સૈકત ચક્રવર્તી કોણ છે? સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સૈકત ચક્રવર્તીની સરખામણી ઝોહરાન મમદાની સાથે કરી છે, ખાસ કરીને તેમની પ્રચાર શૈલીને લઈને. હવે, 39 વર્ષીય સૈકત માટે અમેરિકન રાજકારણમાં પ્રવેશવાનો માર્ગ મોકળો છે. પણ કેવી રીતે?
ગયા અઠવાડિયે, જ્યારે ઝોહરાન મમદાની ન્યૂ યોર્કના મેયરની ચૂંટણી જીતી ત્યારે બીજા ભારતીય-અમેરિકન ડેમોક્રેટની આશાઓ પ્રજ્વલિત થઈ ગઈ હતી. આશા – અમેરિકન રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ હાંસલ કરવાની. નેન્સી પેલોસીએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે સૈકત ચક્રવર્તીની આશાઓ વધુ મજબૂત થઈ હતી. હવે, 39 વર્ષીય સૈકત માટે અમેરિકન રાજકારણમાં પ્રવેશવાનો માર્ગ એવું સમજો કે મોકળો થઈ ગયો છે.
નેન્સી પેલોસી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સાન ફ્રાન્સિસ્કો બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય દૃષ્ટિએ તે સંસદ સભ્ય છે. તેણી લગભગ 40 વર્ષથી (1987થી) આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે આગામી ચૂંટણી નહીં લડે. તેણીની જાહેરાતથી સાન ફ્રાન્સિસ્કો બેઠક ખાલી પડી છે, જેનાથી સૈકત માટે ડેમોક્રેટિક પાર્ટીનું નામાંકન મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

મામદાનીની જેમ સૈકત પણ પ્રગતિશીલ નેતાઓની નવી પેઢીનો ભાગ છે જે જૂના ડેમોક્રેટિક આદર્શોને બદલવા માગે છે. સૈકત મામદાનીથી ખૂબ પ્રભાવિત છે. ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપતા ચક્રવર્તીએ કહ્યું, ઝોહરાન મમદાનીએ સાબિત કર્યું છે કે તમારા વિરુદ્ધ ગમે તેટલા પૈસા ફેંકવામાં આવે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે વાસ્તવિક પરિવર્તન માટે ઊભા રહો તો લોકો પૈસાને પણ હરાવી શકે છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સૈકતની સરખામણી મમદાનીની સાથે કરી છે, ખાસ કરીને તેમની પ્રચાર શૈલીઓ અંગે. બંનેની પ્રચાર પદ્ધતિઓ સમાન છે. મમદાનીની જેમ, ચક્રવર્તી પણ પોતાની અનોખી શૈલીથી ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તે ઘરે ઘરે જાય છે, લોકોના દરવાજા ખટખટાવે છે, તેમને કહે છે કે જો તે જીતશે તો તે શું કરવાની યોજના ધરાવે છે. ચક્રવર્તીએનું કહેવું છે કે તેના 2,000 થી વધુ કાર્યકરોએ 40,000 થી વધુ દરવાજા અત્યાર સુધીમાં ખટખટાવ્યા છે.
સૈકત ચક્રવર્તીનો જન્મ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક બંગાળી ઇમિગ્રન્ટ દંપતીને ત્યાં થયો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં ડિગ્રી મેળવી હતી અને પછી સાન ફ્રાન્સિસ્કો ગયા હતાં જ્યાં તેમણે એક ટેક સ્ટાર્ટઅપની સહ-સ્થાપના કરી હતી. બાદમાં તેઓ નાણાકીય સેવાઓ આપતી કંપની સ્ટ્રાઇપમાં જોડાયા હતાં.
અહેવાલો અનુસાર, રાજકારણમાં તેમનો પહેલો પ્રવેશ 2015માં થયો હતો, જ્યારે તેમણે સેનેટર બર્ની સેન્ડર્સના રાષ્ટ્રપતિ પ્રચારમાં કામ કરવા માટે ટેક ઉદ્યોગ છોડી દીધો હતો. જોકે સેન્ડર્સ જીતી શક્યા ન હતા, પરંતુ ચક્રવર્તીએ તેમના કાર્યથી ડેમોક્રેટ્સને પ્રભાવિત કર્યા હતા.
બે વર્ષ પછી તેમણે ભાગીદારીમાં જસ્ટિસ ડેમોક્રેટ્સની સ્થાપના કરી હતી. આ એક રાજકીય જૂથ હતું જેણે યુવા અને નવા ઉમેદવારોને લાંબા સમયથી સત્તાધારી નેતાઓ સામે કોંગ્રેસ માટે ચૂંટણી લડવામાં મદદ કરી હતી.
જોકે, ચક્રવર્તીએ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝના પ્રચારનું સફળતાપૂર્વક નેતૃત્વ કરીને પોતાની ઇમેજ ઊભી કરી હતી. તેમણે 2018માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ન્યૂ યોર્ક બેઠક જીતવામાં તેણીને મદદ કરી હતી. ત્યારબાદ તેમને એલેક્ઝાન્ડ્રિયાના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જબરદસ્ત વિજયે ચક્રવર્તીને સ્પોટલાઇટમાં લાવી દીધા હતા. અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
રૂઢિચુસ્ત ડેમોક્રેટ્સથી વિપરીત ચક્રવર્તી, મામદાનીની જેમ, શ્રીમંતો પર કર વધારવાનું સમર્થન કરે છે. તેઓ ‘સંપત્તિ કર’ માટે હિમાયત કરે છે, ભલે તેનો અર્થ ‘પોતાની જાત પર કર લાદવાનો’ હોય. તેમણે ભાર મૂક્યો છે કે તેમનો ધ્યેય ‘ડેમોક્રેટિક પાર્ટીની છબીને સંપૂર્ણપણે બદલી નાખવાનો’ છે. આ માટે તેમને ઘણીવાર ડેમોક્રેટ્સ તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.
2019માં સૈકત ચક્રવર્તી વિવાદમાં ફસાઈ ગયા હતા જ્યારે તેમણે સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝની છબી ધરાવતી ટી-શર્ટ પહેરી હતી. જ્યારે સૈકત માટે આ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક હતું, ત્યારે કેટલાક જમણેરી મીડિયા આઉટલેટ્સે તેમની ટીકા કરી હતી અને તેમના પર ‘નાઝી સહાનુભૂતિ ધરાવનાર’ને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો.
હવે યુએસ કોંગ્રેસના પાંચ ભારતીય-અમેરિકન સભ્યો અને રાજ્ય વિધાનસભાઓમાં લગભગ 40 ભારતીય-અમેરિકન સભ્યો છે, જે કોઈપણ એશિયન-અમેરિકન જૂથમાં સૌથી વધુ છે.
શું ચક્રવર્તી યુએસ કોંગ્રેસમાં છઠ્ઠા ભારતીય-અમેરિકન હશે? જાણવા માટે આવતા વર્ષે જૂન સુધી રાહ જોવી પડશે.