હૈદરાબાદ: હૈદરાબાદના (Hydrabad) રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (RajivGandhiInternationalStadium) ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEnglandTest) વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ચાલી રહી છે. આજે 27 જાન્યુઆરીએ મેચનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી છે અને લંચ સુધી તેનો સ્કોર 89/1 છે. ઓલી પોપ અને બેન ડકેટ ક્રિઝ પર ઉભા છે. અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો.
પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ઓલી પોપે બાજી સંભાળી
રમતના ત્રીજા દિવસે ટી બ્રેક પહેલાં જ ઈંગ્લેન્ડની અડધી ટીમ આઉટ થઈ ગઈ હોય આજે જ ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ જશે તેમ લાગતું હતું, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપે મક્કમ લડત આપી હતી. ઓલી પોપે સદી ફટકારી હતી. ફોક્સ સાથે 112 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં મુક્યું હતું. ફોક્સના આઉટ થયા બાદ પણ પોપે તેની બેઝબોલ સ્ટાઈલ બેટિંગ ચાલુ રાખી હતી. એક જ દિવસમાં ઈંગ્લેન્ડે 190ની લીડ કાપી તેની ઉપર 100થી વધુ રન ફટકારી દઈ મેચ રોમાંચક બનાવી દીધી છે.
ઈંગ્લેન્ડે 163 ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી
લંચ સુધી ઈંગ્લેન્ડે 1 વિકેટ ગુમાવી 89 રન બનાવ્યા હતા. 190 રનની લીડ હોવા છતાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ બેઝબોલ સ્ટાઈલમાં તાબડતોબ બેટિંગ ચાલુ રાખી હતી. જોકે, લંચ બાદ પિરિસ્થિતિ બદલાઈ હતી. લંચ બાદ 17 રનના ગાળામાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી હતી.
બીજી વિકેટ 113ના સ્કોર પર પડી હતી. બુમરાહે ઈંગ્લેન્ડના બેન ડકેટને 47 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ બુમરાહે જો રૂટને આઉટ કર્યો હતો. રૂટ માત્ર 2 રન બનાવી શક્યો હતો. જાડેજાએ જોની બેરિસ્ટોને પણ સસ્તામાં પેવેલિયન ભેગો કર્યો હતો. ટી બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડે 163 પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન બેન સ્ટોક્સ માત્ર 6 રન બનાવી શક્યો હતો. અશ્વિને સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો.
પહેલી ઈનિંગમાં ભારતે 436 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે વહેલી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 436 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પહેલી ઈનિંગમાં 190 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતમાં ભારતીય બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ગઈકાલના સ્કોરમાં માત્ર 15 રન જ ઉમેરી શક્યા હતા.
રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ વહેલા આઉટ થઈ ગયા હતા. 180 બોલનો સામનો કરતા જાડેજાએ સૌથી વધુ 87 રન બનાવ્યા, જેમાં 7 ફોર અને 2 સિક્સનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
ભારતના ત્રણ બેટ્સમેન સદી ચૂક્યા
પહેલી ટેસ્ટના બીજા દિવસે તા. 26 જાન્યુઆરીને શુક્રવારે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 421 રન બનાવ્યા હતા. સ્ટમ્પ સમયે રવિન્દ્ર જાડેજા 81 રને અને અક્ષર પટેલ 35 રને નોટઆઉટ હતા. બીજા દિવસે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (80) હતો. તે પોતાના જ બોલ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 123/2 હતો.
આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગિલ પણ માત્ર 23 રન બનાવીને ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને રાહુલે 64 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસે મોટો શોટ મારવાનો પ્રયાસ કરતાં 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાહુલને કેએસ ભરતના રૂપમાં પાર્ટનર મળ્યો અને બંનેએ 65 રન જોડ્યા.
કેએલ રાહુલ તેની સદીથી માત્ર 14 રન દૂર રહ્યો હતો. રાહુલે 152 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં તેણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. શ્રીકર ભરત પણ સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે 41 રનના અંગત સ્કોર પર LBW ફસાઈ ગયો હતો. શ્રીકરના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ સંપૂર્ણ ચાર્જ સંભાળી લીધો હતો.
155 બોલનો સામનો કરતા જાડેજાએ અણનમ 81 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે અક્ષરે 62 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ઈંગ્લિશ ટીમ પહેલા દિવસે 246 રનમાં સમેટાઈ ગઈ હતી