સુરત : સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની (Metro) કામગીરી પુરઝડપે ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી પગલે ઘણા સ્ટ્રક્ચર નડતરરૂપ હોય તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. મનપાના (SMC) ઘણા સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોય, તે પણ તોડી પડાશે. અને હવે મનપા સંચાલિત રંગઉપવન પણ હવે મેટ્રોના રૂટમાં આવતું હોય તેનો આંશિક ભાગ તોડી પાડવા અને મક્કાઇપુલ ખાતે આવેલા વોર્ડ નં 1 બી ઓફિસની સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવા માટે શાસકોની મંજુરી માંગવામાં આવી છે.
- સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની પુરઝડપે ચાલતી કામગીરી
- મનપાના ઘણા સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોવાથી તે પણ તોડી પડાશે – મેટ્રોનું કામ શરૂ થશે તો રંગઉપવન પણ બંધ રખાશે
સુરત મેટ્રોમાં શહેરમાં બે ફેઝમાં કામગીરી થઈ રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમસીટીથી સરથાણાના રૂટમાં 6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ છે જે ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે. ગાંધીબાગમાંથી મુખ્ય રસ્તાને સમાંતર પસાર થાય છે. જેની અસરમાં ગાંધીબાગ તેની કમ્પાઉન્ડ વોલ અને રંગઉપવનનો આંશિક ભાગ પણ અસરમાં આવી રહ્યો છે. તે ઉપરાંત સુરત મહાનગર પાલિકાનું હોમિયોપેથીક દવાખાનું, વોર્ડ ઓફીસ, ફુડ ઇન્સ્પેક્શન ઓફિસ, પે એન્ડ યુઝ ટોયલેટ તથા બસ સ્ટેશન અસર હેઠળ છે. જેથી રંગઉપવનનો (Rang Upvan) આંશિક ભાગ તોડી પાડવા માટે શાસકોની મંજુરી માગતી દરખાસ્ત સ્થાયીમાં રજુ કરવામાં આવી છે. મેટ્રોની અસરમાં આવતા મનપાના તમામ સ્ટ્રક્ચરસ્સને શક્ય હોય તો ગાંધીબાગના બાકી રહેતા ભાગમાં અથવા મનપા દ્વારા જે જગ્યા નક્કી કરવામાં આવશે તે સ્થળો પર જીએમઆરસી (GMRC) મનપાને આ સ્ટ્રક્ચર બનાવી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે આ રૂટ પર મેટ્રોની કામગીરી શરૂ થશે ત્યારે રંગઉપવન કાર્યક્રમો માટે પણ બંધ રાખવામાં આવશે.
તમને જણાવી દઈએકે શહેરમાં મેટ્રોની કામગીરીને લઈ હાલ ઠેર-ઠેર રસ્તાઓ બંધ (Closed) કરવામાં આવ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાતા ટ્રાફિકની (Traffic) ઘણી સમસ્યા થઈ રહી છે. ચોક ચાર રસ્તાથી લઈ ગાંધી બાગ (Gandhi Bag) સુધીનો રસ્તો પણ બંધ કરાયો છે. તેમજ અઠવા પોલીસ સ્ટેશનથી ક્વોલિટી રેસ્ટોરન્ટ તરફ જવા એક જ સાંકડો રસ્તો હોય આ એરિયામાં ટ્રાફિકની ઘણી સમસ્યા રહેતી હોય છે. જેને લઈ લાલા લજપતરાય ગાર્ડન (Lala Lajpat Rai Garden) તોડી રસ્તો બનાવવામાં આવ્યો હતો. અગાઉ ગાંધી બાગની વોલ તોડી પાડવામાં આવી હતી.