સુરત: (Surat) કોવિશીલ્ડ બાદ હવે શહેરમાં કોવેક્સિનનો જથ્થો પણ આવી પહોંચ્યો છે. જેથી આવનારા સમયમાં વેક્સિનેશનનું કામ વધુ ઝડપી બનશે અને વધુમાં વધુ લોકોને આવરી લેવાશે. શહેરમાં પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ વેક્સીનના (Vaccine) 80,000થી વધુ ડોઝ સુરત મનપાને આપવામાં આવ્યા હતા. જેમાં હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ હવે કો-વેક્સીનના (Covaccine) ડોઝ પણ શહેરમાં આવી ચુક્યા છે. ભારત બાયોટેકની કોવેક્સીનના 15,000 ડોઝ સુરત મનપાને આપવામાં આવ્યા છે. શરૂઆતમાં વેક્સીન આવી ત્યારે અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ વેક્સીન આપવામાં આવતી હતી. ત્યારબાદ તબક્કાવાર દિવસો વધારવામાં આવ્યા હતા. હવે મનપા દ્વારા દરરોજ વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 43,688 લોકોને વેક્સીન મુકી દેવામાં આવી છે. જેમાં 26,751 હેલ્થ વર્કરો અને 16,947 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીન મુકવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશન માટે હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ કો-મોર્બિડ પેશન્ટોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. અને પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારસુધીમાં મનપા દ્વારા કોવીશીલ્ડ (Covishield) વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે હવે ભારત બાયોટેકની કોવેક્સીનના ડોઝ પણ હવે સુરત મનપાને આપવામાં આવ્યા છે. સોમવારે કુલ 15,000 કોવેક્સીનના ડોઝ સુરત મનપાને આપવામાં આવ્યા છે. સોમવારે મનપા દ્વારા વધુ 1636 લોકોને વેક્સીન મુકવામાં આવી હતી. જેમાં 523 હેલ્થ વર્કર તેમજ 100 પોલીસ વિભાગના કર્મચારીઓ અને 1013 ફ્ન્ટલાઈન મનપાના કર્મચારીઓ એમ કુલ 1636 લોકોને વેક્સીન મુકાઈ હતી.
શહેરમાં ફક્ત 22 કેસ નોંધાયા
સુરત: શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. પ્રતિદિન હવે 50 થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સોમવારે શહેરમાં નવા માત્ર 22 જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 39,712 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમજ સોમવારે વધુ 23 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને તે સાથે જ અત્યારસુધીમાં કુલ 38,702 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ 97.45 ટકા પર પહોંચ્યો છે.
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 02
- વરાછા-એ 01
- વરાછા-બી 01
- રાંદેર 05
- કતારગામ 02
- લિંબાયત 01
- ઉધના 03
- અઠવા 07
જિલ્લામાં ફક્ત 3 કેસ
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના કેસ ઓલટાઇમ લો થયા છે. આજે માત્ર 3 કેસ જ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 2 અને પલસાણામાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. સુરત જિલ્લામાં હાલ માત્ર 99 દર્દીઓ જ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. સુરત ગ્રામ્યમાંથી વિતેલા ચોવીસ કલાકમાં 3 પેશન્ટને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાગ્રસ્ત પેશન્ટનો આંકડો 13,034 ઉપર પહોંચ્યો છે. જયારે મરણાંક 287 હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
સુરત જિલ્લામાં આજે 904 આરોગ્યકર્મીઓનું વેક્સિનેશન
સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગે ચાલું કરેલી કોરોના વેક્સિનની ઝુંબેશમાં દિવસ દરમિયાન 102 હેલ્થ વર્કર તેમજ 802 ફ્રન્ટલાઇનર વર્કરને વેક્સિન આપવામાં આવી છે. તાલુકાવાર સ્થિતિ જોઇએ તો ચોર્યાસી તાલુકામાં 176, કામરેજમાં 174, પલસાણામાં 70, ઓલપાડમાં 81, બારડોલીમાં 75, માંડવીમાં 115 તેમજ માંગરોળમાં 118 અને ઉમરપાડામાં 47 સહિત મહુવામાં 48 લોકોને રસી આપવામાં આવી છે.