અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલા પછી બંને દેશોના સંબંધો એકવાર ફરીથી તણાવભર્યા થઈ ગયા છે. આ વર્ષે ઈરાન પછી અફઘાનિસ્તાન બીજો એવો દેશ છે જેની સાથે પાકિસ્તાનના સૈન્યનો આ પ્રકારે સંઘર્ષ થયો છે. આવો જાણીએ કે હાલમાં તણાવ કેવી રીતે શરૂ થયો અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો અને એ વિસ્તારના રાજકારણ પર શું પ્રભાવ પડી શકે છે. ચકલાલા ગેરિસન રાવલપિંડીમાં એ સમયે ગમગીન માહોલ હતો જ્યારે પાકિસ્તાનના ધ્વજમાં લપેટાયેલા કર્નલ સૈયદ કાશિફ અલી અને કૅપ્ટન મોહમ્મદ અહમદ બદરનાં શરીરને પૂર્ણ સૈન્ય સન્માન સાથે ઍમ્બ્યુલન્સથી ઉતારવામાં આવ્યાં હતાં.
ઉત્તર વજિરિસ્તાનના મીર અલી વિસ્તારમાં એક સૈન્ય ચોકી પર 16 માર્ચના રોજ થયેલા હુમલામાં પોતાની જાન ગુમાવનાર અધિકારીઓને અંતિમ વિદાય આપવા માટે પાકિસ્તાનના શીર્ષ સૈન્ય અધિકારીઓ અને રાજકીય નેતૃત્ત્વ સૌથી આગલી હરોળમાં ઊભા હતા. સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પ્રાર્થનાસભા બાદ અન્ય સૈનિકો સાથે શબપેટીઓને કાંધ આપી હતી.
ત્યારબાદ બંને મૃતકોના પરિવારોને કહ્યું કે તેમનાં સંતાનોનાં ખૂનનો બદલો લેવામાં આવશે. ત્યારબાદ થોડા કલાકો પછી જ અફઘાનિસ્તાનથી સમાચાર આવે છે કે પાકિસ્તાને સરહદપાર અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેની જાણકારી આપતા અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર એક નિવેદન જાહેર કર્યું હતું. મુજાહિદે લખ્યું કે પાકિસ્તાની વિમાનોએ તેમના પક્તિકા અને ખોસ્ત પ્રાંતો પર બૉમ્બમારો કર્યો છે. આ હુમલામાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકો મૃત્યુ પામ્યાં છે.
મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ અફઘાનિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ હતો. તેમણે કહ્યું હતું કે આનું પરિણામ એવું આવશે કે પાકિસ્તાન પછી તેને નિયંત્રિત નહીં કરી શકે. આ નિવેદન પછી અફઘાન સરહદેથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમાં ભારે હથિયારોનો પ્રયોગ થયો હતો. અફઘાન તાલિબાનના રક્ષામંત્રીએ દાવો કર્યો હતો કે તેમણે હવાઈ હુમલાઓના જવાબમાં પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના ગોળીબારથી થયેલા નુકસાન બાબતે પાકિસ્તાને કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી.
જોકે, કુર્રમના સરહદી વિસ્તારોમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ અભિયાનનું કોઈ વિવરણ આપવામાં આવ્યું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજના ઓપરેશનનું નિશાન હાફિઝ સઈદના ગુલ બહાદુર સમૂહના ચરમપંથી હતા, જેઓ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે મળીને પાકિસ્તાનમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલાઓમાં સેંકડો નાગરિકો અને કાયદા પ્રવર્તન અધિકારીઓએ જાન ગુમાવી હતી.”
હાફિઝ ગુલ બહાદુર સમૂહે જ 16મી માર્ચે સેનાની ચોકીઓ પર થયેલા હુમલાઓની જવાબદારી લીધી હતી. પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ગુલ બહાદુર સમૂહના ચરમપંથીઓ અફઘાનિસ્તાનના છે, જેમાંથી મોટાભાગના ખોસ્ત પ્રાંતના છે. પાકિસ્તાની સેનાએ પણ એ દિવસે ઉત્તર વજિરિસ્તાન જિલ્લામાં પોતાના વિસ્તારમાં સિક્રેટ સૂચનાઓને આધારે એક અભિયાન ચલાવ્યું હતું.
આ હુમલામાં એક કમાન્ડર સહિત આઠ ચરમપંથીઓનાં મૃત્યુ થયાં હતાં. સેનાનો દાવો છે કે મૃત્યુ પામેલા ચરમપંથીઓ મીર અલી હુમલામાં સામેલ હતા. આ શરૂઆત ત્યારથી થઈ હતી જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં આશરે 17 લાખ અફઘાન નાગરિકો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમની પાસે પાકિસ્તાનમાં રહેવાના દસ્તાવેજો પણ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થીઓ કામ કરતી સંસ્થા અનુસાર પાકિસ્તાનમાં અલગ અલગ સંસ્થાઓમાં નોંધણી કરાવેલા હોય તેવા અફઘાન નાગરિકોની સંખ્યા 31 લાખ સુધીની છે.
પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓ અને અપરાધ દરમાં વૃદ્ધિ, ડૉલરની દાણચોરી અને અન્ય ઘટનાઓમાં કથિત રીતે કેટલાક અફઘાન નાગરિકો સામેલ હોવાની સૂચના મળી હતી. જોકે પાકિસ્તાનની સરકારે આ બાબતે કોઈ પુરાવાઓ લોકો માટે રજૂ નથી કર્યા પણ કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઍક્શન કમિટીની બેઠકોમાં અફઘાન નાગરિકોને પાછા મોકલવા બાબતે કેટલાય નિર્ણયો કરવામાં આવ્યા હતા. તેમાં એક નિર્ણય એ હતો કે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને પાકિસ્તાનમાંથી તેમના દેશ પાછા મોકલાશે અને આ માટે ઑક્ટોબરની 31મી તારીખ નક્કી કરાઈ હતી. આ પછી આવા અફઘાન નાગરિકો સામે ફૉરેન ઍક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આ માટે પાકિસ્તાનની સરકારે પહેલી નવેમ્બર 2023થી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરણાર્થીઓ સામે કાર્યવાહીની જાહેરાત કરી હતી અને આ કાર્યવાહી ફૉરેન ઍક્ટ 1946ના સેક્શન ત્રણ હેઠળ કરાશે.