Vadodara

લવમેરેજ બાદ પરિણીતાને દહેજ લાવવા કાઢી મૂકાઇ

વડોદરા: શહેરના રાવપુરા સ્થિત પિયરમાં રહેતી પરણિતાએ 4 મહિના પહેલા લવમેરેજ કર્યા બાદ પતિ અને સાસરિયાએ પોત પ્રકાશી દહેજ અંગે વિવિધ માંગણીઓ કરી પરણીતાને દહેજ ભુખ્યા સાસરિયાએ ઘરમાંથી કાઢી મુક્તા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ, સાસુ સસરા અને દિયર વિરુદ્ધ દહેજધારા, મારઝૂડ અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આટલું જ નહિ પરિણીતાના પરિવાર દ્વારા એકવાર દહેજ આપવા છતાં દહેજ ભુખ્યા સાસરિયાઓને દહેજ ઓછું પડતા વધુ માંગણી કરી હતી.

શહેરના રાવપુરા સ્થિત પિયરમાં રહેતી પરણિતાએ વર્ષ 2021ના જૂન મહિનામાં કાયાવરોહણ કાશીવિશ્વનાથ મંદિરમાં રાજ હરીશકુમાર ઠાકોર સાથે લવમેરેજ કર્યા હતા. લગ્નબાદ પરણિતા સુભાનપુરા સ્થિત પતિના ઘરે સંસાર માંડવા ગઈ હતી. જ્યાં 10 દિવસ સારી રીતે રાખ્યાબાદ પતિ અને સાસુસસરાએ દહેજ અને વ્યવહારની માંગણી કરી હતી. ત્યારે પરણીતાએ માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસરિયાની માંગણી સંતોષવાનો ઇન્કાર ર્ક્યો હતો. જેથી સાસરિયાઓએ પરણીતાને શરીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

જોકે આટલે જ નહિ અટકેલા સાસરિયાએ દહેજ અંગે પરણીતાને વધુ ત્રાસ આપવાનું શરૂ કરતા પરણીતાએ પોતાની આપ વીતી માતાને કરી હતી. ત્યારે માતાપિતાએ દીકરીનો ઘરસંસાર ના બગડે તેમ સમજી સાસરિયાઓને દહેજ અને ઘરવખરીનો સરસમાન આપ્યો હતો. ત્યારે પરણીતાને થોડા દિવસ સારી રીતે ઘરમાં રાખવામાં આવી હતી. જોકે ત્યારબાદ થોડા દિવસો બાદ ફરીથી પતિ સહિત સાસરિયાઓ દ્વારા દહેજ ઓછું આપ્યું છે. તેમ મહેણાં ટોણા મારી વધુ દહેજની માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન ગત તા. 19 ઓગસ્ટના રોજ પતિ અને દિયરે પરણિતા સાથે ઝગડો કરી તારી માતાએ જોઈએ તેવો વહેવાર કરેલ નથી. તેમ બહાનું કરી પરણીતાને માર મારવા લાગ્યા હતા. જેથી પરણીતાએ મદદ અર્થે પોતાની માતાને ઘરે બોલાવતા સાસરિયાઓએ તારી દીકરીને અહિયાંથી લઇ જા, અમારે એને રાખવી નથી, નહિ તો જોવા જેવી થશે. તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. અત્ર ઉલ્લેખનિય છે કે, આખરે લવમેરેજ બાદ કંટાળેલી પરણીતાએ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ રાજ હરીશકુમાર ઠાકોર, સસરા હરીશકુમાર રતનસિંહ ઠાકોર, દિયર રાજા હરીશકુમાર ઠાકોર અને સાસુ વનીતાબેન પરમાર વિરુદ્ધ દહેજધારા, મારઝૂડ અને ધાકધમકીની  કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top