National

એવરેસ્ટ અને MDHના મસાલા પર સિંગાપોરમાં પ્રતિબંધ બાદ હવે ભારત સરકારે ભર્યા આ પગલાં

નવી દિલ્હી: સિંગાપોરમાં ભારતીય મસાલા કંપનીઓ એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા પર પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આ મસાલાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે અને લોકો અને વેચાણકર્તાઓને ચેતવણી આપવામાં આવી છે. આ પ્રતિબંધ બાદ ભારત સરકારે (Indian Government) આ મસાલાઓની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દેશમાં વેચાતી અન્ય કંપનીઓના મસાલાના ટેસ્ટિંગનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

મામલો શું છે ?
સૂત્રએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FCCI) એ સિંગાપોર (Singapore) અને હોંગકોંગની ભારતીય કંપનીના મસાલા પરની કાર્યવાહી બાદ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે.

સૂત્રએ એજન્સીને જણાવ્યું હતું કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, FSSAI બજારમાંથી MDH અને એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લઈ રહી છે કે કેમ તે ચકાસવા માટે કે તેઓ FSSAI ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં.’ તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) નિકાસ કરાયેલા મસાલાની ગુણવત્તા પર નિયંત્રણ રાખતું નથી.

શા માટે થયો વિવાદ?
સ્પાઈસિસ બોર્ડ ઓફ ઈન્ડિયા હોંગકોંગ (Spices Board of India Hong Kong) અને સિંગાપોર દ્વારા ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના ચાર મિક્સ મસાલા ઉત્પાદનોના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધની તપાસ કરી રહ્યું છે. વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મસાલામાં સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ જંતુનાશક ‘ઇથિલિન ઓક્સાઇડ’ (ethylene oxide) હોય છે.

ઇથિલિન ઓક્સાઇડ’ શું છે?
‘ઇથિલિન ઓક્સાઇડ’ એ ગંધહીન રસાયણ છે જેનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદનોમાં છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવે છે. તેની વધુ પડતી માત્રા માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું કારણ પણ બની શકે છે. હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS)એ ગ્રાહકોને આ ઉત્પાદનો ન ખરીદવા અને વેપારીઓને તેનું વેચાણ ન કરવા જણાવ્યું છે, જ્યારે સિંગાપોર ફૂડ એજન્સીએ આવા મસાલાઓને પાછા બોલાવવાનો નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top