નાગરિકોના ભારે વિરોધ બાદ સરકારે ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન પ્રોટોકોલ સહિતના કડક નિયંત્રણો હટાવ્યા હતા. પ્રતિબંધો હટાવ્યા બાદથી ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. હકીકતમાં, ચીનના પશ્ચિમી ક્ષેત્ર શિનજિયાંગમાં આગ લાગવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાંના લોકોએ આ માટે કોવિડ પ્રોટોકોલને જવાબદાર ઠેરવ્યો. જેના કારણે નવેમ્બરના અંતમાં કોવિડ-19 પ્રોટોકોલને લઈને ચીનના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.

અમેરિકા દ્વારા રિસર્ચ થઈ રહ્યું છે
વિશ્વભરના દેશોમાં કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને, અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) સહિત ઘણી આરોગ્ય એજન્સીઓ ડેલ્ટા અથવા ઓમિક્રોન જેવા નવા પ્રકારો શોધી રહી છે. સીડીસીના જણાવ્યા અનુસાર, કોવિડનું નવું વેરિઅન્ટ રસીકરણ હોવા છતાં કોરોના વાયરસને વધુ સરળતાથી ફેલાવવામાં સક્ષમ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકનના નેતૃત્વમાં વર્ષની શરૂઆતમાં ચીનમાં એક પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાને આશા છે કે ચીન તેના વર્તમાન કોવિડ-19 પ્રકોપને જલ્દીથી નિયંત્રિત કરી લેશે કારણ કે કોરોનાથી ચીનને થયેલું નુકસાન વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. નેડ પ્રાઈસે કહ્યું કે ચીનની જીડીપી ઘણી ઊંચી છે. એટલા માટે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે કે ચીન કોરોનાના આ મહામારીને જલદીથી કાબૂમાં કરી લેશે.

નિષ્ણાતોએ આપી ચેતવણી
એપિડેમિયોલોજિસ્ટ એરિક ફિગેલ ડિંગે એક પછી એક ટ્વિટમાં ચેતવણી આપી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી ત્રણ મહિનામાં કોરોના વિશ્વની 10 ટકા વસ્તી અને ચીનની 90 ટકા વસ્તીને પકડી લેશે. ડિંગે આશંકા વ્યક્ત કરી છે કે આ મહામારીમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ થઈ શકે છે. નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ચીનમાં કોવિડ પ્રતિબંધો હળવા કર્યા પછી, ચીનમાં સ્થિતિ બેકાબૂ છે અને ચીનની તમામ હોસ્પિટલો કોવિડ દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે.

Most Popular

To Top