સુરત (Surat): શહેરના ઇચ્છાનાથ ખાતે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી દહેજમાં 25 લાખ રોકડા, 25 તોલા સોનું અને 1.1 કિલો ચાંદી લઈ આવવા દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ અંગે મહિલા પોલીસમાં પતિ, સાસુ સસરા સામે ફરિયાદ નોંધાઈ છે.
અડાજણ ખાતે આવેલી સોસાયટીમાં રહેતી 29 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2008 માં ઇચ્છાનાથ ખાતે પલ્લવ બંગ્લોઝમાં રહેતા જીગર સુરેશચંદ્ર ગાંધી સાથે થયા હતા. લગ્ન વખતે ગાંધી પરિવારે આરતીના માતા-પિતા પાસે દહેજમાં 25 તોલા સોનું, 1.1 કિલો ચાંદી તથા 25 લાખ રોકડાની માંગણી કરી હતી. આ માંગણી તાત્કાલિક સંતોષાય તેમ ન હોવાથી આરતીના માતા પિતાએ સોના-ચાંદીના દાગીના, રોકડા તથા ઘર વખરીનો સામાન આપ્યો હતો. તે લઈને ઘરે ગઈ પછી પતિ, સાસુ-સસરા આરતી સાથે ઝઘડો કરતા હતા. પતિ જીગર, સસરા સુરેશચંદ્ર અને સાસુ રાધાબેને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
સાસુ રાધાબેન આ ઘર પર મારો જ હક્ક રહેશે, તારો હક્ક નહીં રહેશે કહી અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરતા હતા. જયારે પતિ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ વાપરવા દેતો નહોતો અને જબરજસ્તી સબંધ બાંધતો હતો. લગ્ન બાદ એક સંતાન થયા પછી આરતી જાડી થઈ હતી. આ વાતને લઈને પણ જીગર હવેથી તને હું ફરવા નહીં લઇ જઇશ અને તને છોડી દઇશ એમ કહી ટોર્ચર કરતો હતો. ત્રણ મહિના અગાઉ મધરાતે આરતીને માર મારી ઘરમાંથી કાઢી મુકતા છેવટે મહિલા પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી અને ફરીયાદ નોંધાવી હતી.
ચારિત્ર્ય પર શંકા કરતા આરતીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો:
આરતીએ સ્કુલ રી-યુનીયન મિટીંગમાં જવાનું કહેતા જીગરે તેણીના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી હતી. પતિ જીગરે તું તો ઇંગ્લિશ મિડીયમમાં ભણેલી છે, તારા ઉપર મને કયારે પણ વિશ્વાસ આવશે નહીં એમ કહ્યું હતું. જે વાત સાંભળીને આરતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિના મિત્રના કહેવાથી આરતીએ પોલીસ સમક્ષ પતિની તરફેણમાં નિવેદન આપ્યું હતું.
સાસુ ટીવી બંધ કરી દેતી તો સસરા પુત્રને ઉશ્કેરી માર ખવડાવતા:
વર્ષ અગાઉ જીનલની 9 વર્ષની પુત્રી ટીવી જોતી હતી ત્યારે સાસુએ ટીવી બંધ કરી પુત્રીને અપશબ્દો ઉચ્ચારી આ ઘર મારૂ છે, તારૂ નથી, આ ઘરમાં હું કહું તેમજ કરવું પડશે નહીં તો કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. તો બીજા બાજું સસરા સુરેશચંદ્ર પુત્ર જીગરને બૈરી શાના માટે લાવ્યો છે, જરૂરિયાત પુરી કરવા માટે જ, આજે આને પતાવી દે એમ કહી ઉશકેરણી કરતા હતા. જેથી જીગરે આરતીને માર માર્યો હતો.