SURAT

સુરતને અન્યાય: જામનગર-સુરત ઇન્ટરસિટી ટ્રેન છીનવી લીધા બાદ આ ટ્રેનનું સ્ટોપેજ અપાયું નહીં

સુરત: રેલવે તંત્રના આડેધડ નિર્ણયો સુરતના પ્રવાસીઓ માટે નુકસાનકર્તા પૂરવાર થઈ રહ્યા છે. જામનગર-સુરત ઇન્ટરસિટી જેને 100 ટકા પ્રવાસીઓ મળતા હતા તે ટ્રેનને સુરત પાસેથી આંચકી લેવામાં આવી છે. તે ટ્રેન હવે જામનગર-વડોદરા વચ્ચે દોડે છે.

અધૂરામાં પૂરું મુંબઈ-હાપા વચ્ચે દોડતી એસી દુરન્ટોનું સ્ટોપેજ પણ સુરતને આપવામાં આવ્યું નથી. જોવા જેવી વાત છે કે, જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને પૂરતો ટ્રાફિક મળતો નથી. આથી તેને સુરત સુધી લંબાવવામાં આવી રહી છે. ત્યારે સુરતથી પસાર થતી દુરન્ટો એક્સપ્રેસને સુરત સ્ટોપેજ આપવામાં નથી આવ્યું.

રેલવે તંત્ર પહેલાથી સુરત સાથે અન્યાય કરતું આવ્યું છે. સુરતને નવી ટ્રેન આપવાની વાત હોય કે સુરતને સ્ટોપેજ આપવાની વાત હોય, સુરતને સતત અન્યાય કરવામાં આવે છે. કોરોના પહેલાં જામનગર-સુરત-જામનગર ઇન્ટરસિટી અઠવાડિયામાં 6 દિવસ અને સુરત-હાપા-સુરત ઇન્ટરસિટી અઠવાડિયામાં એક વખત દોડતી હતી.

આ ટ્રેનને 100 ટકા પેસેન્જર મળતા હતા. કેટલીક વખત ટ્રેનમાં પગ મૂકવાની જગ્યા રહેતી ન હતી. સુરતથી રાજકોટ-હાપા-જામનગર જવાવાળા રોજના હજારો પેસેન્જર છે. કોરોના બાદ રેલવે તંત્રએ તે ટ્રેન સુરત પાસેથી આંચકી લીધી છે. તે ટ્રેન હવે જામનગર-વડોદરા વચ્ચે ડેઇલી દોડે છે. સુરત પાસેથી સૌથી જરૂરતવાળી ટ્રેન પૈકીની એક ટ્રેન તંત્રએ આંચકી લીધી છે.

રેલવે મંત્રી સુરતથી બન્યા બાદ તે ટ્રેન પાછી મળે એવી અપેક્ષા સુરતના લોકોને હતી. એટલું જ નહીં દુરન્ટો એક્સપ્રેસને સુરતનું સ્ટોપેજ નથી. મુંબઈથી હાપા વચ્ચે દોડતી એસી દુરન્તો એક્સપ્રેસ મુંબઈ રવાના થયા બાદ અમદાવાદ ઊભી રહે છે. ત્યાર બાદ સુરેન્દ્રનગર અને રાજકોટ ઊભી રહે છે. સુરેન્દ્રનગરની જેટલી વસતી છે તેનાથી વધારે પેસેન્જર રોજ સુરત રેલવે સ્ટેશનેથી આવ-જા કરે છે. છતાં રેલવે તંત્રએ સુરેન્દ્રનગરને દુરન્ટોનું સ્ટોપેજ આપ્યું છે, પરંતુ સુરતને નથી આપ્યું.

સુરત-જામનગર ઇન્ટરસિટી ભારતની પહેલી એવી ટ્રેન છે, જેને કાયમી ટુંકાવી દેવાઈ
સુરત-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભારતની પહેલી એવી ટ્રેન છે જેને કાયમી ધોરણે ટુંકાવી દેવાઈ છે. સામાન્ય રીતે કોઈ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવે ત્યારે અનુભવ પરથી અને આગળની જરૂરત કે ઓછા પ્રવાસીઓ મળતા હોય ત્યારે તે ટ્રેનને આગળના રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવે છે. સુરત-જામનગર પહેલી ભારતની પહેલી એવી ટ્રેન છે, જેને પૂરતો ટ્રાફિક મળતો હતો, છતાં તેને ટુંકાવી દેવામાં આવી છે.

નિર્ણયો રેલવે બોર્ડ લેતું હોય છે: નીરજ વર્મા (ડીઆરએમ)
મુંબઈ ડિવિઝનના ડીઆરએમ નીરજ વર્માએ જણાવ્યું હતું કે, કઈ ટ્રેન દોડાવવી અને ક્યાં હોલ્ટ આપવો તેનો નિર્ણય રેલવે બોર્ડ લેતું હોય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે સુરતથી કોઈપણ ટ્રેન શરૂ કરવામાં પૂરો ટ્રાફિક મળે છે. સુરતથી ટ્રેનો શરૂ કરવા માટે ઘણી ડિમાંડ છે.

Most Popular

To Top