સુરત : કોરોના (Corona) સંક્રમણના ભય વચ્ચે આજથી દક્ષિણ ગુજરાતની (South Gujarat) શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પ્રારંભ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લાખો વિદ્યાર્થીને (Student) આવકારવા માટે શાળાઓ પણ સજ્જ થઇ ચૂકી છે. તો બીજી તરફ શાળાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારે જ કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે.
- આજથી દક્ષિણ ગુજરાતમાં શાળાઓ શરૂ
- સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શિક્ષણનો ધમધમાટ શરૂ
- જો શરદી, ખાંસી કે તાવ હોય તો બાળકોને શાળાએ નહીં મોકલવા ડીઇઓની અપીલ
છેલ્લા ત્રણ વર્ષથી એટલે માર્ચ 2020થી કોરોના શરૂ થયો ત્યારથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પહોંચી છે. કેટલીક વખત ઓનલાઇન તો કેટલીક વખત ઓફલાઇન અભ્યાસ કરવો પડ્યો હતો. તો લોકડાઉનમાં પણ લાંબો સમય વિદ્યાર્થીઓએ ઘરે બેસવું પડ્યું હતું. આવી સ્થિતિમાં પહેલી વખત જૂન મહિનામાં શાળાઓ શરૂ થવા જઇ રહી છે. શાળાઓ શરૂ થવાની હોવાથી વિદ્યાર્થીઓએ વેકેશનના છેલ્લા દિવસો રમત ગમતમાં વિતાવ્યા હતા તો રવિવારે ડુમસમાં પણ વેકેશનનો અંતિમ દિવસ હોવાથી ભારે ભીડ ઉમટી હતી.
આજથી એટલે કે 13 જૂનને સોમવારથી શાળા શરૂ થવાની હોવાથી પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ હતી. વડોદરાની કેટલીક શાળામાં વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું હતું. આ સાથે જ કેટલીક શાળામાં બાળકોને ગુલાબ અને ચોકલેટ આપી શાળામાં સ્વાગત કર્યું હતું. શાળામાં જતા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે કેટલાક બાળક રડતાં રડતાં શાળાએ જઈ રહ્યા હતા. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતા જોવા મળી રહી છે. નોંધનીય છે કે શાળાઓ રી-ઓપન થતા સંચાલકો અને સ્ટાફ દ્વારા શાળાની સાફ સફાઇ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ જો બાળકોને શરદી કે તાવ હોય તો તેમને શાળાએ નહીં મોકલવાની વિનંતી કરવામાં આવી છે. ટૂંકમાં આજથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની શાળાઓમાં શિક્ષણનો ધમધમાટ શરૂ થઇ જશે.
જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠશે
વલસાડ : સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લામાં પણ આજથી નવા અભ્યાસના સત્રની શરૂઆત થઇ રહી છે. જેની સાથે આજે વલસાડ જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું. વલસાડમાં નર્સરી, ધો.1 થી લઇ ધો.12 સુધીની તમામ શાળાઓ આજથી 13મી જૂનને સોમવારના રોજ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.
સોમવારથી શાળા શરૂ થવાની હોય, શુક્ર અને શનિવાર દરમિયાન કાપડ બજાર અને સ્ટેશનરી બજારમાં ગિર્દી જોવા મળી હતી. કોરોનાના કારણે ગત વર્ષે પણ સ્કૂલ અડધું વર્ષ જ શરૂ થઇ શકી હતી. જોકે, આ વર્ષે હવે પહેલા દિવસથી જ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઇ રહી છે. પહેલાં દિવસે મહત્તમ સ્કૂલોમાં હાફ ડે જ રહ્યો હતો. પ્રથમ દિવસે બાળકોને પોતાના નિયમિત સમય કરતા વહેલા છૂટા કરવામાં આવશે.